
દીપડાએ જૂનાગઢના સોનારડી ગામે માનવ ભક્ષી દીપડાએ 7 વર્ષની બાળકીનો શિકાર કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની વાત કરીએ તો દાદા-દાદી સાથે નદી કિનારે કપડા ધોવા ગયેલી 7 વર્ષની માસૂમ બાળકીને દાદાના હાથમાંથી ઝૂંટવીને માનવભક્ષી દીપડો નદીના પટમાં તાણી ગયો હતો. બાદમાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરતા લોહીલુહાણ હાલતમાં બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. હાલ તો બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો છે. મહત્વપૂર્ણ છે કે જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં દિપડાનું દિવસેને દિવસે પ્રમાણ વધતું જાય છે. તંત્રને વાંરવાર રજૂઆત કરવા છતાં પણ માનવ પક્ષી દીપડાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્યારે વન્ય પ્રાણીઓથી રક્ષણ મળે તે માટે કાર્યવાહી કરવા સ્થાનિકો માગ કરી રહ્યા છે.
વંથલી રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ એચ સુજેત્રાએ જણાવ્યું હતું કે, મન્નત રાઠોડ તેના દાદા-દાદી સાથે કપડા ધોવા નદી પર જઈ રહી હતી, ત્યારે એક દીપડો તેને ખેંચી ગયો હતો. તેમણે કહ્યું કે આ ઘટના સવારે 11 વાગ્યે બની હતી. ગામ લોકો બાળકીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. આ વિસ્તારમાં દીપડાને પકડવા માટે ચારથી પાંચ પાંજરા મુકવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે બાળકીને દીપડાની પકડમાંથી છોડાવવા લોકોએ પથરા પણ ફેંક્યા હતા પરંતુ તેમ છતાં બાળકીને છોડાવવામાં સફળતા મળી નહોતી.
એક અહેવાલ મુજબ દેશમાં લગભગ 12,852 દીપડા છે. વર્ષ 2014 માં કરવામાં આવેલી વસ્તી ગણતરી અનુસાર, તે સમયે દેશમાં દીપડાઓની સંખ્યા 7,910 હતી, પરંતુ 2020 સુધીમાં તેમાં 60 ટકાનો વધારો થયો છે. એવું કહેવામાં આવ્યું હતું કે મધ્ય પ્રદેશમાં 3,421 દીપડા છે. અન્ય રાજ્યોની સરખામણીમાં કર્ણાટકમાં 1,783 દીપડા અને મહારાષ્ટ્રમાં 1,690 દીપડા જોવા મળ્યા છે.
Published On - 1:00 pm, Sun, 25 December 22