
જામનગરના એક યુવકને સોશિયલ મીડિયા પર મિત્રતા ભારે પડી છે. તેને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવકે ઓક્ટોબરમાં ફરિયાદ કરી હતી. તેને બ્લેકમેલ કરીને તેની પાસેથી સમયાંતરે કુલ 21 લાખ કોઈએ પડાવી લીધા હતા. તે બાદ પણ વધુ પૈસાની માગણી કરીને બ્લેકમેલ કરે છે. આ ફરિયાદના આધારે જામનગર સાઈબર ક્રાઈમની ટીમે હરિયાણાથી એક શખ્સની ધરપકડ કરી છે.
ફરીયાદીએ પોલીસને જણાવ્યુ હતુ, પહેલા ફેસબુક પર મિત્ર બન્યા. બાદ ચેટીંગ થયુ, અને બાદ થોડા સમયમાં વોટસઅપ નંબર પર ચેટીંગ કરતા. વીડિયો કોલ આવ્યો જેમાં સામે કોઈ યુવતી હોવાનુ જણાવ્યુ. વીડીયો કોલમાં મિત્રતાની વાતો સાથે કપડા કાઢી નગ્ન થવા લાગી. જેના સ્ક્રીન રેકોડીંગ કરવામાં આવ્યા હતા. બાદ કોઈ અજાણી વ્યકિતએ બ્લેકમેઈલ કરીને લાખો રૂપિયા મેળવ્યા. જે સતત પૈસાની માંગણી કરતો રહે છે. ફરીયાદના આધારે પૈસા જે ખાતામાં ગયા તેની તપાસ કરી જ્યાંથી પૈસા ઉપડયા તે જગ્યાએ ટોળકીના વચેટીયા આરોપી મેસરદિન ઇબ્રાહિમની જામનગર પોલીસે હરીયાણાથી ધરપકડ કરી છે.
આ પ્રકારે સોશિયલ મીડીયામાં મિત્ર બની બાદમાં બ્લેઈમેઈલ કરતી ટોળકીના એક વ્યકિતને પકડીને પોલીસે પુછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમા સામે આવ્યુ કે હરીયાણાના મેવાતમાં રહેતો આરોપીએ આ પ્રકરણમાં કમિશન એજન્ટ તરીકેની ભૂમિકા ભજવી છે. આ ટોળકીમાં અનેક લોકો સંડોવાયેલ હોવાનુ બહાર આવ્યુ છે.
મિત્ર બનીને વાત કરતા શખ્સને વીડિયો કોલ બાદ સીબીઆઈ, યુટયુબના અધિકારી બની લોકોને બ્લેકમેઈલ કરે છે. જે વીડિયો કોલ કર્યો હતો. તે તેમની પાસે હોવાનુ જણાવી, તે યુવતીએ આત્મહત્યા કરી હોવાનુ તપાસમાં તેનુ નામ ઉમેરવાની ધમકી આપે, વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને લાખો રૂપિયા મેળવી લેતા હોય છે. જે સોશિયલ મીડીયાનુ આઈડી, બેન્ક એકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર તે ફેક આઈડી પર તૈયાર કરે છે. તેનો ઉપયોગ કરીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવે છે.
સોશિયલ મીડીયામાં અજાણ્યા વ્યકિત સાથે વાતચીત કરવાનુ અનેક લોકોને ભારે પડયુ છે. અને લાખો રૂપિયા ગુમાવ્યા છે. અનેક લોકો બદનામીના ડરે પોલીસ ફરીયાદ નથી કરતા જેનો ફાયદા આવી ટોળકી લેતી હોય છે. જામનગર પોલીસને આ પ્રકારે લોકો પાસેથી પૈસા પડાવતી ટોળકીની એક કડી મળી છે. અન્ય અનેક લોકો આ ટોળકીમાં સંડોવાયેલા છે. જેને શોધવા ફરી જામનગર પોલીસ હરીયાણા જશે. ટોળકીના મુળ સુધી જવા અનેક આરોપીઓ પોલીસના હાથે લાગે તેવી શકયતા છે.