
જૂનાગઢ: ગિરનાર પર્વત પર શનિવારે વહેલી સવારે હૃદયદ્રાવક ઘટના બની હતી. દર્શન કરવા આવેલા એક પરિવારના 11 વર્ષીય બાળક પર સાવજે હુમલો કરી તેને પરિવારની નજર સામે જ ખેંચી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. ઘટના બાદ વહીવટી તંત્રએ ગિરનારને પ્રવાસીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દીધો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો પરિવાર ગિરનાર પર અંબાજી માતાના દર્શન માટે આવ્યો હતો. પરિવારના સભ્યો આશરે 50 જેટલા પગથિયાં ચઢ્યા હતા ત્યારે 11 વર્ષનો મયૂરસિંહ પોતાની માતા સાથે ચાલતો હતો. એ દરમિયાન અચાનક સાવજે હુમલો કરી બાળકને પરિવાર વચ્ચેથી ખેંચી જંગલ તરફ લઈ ગયો. બાદમાં નજીકના જંગલ વિસ્તારમાં બાળકના કપડાં અને પગના અવશેષ મળી આવ્યા હતા. ઘટનાથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમો સ્થળ પર દોડી આવી હતી. હુમલો કરનાર સાવજને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત ત્રણ જેટલા પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ છેલ્લા ત્રણ દિવસથી ગિરનારના પગથિયાં આસપાસ ત્રણ સિંહના આંટાફેરા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રણ દિવસ પહેલાંનો આ જ વિસ્તારનો સાવજનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ ઘટનાએ વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી સાવજની હિલચાલ હોવા છતાં પૂરતી તકેદારી રાખવામાં આવી નહોતી. હુમલા સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હોવા છતાં સાવજ લોકોની વચ્ચે આવી બાળકને ખેંચી જવામાં સફળ રહ્યો હતો. હુમલો સિંહે કર્યો કે સિંહણે, તે અંગે તપાસ ચાલી રહી છે.
બીજી તરફ, ગિરનારના પગથિયાં પર પૂરતી લાઇટિંગ વ્યવસ્થા ન હોવાને લઈને પણ શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે અંધારાના કારણે બાળકને બચાવવાનો પ્રયાસ પણ અસરકારક રીતે કરી શકાયો નહોતો.
સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ ગિરનાર પ્રવાસીઓ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. વન વિભાગની કામગીરી, ટ્રેકર સ્ટાફની સતર્કતા અને સુરક્ષા વ્યવસ્થાને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ વન વિભાગ દ્વારા સાવજને શોધી પકડવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.