JAMNAGAR : તમે ફોટોમાં જોઈ રહ્યાં છો એ કોઈ પેઈન્ટીંગ કે ચિત્ર નથી, તે ચિરોડી દ્વારા દોરવામાં આવેલી રંગોળી છે, અને આ રંગોળી જાણીતા સાહિત્યકાર સ્વ.હરકિસન જોશીના પરિવારના સભ્ય રિદ્ધીબેન શેઠ દ્વારા દોરવામાં આવી છે. રિદ્ધીબેન શેઠ રંગોળીના કલાકાર છે અને વર્ષ 2012થી દર દિવાળીએ જુદી જુદો થીમ પર રંગોળી દોરે છે. જામનગરના જાણીતા સાહિત્યકાર સ્વ.હરકિસન જોશીનું તાજેતરમાં જ અવસાન થયું છે. આથી રિદ્ધીબેને
તેમની કવિતા સાથે રંગોળી દોરી તેમને સ્મરણાંજલિ આપી છે. આ વર્ષે રિદ્ધીબેને સ્વ.હરકિસન જોશીની જે કવિતા પર રંગોળી બનાવી છે એ આ છે –
ઘડી બે ઘડીનો પ્રસંગ છે; ઘડી આપણો અહીં સંગ છે,
ઘડી તું નિહાળે નવાઈથી; ઘડી આંખો મારી ય દંગ છે!
મારી આંખ સામે અતીતની ધરી; આરસીને ઊભા તમે,
એક ભીની ભીની સવાર છે: એક ઝાંખો ઝાંખો પ્રસંગ છે!
-હરકિસન જોશી
આ કવિતાના શબ્દોથી પ્રેરણા લઈને કવિને શ્રદ્ધાંજલિ સાથે સ્મરણાંજલિ આપવા માટે ખાસ આકર્ષક રંગોળી દિવાળીના પર્વ પર તૈયાર કરવામાં આવી.રંગાળીના જામનગરના જાણીતા કલાકાર રિદ્ધિબેન શેઠે જણાવ્યુ કે છેલ્લા ઘણા સમયથી આપણે બધા કોરોના જેવી મહામારી સામે આપણું અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ લડી રહ્યા છીએ લગભગ છેલ્લા બે વર્ષમાં ઘણા બધા લોકોએ પોતાના પ્રિય સ્વજન-સ્નેહીઓને ગુમાવ્યા છે. આ મહામારીએ આપણને જીવનની ક્ષણભંગુરતા વિશે જાગરૂક કરી ઘડી બે ઘડીના આપણા જીવનને ઉમંગ અને ઉલ્લાસ સાથે જીવી લેવાની સમજ ચોક્કસ આપી છે. ઘડી બે ઘડીના સંગ સાથને ચાલને જીવી લઈએ જેવા સંદેશને રંગોળીના માધ્યમ દ્વારા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
જામનગર શહેરના જાણીતા કવિ, લેખક, ઇતિહાસકાર હરકિસન જોશીએ તાજેતરમાં જ વિદાય લીધી. એમને લખેલી ગઝલની ચાર પંક્તિઓ ઉપર આ વર્ષે રંગોળીનું સર્જન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે એમના શબ્દોને દૃશ્યમાન કરવાનો એક નજીવો પ્રયાસ કર્યો છે. દિવાળીના તહેવારમાં દરેક ઘરના આંગણે રંગોળી તૈયાર કરવામાં આવતી હોય છે. પરંતુ કેટલીક રંગોળી કલાકરો દ્વારા શોખ માટે સવિશેષ તૈયાર કરવામાં આવે છે. આવી એક રંગોળી જામનગરના એક કલાકાર દ્વારા ખાસ તૈયાર કરવામાં આવી છે. પેઈન્ટીંગ જેવી લાગતી આ રંગોળી માત્ર ચિરોડી કલરથી તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો : Earthquake in Dwarka : દ્વારકા શહેર 5ની તીવ્રતાના ભૂકંપથી હચમચી ઉઠ્યું, ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનમાં
આ પણ વાંચો : VAPI : 28 નવેમ્બરે યોજાશે વાપી નગરપાલિકાની ચૂંટણી, ભાજપ-કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી