
જૂનાગઢની વાત કરીએ તો નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજજો મળતા ટેક્સનું ભારણ વધી ગયું છે. વીજળી, પાણી, સફાઇ, કચરો વગેરેની સેવા આપી ટેક્સ વસૂલાત કરવામાં આવે છે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ વર્ષે 104 કરોડ રૂપિયા કુલ મનપાના લેવાના નિકળે છે, જેમાં 34.47 કરોડ વસૂલવામાં આવ્યા હતા, જો કે સરકારી મિલકતોના 6 કરોડ રૂપિયા હજુ પણ બાકી છે.
શરૂઆતના સમયમાં જે 100 ટકા વ્યાજ માફીની યોજના રાખવામાં આવી હતી. જેમાં 14 હજાર 770 લોકોએ લાભ લીધો હતો. જેમાં તેમની પાસેથી 8 કરોડ જેવી રકમની વસુલાત કરવામાં આવી હતી અને 2.81 કરોડ જેવી રકમનું વ્યાજ માફ કરવામાં આવ્યું હતું. પરંતુ સરકારી મિલકત સામે મનપા આંખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે.
તો બીજી તરફ વિરોધ પક્ષના કોર્પોરેટરનો આક્ષેપ છે કે મનપાની અણઆવડતનું આ પરિણામ છે. બજેટની સામે 104 કરોડ જેવી રકમ વસુલાત કરવાની થાય છે ત્યારે મનપામાં જે અધિકારી જે પોસ્ટ ઉપર રાખવામાં આવ્યા છે તે લગભગ ઇન્ચાર્જ છે અને સામાન્ય પ્રજા ઉપર વધુ કરવેરો નાખવામા આવે છે અને ઓડિટ સમયે કમિશનરને પણ વાકેફ કરવામાં આવ્યા છે.
પોરબંદર નગરપાલિકાએ વેરાની વસુલાત કરવા માટે નવતર પ્રયોગ કર્યો હતો.પોરબંદરમાં નગરપાલિકાનો સ્ટાફ ઢોલ લઈ વેરો વસુલવા નીકળ્યો હતો. નવાઈની વાત તો એ છે કે બદનામીના ડરથી લોકો વેરો ભરવા માટે દોટ મુકી રહ્યા હતા. તો બીજી તરફ વેરો ન ભરનાર બિલ્ડિંગો સીલ કરવાની કામગીરી પણ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. સાથે જ પાણી કનેક્શન કાપવાની કવાયત પણ હાથ ધરવામાં આવી હતી.
તો આ તરફ સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી હતી. પોરબંદરના અમુક વિસ્તારો વિકાસથી વંચિત હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતાઓ કરી રહ્યા હતા. ભાજપ શાસિત પોરબંદર નગરપાલિકા સામે વિપક્ષ નેતાએ રાગદ્રેશ અને ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા હતા. આટલું જ નહીં પણ વેરો ભરતી જનતા તરફથી પણ વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા ચીફ ઓફિસર ગ્રાન્ટ ફાળવ્યા મુજબ વિકાસના કામ નહીં કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા હતા.
Published On - 1:29 pm, Fri, 3 March 23