Cyclone Biparjoy : અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. એક દિવસમાં કુલ 87 તાલુકામાં વરસાદ પડ્યો છે.દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે.
દ્વારકામાં સાડા 3 ઈંચ, રાજકોટના ઉપલેટામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના મેંદરડામાં અઢી ઈંચ, જામજોધપુરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં અઢી ઈંચ, પોરબંદર અને જૂનાગઢમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે. માંડવી, ખાંભા, લાલપુરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વંથલી, સાવરકુંડલા, માળિયા હાટિનામાં દોઢ ઈંચ અને ભાણવડ, ધોરાજી, કેશોદમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. જેના પગલે આજે ગાંધીનગરમાં યોજનારી કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે. તેમજ મુખ્યપ્રધાન દ્વારા તમામ પ્રધાનોને સોંપવામાં આવેલા જિલ્લામાં જ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત Cyclone Biparjoy ની અસર સામે જિલ્લા તંત્ર એ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.
કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ પ્રધાનોને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી છે. જવાબદારીના પગલે આજે ગાંધીનગરમાં યોજનારી કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:21 am, Wed, 14 June 23