જામનગર ઉત્તર બેઠકના યુવા મહિલા ધારાસભ્ય રીવાબા જાડેજાએ આજે મહાનગર પાલિકાના અધિકારીઓ, હોદ્દેદારો અને વિવિધ કામ કરતા કોન્ટ્રાકટરો સાથે ખાસ બેઠક યોજી હતી. રીવાબાએ ધારાસભ્ય બન્યા બાદ શહેરને સ્માર્ટસિટી બનાવવાનું સપનુ જોયુ છે. રિવાબાએ આ સ્વપ્નને પૂર્ણ કરવા અને શહેરને વિકાસની દિશામાં આગળ લઈ જવાના પ્રયાસ શરૂ કર્યા છે. જે માટે સ્થાનિકો લોકોથી લઈને ગાંધીનગર રાજય સરકારને રૂબરૂ મળીને લોકોના પ્રતિનિધી બનાવાનો પ્રયાસો શરૂ કર્યા છે.
ધારાસભ્ય રીવાબા જાડેજાએ જામનગર શહેરના ઝડપી અને બમણા વિકાસ માટે શું કરી શકાય તે માટે સ્થાનિક નાગરિકો પાસેથી પણ સૂચનો મેળવ્યા છે. જેમાં કેટલાક સૂચનો રાજય સરકાર સુધી પણ પહોંચાડ્યા છે. રાજય સરકારે પણ જામનગરના વિકાસ માટે જરૂરી સહકાર આવપાની ખાતરી આપી છે. સ્થાનિક નાગરિકોએ સૂચના આપવા સાથે કેટલાક લોકોએ ધારાસભ્યને વિકાસના કામ અંગે ફરિયાદો પણ કરી છે.
આ કામની સમય મર્યાદાને લગતી સમસ્યા હોય, કે તેની ગુણવતા લઈને, લોકોએ ધારાસભ્યને ધીમી ગતિએ ચાલતા કામ અંગેની ફરિયાદો કરી છે. સ્થાનિકોને પડતી મુશ્કેલી દુર થાય, તેમજ રાજય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાને ઝડપી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે ધારાસભ્ય રીવાબા જાડેજાએ ખાસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
મહાનગર પાલિકામાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ કમિશનર, ડેપ્યુટી કમિશનર, ઈજનેર, હોદ્દેદારો તેમજ કોન્ટ્રાકટરો સાથે એક બેઠક યોજી હતી. શહેરમાં ચાલતા વિવિધ કામને ઝડપી અને નિયત સમયમાં પૂર્ણ થાય, ચાલતા કામોને કારણે સ્થાનિક નાગરીકોને મુશ્કેલી ના પડે તેની તકેદારી રાખવા સૂચન કર્યા. તેમજ ગુણવતાને લઈને ઉઠતા સવાલો મુદ્દે યોગ્ય રીતે કામગીરી પૂર્ણ કરવા માટે ટકોર કરી. ધારાસભ્ય રીવાબાએ કરેલા સૂચનોને ધ્યાને રાખી નિયત રીતે સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાની ખાતરી કમિશનર વિજય ખરાડીએ આપી.
જામનગર શહેરને સ્માર્ટસિટી બનાવવાની નેમ ધારાસભ્ય રીબાબાએ લીધી છે. જે માટે અધિકારી સાથે સહકારની અપીલ કરી છે. સાથે વિકાસના વિવિધ કામમાં ઝડપી અમલવારી કરવાનુ સૂચન કર્યુ છે. તેમજ શહેરમાં સ્થાનિકો પાસેથી મળેલી ફરિયાદો અંગે અધિકારીઓને જાણ કરીને તે વહેલી તકે દુર કરવા સૂચન કર્યા છે.