Cyclone Biparjoy: ગુજરાતમાં PGVCLને તાઉતે વાવાઝોડા બાદ ફરી મોટું નુકસાન થયું છે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાના (Cyclone Biparjoy) કારણે કુલ 23,340 વીજપોલ ધરાશાયી થયા છે. જેમાં સૌથી વધારે જામનગર (Jamnagar) સર્કલમાં 21,115 વીજપોલને નુકસાન થયું છે. તો 4582 ટીસીને નુકશાન પહોંચ્યું છે. તેમજ કુલ 3889 ફિડર હાલમાં બંધ હોવાથી અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
રાજ્યમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાને પગલે અનેક જગ્યાએથી નુકસાનીના દૃશ્યો સામે આવી રહ્યા છે. જામનગરમાં વાવાઝોડામાં તોફાની પવન ફુંકાતા 21,000થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. વીજપોલ ધરાશાયી થતા અનેક વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ છે. વીજપૂરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અનેક લોકો PGVCLની ઓફિસ પર ફરિયાદ માટે પહોંચ્યા હતા. કેટલાક વિસ્તારો એવા છે જ્યાં 24 કલાકથી વીજળી ડૂલ છે. મોટાભાગના શહેરોમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારપટ છવાયો છે.
આ પણ વાંચો Cyclone Biporjoy: બનાસકાંઠામાં રેડ એલર્ટ, અતિભારે વરસાદની આગાહી, કચ્છ, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ
સંખ્યાબંધ વીજપોલ ધરાશાયી થતા અનેક વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ છે. PGVCL દ્વારા પણ વીજપૂરવઠો પૂર્વવત કરવા સતત યુદ્ધના ધોરણે કામગીરી શરૂ છે. ઝડપથી વીજ પૂરવઠો પૂર્વવત થઈ શકે તેવી શક્યતા PGVCLના અધિકારીઓ સેવી રહ્યા છે.
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. ઠેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાના તો મોટી સંખ્યામાં વીજપોલ પણ ધરાશાયી થયા છે. જેની સૌથી વધુ અસર PGVCLને થઈ છે. વાવાઝોડાના કારણે કુલ 23,340 વીજપોલ ધરાશાયી થયા છે. જેના કારણે 2609 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો છે તો 24 શહેરોમાં અંધારપટ છવાયો છે. PGVCL દ્વારા ઝડપથી વીજપુરવઠો ફરીથી કાર્યરત કરવા PGVCLના ઉચ્ચ અધિકારીઓએ કચ્છ અને દ્વારકા તેમજ જામનગરમાં ધામા નાખ્યા છે.
બિપરજોય વાવાઝોડાના કારણે ST વિભાગને પણ નુકસાન સહન કરવું પડ્યું છે. વાવાઝોડાની સ્થિતિને જોતાં આગામચેતીના ભાગરૂપે વહીવટી તંત્રએ કેટલીક બસોના રૂટ રદ કર્યા હતા. જેમાં સૌથી વધુ કચ્છ સૌરાષ્ટ્રના રૂટની બસો રદ કરવામાં આવી હતી. જેના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ST બસ ડેપો સુમસામ જોવા મળ્યા હતા. કચ્છ, દ્વારકા, જામખંભાળીયા, પોરબંદર અને વેરાવળની 1100 ટ્રીપ રદ થઇ છે જેના કારણે ST વિભાગની આવકમાં મોટું ગાબડું પડ્યું છે. ST વિભાગની ટ્રીપો રદ થતાં આવકમાં 1કરોડનું ગાબડું પડ્યું છે.