Jamnagar: રાજયભરમાં સામાન્ય રીતે દર વર્ષે જુન માસમાં વરસાદનુ આગમન થતુ હોય છે. પરંતુ આ વખતે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી રાજયમાં અનેક વિસ્તારોમાં વરસાદના કોઈ એંધાણ દેખાયા નથી. જુનમાં છુટોછવાયો વાવણીલાયક વરસાદ થયો. પરંતુ હાલ મોટાના ડેમમાં નવા નીરની આવક થઈ નથી. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ હજું વરસાદની રાહ જોઇ રહ્યાં છે.
જોકે સારી વાત એ છેકે ગત વર્ષે થયેલા સારા વરસાદના કારણે મોટાભાગના ડમ ઓવરફુલો થયો હતો. જામનગર જીલ્લાના ડેમમાં હજુ પણ 25 થી 30 ટકા પાણીથી ભરાયેલા છે. જેના કારણ જો વરસાદ બે માસ સુધી ના આવે તો પણ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે નહી.
જામનગર શહેરના પાણી પુરી પાડતા ડેમ હજુ બે માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં સસોઈ ડેમમાં 8 ફુટ, રણજીતસાગર ડેમમાં 18 ફુટ, ઉંડ1 ડેમમાં 7 ફુટ સુધીની પાણીની સપાટી છે. આ ઉપરાંત નર્મદાની લાઈનથી નિયમિત પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી છે.
હાલ જીલ્લાના 417 ગામ પૈકી 416 ગામમાં પાણી પાઈપલાઈન મારફત વિતરણ કરવામાં આવે છે. માત્ર જીલ્લા એક જ ગામ જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ થાય છે. તેમજ 8 જેટલા પરા વિસ્તારમાં ટેન્કરો દ્વારા દૈનિક 31 ફેરા પાણી આપવામાં આવે છે.
જામનગર શહેરને દૈનિક 110 એમએલડી પાણીની જરૂરીયાત છે. જે રણજીતસાગર, ઉંડ,આજી-4,સસોઈ ડેમ પાણી પુરૂ પાડવામાં આવે છે. તેમજ અન્ય પાણીનો જથ્થો નર્મદાનુ પાણી આપવમાં આવે છે. જો વરસાદ ઓગષ્ટ સુધી જામનગરમાં ના આવે તો પણ જીલ્લાભરમાં પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાય રહેશે તેવુ આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
હાલ તો વરસાદને લઇને સમગ્ર રાજ્યમાં આતુરતાથી રાહ જોવાઇ રહી છે. વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતિત છે. ત્યારે જો વરસાદ ખેંચાશે તો આગામી દિવસોમાં રાજયના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી થાય તેવી પણ સંભાવના દેખાઇ રહી છે. ત્યારે હાલ તો સૌ-કોઇ મેઘરાજાના જલ્દી પધરામણા થાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.