
જૂનાગઢ (Junagadh) જિલ્લાના વંથલીમાં (Vanthli) આખલાની (bulls) અડફેટના કારણે એક 19 વર્ષીય કિશોરનું મોત થયું હતું. આ ર્દુઘટના વંથલી હાઇ વે ઉપર બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ કિશોર મઢડાથી દર્શન કરીને પરત આવતો હતો તે સમયે આ ઘટના બની હતી. નવયુવાનના મોતથી સમગ્ર પરિવાર અને વંથલી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક યુવક પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પરિવારે સરકાર પાસે માંગણી કરી છે કે રખડતા ઢોર ઉપર સત્વરે કાબૂ મેળવવા આવે.
રાજ્યમાં વધુ એક વ્યક્તિનો રખડતા ઢોર અને તંત્રની બેદરકારીએ જીવ લીધો છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આ ઘટના બની હતી. રખડતા ઢોર અને તંત્રની ઘોર બેદરકારીના કારણે એક પરિવારે સહારો ગુમાવવાનો વારો આવ્યો છે.સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પાસે જિગ્નેશ રાજપુત નામના વ્યક્તિ બાઈક લઈને જતા હતા, તે દરમિયાન ઢોરની અડફેટે આવ્યા હતા.રસ્તા પર દોડી આવેલા ઢોરની અડફેટે આવતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તેમનું મૃત્યું થયું. જોકે સૌથી મોટી વાત એ છે કે, આ રસ્તા પર સ્ટ્રીટ લાઈટો પણ બંધ છે. લાઈટો બંધ હોવાના કારણે જિગ્નેશ રસ્તા પર દોડી આવેલા ઢોરને જોઈ શક્યા નહોતા.અને અકસ્માતનો ભોગ બન્યા હતા. હાલ તો આ સમગ્ર મામલે કેસ દાખલ કરીને પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ આ પહેલી ઘટના નથી જ્યારે રખડતા ઢોરના કારણે કોઈએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય અવારનવાર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આવી ઘટના બને છે. તેમ છતા તંત્રની ઊંઘ ઉડતી નથી એક તરફ પશુપાલકો પોતાના ઢોરને રખડતા મુકી દે છે. તો તંત્ર પણ નક્કર કામગીરી કરતું ન હોવાના કારણે આવી ઘટના બને છે.
શહેરમાં ઠેર-ઠેર રખડતા ઢોર અને અને ખરાબ રસ્તાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદમાં પણ ખાસ કરીને નરોડા, કૃષ્ણનગર, મેઘાણીનગર, બાપુરનગર, સરસપુર, રબારીકોલોની અને ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરનો આતંક વધુ છે.. ગાયો રસ્તા વચ્ચે જ અડિંગો જમાવીને બેસી જાય છે.. વધારામાં રસ્તા પણ ખાડામાં ફેરવાઈ ગયા છે. જેના કારણે લોકોની મુશ્કેલીનો કોઈ પાર નથી રહ્યો. રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જેના કારણે સામાન્ય લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ કોર્પોરેશન દાવા કરે છે કે રખડતા ઢોર (Stray cattle)ના નિવારણ માટે પગલા લેવાઈ રહ્યા છે. જો કે આ દાવા પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે.