ભારતીય રેલવે દ્વારા ન્યૂ ભુજ રેલવે સ્ટેશનને કચ્છના રણની થીમ પર અત્યાધુનિક સ્માર્ટ રેલવે સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. સ્ટેશનની ડિઝાઈનને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન સાથે સ્માર્ટ સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભૂજમાં બનનારા સ્ટેશનના લઘુ મોડલને ભુજ સ્ટેશન ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જેથી યાત્રીઓને સ્ટેશનના ભાવિ સ્વરૂપની જાણકારી અને અનુભવ મળી શકે.
ઉલ્લેખનીય છે કે ભુજ રેલવે સ્ટેશનના પુનર્વિકાસનું કાર્ય શરૂ થઈ ગયું છે અને તેની કામગીરી ઝડપથી ચાલી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા 179.87 કરોડ રૂપિયાના સ્વીકૃત ખર્ચે પુનર્વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે. પુનર્વિકાસનું કાર્ય 24 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
ન્યૂ ભુજ રેલવે સ્ટેશનને વિભિન્ન સુખ-સાધનો અને સુવિધાઓ માટે પૂરતા ક્ષેત્રો સાથે એક સારી રીતે ડિઝાઈન કરવામાં આવેલ સ્ટેશન રૂપે અપગ્રેડ અને પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ યોજનામાં અલગ અલગ આગમન/પ્રસ્થાન યાત્રી પ્લાઝા, સ્ટેશન પરિસર ભીડમુક્ત અને સુગમ પ્રવેશ- નિકાસ, પાર્કિંગ વ્યવસ્થા વગેરે સામેલ છે.
પ્લેટફોર્મ પર ભીડ ઓછી કરવા માટે પ્લેટફોર્મ ઉપર યાત્રી સુખ-સાધનો અને સુવિધાઓથી યુક્ત પૂરતા કોનકોર્સ-પ્રતીક્ષા સ્થાન ઉપલબ્ધ હશે.
રેલવે સ્ટેશન દિવ્યાંગજનો માટે સુવિધાઓ ધરાવતું હશે, જેથી તે 100% દિવ્યાંગોને અનુકૂળ હશે.
ઊર્જા, પાણી તથા અન્ય સંસાધનોનો કુશળ ઉપયોગ, નવિનીકરણીય ઊર્જાનો ઉપયોગ વગેરેની સુવિધાઓ સાથે સ્ટેશન ભવન ગ્રીન બિલ્ડિંગ હશે.
બેટરી ચાર્જ કરવાની સુવિધા અને બેટરી ચાલિત વાહનોના સંચાલનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ન્યૂ ભુજ સ્ટેશનમાં મુખ્ય બિલ્ડિંગ લગભગ 970 ચો.મી. અને જેમાં આવવા-જવા માટે પૂરતી જગ્યા, કોન્કોર્સ અને પૂરતી વેઇટિંગ સ્પેસ છે. સોલાર પેનલ યુક્ત છત, 3240 ચો.મી. કોન્કોર્સ, 6 મીટર પહોળા 2 ફુટ ઓવર બ્રિજ, 13 લિફ્ટ, 10 એસ્કેલેટર્સ, SCADA, BMS, CCTV, EV ચાર્જિંગ સ્ટેશન વગેરે આધુનિક સુવિધાઓથી સુસજ્જિત સ્માર્ટ સ્ટેશન હશે
વિથ ઇનપુટ: દર્શલ રાવલ, અમદાવાદ ટીવી9
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…