એક દાયકા બાદ ભુજ (Bhuj) ના ઐતિહાસિક દેસલસર તળાવ (historic Desalsar Lake) માંથી ગટરના પાણી (sewage water) દૂર કરવાનુ કાર્ય શરૂ થયુ છે. અનેક રજૂઆત અને લડત પછી સામાજીક સંસ્થાની મદદથી પાલિકા (Municipality) એ પહેલા જળકુંભી દૂર કરી અને હવે ગટરના પાણી દૂર કરવાનું કાર્ય શરૂ કર્યુ છે. જો કે જાહેર માર્ગો પર પાણી છોડવાથી મુશ્કેલીના આક્ષેપ સાથે ફરી તળાવમાં ગટરના પાણી બંધ કરાય તેવી માંગ સ્થાનિકોએ કરી છે. ધાર્મિક અને ઐતિહાસિક રીતે મહત્વના એક ભુજના દેસલસર તળાવની સ્થિતિ છેલ્લા એક દાયકાથી દયનીય છે. પહેલા ખોટા આયોજનથી ગટરની લાઇન તળાવમાં પડી જતા પાણી ગટર મિશ્રીત થઇ ગટર તળાવમાં ફેરવાઇ ગયુ હતુ અને ત્યાર બાદ જળકુંભીનું સામ્રાજ્ય પથરાયું હતું.
જો કે હવે સામાજીક સંસ્થાએ જળકુંભી દૂર કર્યા બાદ પાલિકાએ ગટરના પાણી તળામાંથી સંપૂર્ણ દૂર કરવા કવાયત શરૂ કરી છે. જો કે તળાવનું પાણી રસ્તા પર છોડાવા સામે સ્થાનિક લોકોએ વાંધો ઉઠાવ્યો છે. એક તરફ રમઝાન શરૂ થઇ રહ્યો છે અને બીજી તરફ અનેક સોસોયટીમાં આ પાણી જવાની ચિંતા સાથે ગટર લાઇન સાથે જોડાણ આપી દેવાની માંગ કરી ગટરના પાણી તળાવમાંથી દૂર થાય સાથે ફરી ન આવે તેવુ માંગ સ્થાનિકોએ કરી છે.
સામાજીક સંસ્થાએ એક દાયકાની સમસ્યા બે મહિનામાં દૂર કરી હતી અને જળકુંભી દૂર કરવા સાથે ફેન્સિંગ અને ગેટ નાખવાનું કાર્ય પણ પૂર્ણ કર્યું હતુ. જો કે હવે ફંડના અભાવે પાલિકાએ ગટરના પાણી દૂર કરી ખાણેત્રા માટેની પ્રક્રિયા શરૂ કરી છે. જેના માટે 26 લાખ રૂપિયા મંજુર પણ કર્યા હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતુ. જો કે તળાવમાંથી ગટરના પાણી ક્યારે દૂર થશે અને નવા પાણી આવતા ક્યારે અટકશે તેનો કોઇ જવાબ પાલિકા પાસે નથી. પરંતુ યોગ્ય આયોજન કરી કાયમી સમસ્યાના ઉકેલની પાલિકાને આશા છે.
રાજાશાહી સમયના આ તળાવનુ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ હોવા છતાં હંમેશા ઉપેક્ષાનું ભોગ બન્યુ છે. જો કે હવે કાયમી સમસ્યાના ઉકેલ તરફ પાલિકાએ કામ શરૂ કર્યુ છે. જો કે જાહેર માર્ગો પણ પાણી છોડવા સાથે તળાવમાં આવતા ગટરના પાણી ન અટકતા ભવિષ્યમાં તળાવ ખરેખર સુંદર થશે કે ફરી મુળ સ્થિતિમાં આવી જશે તે પ્રશ્ન છે. જો કે હાલ વર્ષો જૂની સમસ્યા માટે કામ થતાં લોકોને સારા પરિણામની આશા છે.