દેશ વિદેશમાં વસતા કચ્છીઓ (Kutchi)આજે હરખભેર અષાઢી બીજના દિવસે નવા વર્ષની ઉજવણી કરશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અષાઢી બીજ (Ashadi bij)દીવાળીના ઉત્સવની જેમ ઉજવાય છે અને ઘરે ઘેર લાપસીના આંઘણ મૂકાતા હોય છે. ગુજરાતમાં વસતા કચ્છીઓ વર્ષોથી તેમના ખમીર અને આગવી કળાને લીધે દેશ વિદેશમાં જાણીતા બન્યા છે તે પછી સ્વતંત્રતા સેનાની શ્યામજી કૃષ્ણજી વર્માહોય કે જામ લાખો ફુલાણી અને આજના સમયમાં, લોકગાયિકા ગીતાબેન રબારી, હોય કે પછી ગાયક ઓસમાણ મીર, કચ્છી પ્રજા તેના ખમીર અને ભાતીગળ પ્રદેશની આગવી ઓળખને લીધે દેશવિદેશમાં પ્રસિદ્ધ છે. મરૂ,મેરુ અને મહેરામણની ભુમિ તરીકે ઓળખાતા કચ્છમાં નવા વર્ષ પણ બે ઉજવાય છે. સમગ્ર દેશમાં જ્યારે ભગવાન જગન્નનાથની (Rathyatra)રથયાત્રા ફરે છે.
આજના દિવસ માટે જાણીતી કચ્છી ઉક્તિ છે કે
મઠો અસાંજો કચ્છ,
મઠા અસાંજા માડું ને મઠી અસાંજી રીત,
મઠી અસાંજી ગાલિયું,
ને મઠી અસાંજી અષાઢી બીજ
મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માંડું,
મીઠી અસાન્જી ગાલીયું, અને મીઠી અસાન્જી પ્રીત,
અષાઢી બીજ મડીકે નયે વરેજી વધાયું!
સંવત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી ત્યારથી અષાઢી બીજે નવું વર્ષ મનાવાય છે. કચ્છમાં પહેલો વરસાદ એ ઉત્સવ છે. લોકો જેઠ મહિનામાં વરસાદની વાટ ભલે ન જુએ, પરંતુ અષાઢી બીજ કોરી ન જાય તેવું દરેક કચ્છી ઇચ્છે છે.
એક કથા પ્રમાણે કેરાકોટને પોતાની રાજધાની બનાવનાર જામ લાખા ફુલાણી તેજસ્વી, ચતુર અને શૂરવીર રાજવી હતા. એક દિવસ તેમને વિચાર આવ્યો કે આ ધરતીનો છેડો ક્યાં હશે? મનમાં આવેલા વિચારને અમલમાં મૂકીને તેઓ ધરતીનો છેડો શોધવા માટે નીકળી પડયા. મહિનાઓની રઝળપાટ પછી તેઓ નિરાશ થઈને પાછા ફર્યા. તે પાછા આવ્યા ત્યારે ચોમાસું બેસી ગયું હતું, વરસાદ પડી ગયો હતો. વન ફૂલ્યુંફાલ્યું હતું, જળાશયો પાણીથી ભરેલાં હતાં. પોતાની માભોમને લીલીછમ્મ જોઈને લાખા ફુલાણીને ખૂબ જ આનંદ થયો. તે કેરાકોટ પહોંચ્યા એ દિવસ અષાઢી બીજનો હતો. તેથી જામ લાખા ફુલાણીએ એ દિવસને નવા વર્ષ તરીકે ઊજવવાનું ફરમાન બહાર પાડયું. ત્યારથી કચ્છમાં નવું વર્ષ અષાઢી બીજથી ઊજવવાનું શરૂ થયું. આ દિવસે સવારથી સૌ એકબીજાને અષાઢી બીજના રામ- રામ કહીને શુભેચ્છા પાઠવે છે.
કચ્છના દરિયાખેડુઓઆજે દિવસે દરિયાદેવની પૂજા કરે છે. વેપારી પેઢીઓ વહાણોની પૂજા કરાવે છે. તેમજ એવી માન્યતા છે કે એકબીજાને ‘અષાઢી બીજના રામ-રામ’ કહી તહેવાર ઉજવે છે. તેમજ જો અષાઢી બીજ ગાજે, આભમાંથી અમી છાંટણાઓ વરસે અને રાત્રે વીજ ચમકારા થાય તો અષાઢ માસ મેઘરાજાની કૃપાથી તરબતર રહે છે, તેવી માન્યતા પણ છે.
દાયકા પહેલા આ દિવસને અનોખી રીતે ઉજવાતો નવા વર્ષના નવા સિક્કા બહાર પડાતા, નવું પંચાગ બહાર પડતું, અને વિવિધ આકર્ષણો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો અને સૌ નગરજનો તેમાં ભાગ લેતા. જોકે રાજાશાહી સમયની ઉજવણી આજે બંધ છે. પરંતુ લોકો આજે પણ વડીલોના શુભ આશિષ લઇ ઘરે લાપસીનું આંધણ મુકી નવા વર્ષેને ખાસ બનાવે છે. તેમાંય અષાઢીબીજના દિવસે વરસાદના બે છાંટા આ ઉજવણીને વર્ષોથી વિશેષ બનાવે છે.