જામનગરની સર જી.જી હોસ્પિટલમાં હાલમાં બાળ દર્દીઓનું પ્રમાણ વધી ગયું છે. હાલમાં શરદી અને તાવ સાથે ઓરીના કેસમાં પણ વધારો થયો છે અને ઓરીના એકસાથે 12 બાળ દર્દીઓ સારવાર હેઠળ છે. જેથી ઓરી દર્દીઓ માટે 15 બેડનો ખાસ વોર્ડ કાર્યરત કરાયો છે.
નોંધનીય છે કે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના બાળકોના વોર્ડમાં 140 બેડ છે અને 300 બાળ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે અને બાળકોના વોર્ડમાં ખાટલા ખૂટી પડતા એક બેડમાં એકથી વધુ બાળકોને સારવાર આપવામાં આવી રહી છે.
આ બેડની સાથે જ નર્સિંગ સ્ટાફની પણ અછત સર્જાઈ છે. બાળ વિભાગના તબીબોએ નવા વોર્ડ અને સ્ટાફની માગણી કરી છે. આ વોર્ડમાં એક બાળકના માતા અને ઈન્ટર્ન તબીબને પણ ઓરીની અસર થઈ છે. તો સાત તબીબો પણ વાયરલની ઝપેટમાં આવ્યા છે .
હાલ તો એક સ્પેશિયલ વોર્ડ કાર્યરત કરાતા સારવાર માટે રાહત પ્રવર્તશે તેવું તબીબો તથા બાળકોના વાલીઓનુું માનવું છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે જી.જી. હોસ્પિટલમાં બાળકોના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે, જેમાં પાંચ વોર્ડમાં કુલ 350 જેટલા બાળકો હાલ દાખલ છે અને તબીબો યુદ્ધના ધોરણે બાળકોને સારવાર આપવામાં વ્યસ્ત છે. નોંધનીય છે કે હાલમાં વાતાવરણમાં મોટો ફરક જોવા મળ્યો છે જેના કારણે એક દિવસ ઠંડી તો એક દિવસ ગરમી અનુભવાઈ રહી છે તો ક્યારેક વહેલી સવારે અને રાત્રે ઠંડી અનુભવાય છે તેમજ દિવસ દરમિયાન તાપમાન વધતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આ ફેરબદલની અસર શરીર પર થતા બાળકો સૌથી વધુ બીમાર થઈ રહ્યા છે.
Published On - 12:19 pm, Wed, 22 February 23