જૂનાગઢ ( Junagadh) ના ભવનાથ (Bhavnath) માં બે વર્ષ બાદ સપુર્ણ રીતે શિવરાત્રી (Shivratri) નો મેળો યોજાવા જઈ રહ્યો છે. ભવનાથ ખાતે 25 ફેબ્રુઆરીથી લઇને 1 માર્ચ સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાવાનો છે. આ મેળામાં લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. ત્યારે મેળામાં આવનારા લોકોને મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ પલગાં લેવામાં આવ્યા છે.
ટ્રાફિક બાબતે કોઈ અગવડતા ઉભી ના થાય અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પગલાઓ તથા ટ્રાફિક (traffic) બંદોબસ્તની ખાસ વ્યવસ્થા ગોઠવવાઈ રહી છે. મેળા બંદોબસ્ત દરમિયાન મેળામાં બહારથી આવતા વાહનોના પાર્કિંગ માટે મજેવડી દરવાજાથી લઈ ભરડાવાવ સુધીમાં ચાર ખાનગી જગ્યાઓમાં તેમજ નીચલા દાતાર પાર્કિંગ, વૃદ્ધઆશ્રમ અપના ઘરની સામે તેમજ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે પાર્કિંગની વ્યવસ્થા આમ કુલ સાત જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
25 ફેબ્રુઆરીથી 2 માર્ચ (બન્ને દિવસો સહિત) પાજનાકા પુલથી ખાખચોક સુધીનો રસ્તો નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. ત્યારે આ વિસ્તારમાં કોઇપણ પ્રકારના વાહનો ઉભા રાખી શકાશે નહિ, પેસેન્જર રિક્ષા કે વાહનો પેસેન્જર ચડાવ કે ઉતાર કરી શકશે નહિ. ઉપરાંત ઉંટગાડી, ઘોડાગાડી, બળદ ગાડી જેવા વાહનો ભરડાવાવ- ગિરનાર દરવાજાથી ભવનાથ જવા માટે પ્રવેશ બંધી રહેશે.
25 ફેબ્રુઆરીથી લઇને 1 માર્ચ સવારના 10 સુધી ભરડાવાવ – ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જવા માટે પેસેન્જર રીક્ષા, સીટી બસ, એસટી બસ સિવાયના તમામ વાહનો માટે પ્રવેશબંધી રહેશે. આમાં અન્નક્ષેત્ર, ઉતાર મંડળો, ધાર્મિક સ્થાનોના વાહનો, મેળાની કામગીરી સાથે સંકળાયેલા વાહનો, પોલીસ દ્વારા મંજૂરી આપેલા વાહનો પાસ સાથે પ્રવેશ કરી શકશે. જ્યારે 1 માર્ચના મહા શિવરાત્રી હોય સવારના 10 વાગ્યાથી 2 માર્ચ સવારના 10 સુધી ભરડાવાવથી તમામ પ્રકારના વાહનોને ભવનાથ તળેટી જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
આવશ્યક ચીજ વસ્તુ હેરફેર કરતા વાહનો,આશ્રમ તેમજ અખાડાના વાહનો,પદાધિકારીઓ તેમજ સરકારી અધિકારીઓના વાહનો,ઉતારા મંડળના વાહનો,વિગેરે માટે વાહનોના પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં વાહનોના પાસ માટે 25 ફેબ્રુઆરી સુધીમાં ભવનાથ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો રહેશે. આ માટે અરજી લખી, રજીસ્ટ્રેશન બુક, ડ્રાઇવીંગ લાયસન્સ, વિમા પોલીસીની ઝેરોક્ષ જોડવાની રહેશે.
દર વખતે દામોદર કુંડ પાસે ટ્રાફિક જામ થવાની સમસ્યા રહે છે. આ વાતને ધ્યાને લઇ જૂનાગઢ મહાનગરપાલિકાએ દામોદરકુંડ પાસે પર્વતનો થોડા ભાગ કાપીને નવો રસ્તો બનાવ્યો હતો. જોકે કાયદાકીય વિવાદ અને કોરોનાને કારણે આ રસ્તો ચાલુ કરી શકાયો નહોતો. આ વખતે મેળો યોજાવાનો છે ત્યારે દામોદર કુંડ સામેના રસ્તાને ચાલુ કરી દેવામાં આવશે અને તેનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે. હાલ કારીગરોની ટીમ સતત કામ કરી રહી છે જેથી મહા શિવરાત્રી મેળા પહેલા જ આ રસ્તો ખુલ્લો મુકી શકાય અને સંભવિત ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાય.
આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલ સામે આજે ચાર્જ ફ્રેમ કરાશે, આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે