ગુજરાત ગૌરવ દિવસે જામનગરમાં 150 કલાકારો સાથેનો “નમોસ્તુતે નવાનગર” પ્રસ્તુત કરાશે

આજે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવશે, જેમાં 150 કલાકારો દ્વારા જામનગરમાં મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જામનગરની સ્થાપનાથી લઈ શહેરનો ઇતિહાસ, ભૂચરમોરી યુદ્ધ સહિત જામનગરના સાંસ્કૃતિક અને સાહિત્યિક ચેતનાને ઉજાગર કરતા દ્રશ્યો જોવા મળશે.

ગુજરાત ગૌરવ દિવસે જામનગરમાં 150 કલાકારો સાથેનો “નમોસ્તુતે નવાનગર” પ્રસ્તુત કરાશે
Grand Celebrations for Gujarat Sthapana Day in Jamnagar
| Edited By: | Updated on: May 01, 2023 | 8:58 AM

આજે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજાનાર છે. જેમાં શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંજે 7 વાગે જામનગરની ગાથા વ્યક્ત કરતો વિશેષ કાર્યક્રમ નમોસ્તુતે નવાનગર” ના નામે રજૂ કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સહિતના મહાનુભાવની ઉપસ્થિતિમાં  60 મિનિટનો “નમોસ્તુતે નવાનગર” નામનો ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવશે. જેમાં જામનગરના ગૌરવપૂર્ણ ઈતિહાસ તેમજ જામનગરના મહાપુરુષોના વ્યક્તિ ચિત્રો સહિત જામનગરની વણ ખેડાયેલી વિશેષતાઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : Jamangar : કોરોનાની સારવાર માટે જીજી હોસ્પિટલમાં 100 બેડની અલગ વ્યવસ્થા

150 કલાકારો તથા 40 ટેકનીશીયન્સન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મલ્ટીમીડિયા શોમાં જામનગરની સ્થાપનાથી લઈ જામનગરનો ઇતિહાસ, ભૂચરમોરી યુદ્ધ સહિત જામનગરના સાંસ્કૃતિક અને સાહિત્યિક ચેતનાને ઉજાગર કરતા દ્રશ્યો તેમજ જામનગરના વિવિધ પાસાઓને રસપ્રદ રીતે ઉજાગર કરવામાં આવ્યાં છે.

મલ્ટીમીડિયા શો ની સ્ક્રીપ્ટ જામનગરના ડોકટર દ્વારા લખાઈ છે

આ મલ્ટીમીડિયા શો ની સ્ક્રીપ્ટ જામનગરના ડો. મનોજ જોશી “મન” દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. તેમજ ગૌરવ પુરસ્કૃત નાટ્ય દિગ્દર્શક વિરલ રાચ્છ તથા જય વિઠલાણી દ્વારા તેનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે. શો ને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અંકુર પઠાણ દ્વારા કોરીયોગ્રાફ કરવામાં આવ્યો છે. જ્યારે ગીત સંગીત મેહુલ સુરતી, નિષિથ મહેતા, સૌનક પંડ્યા તથા દર્શન ઝવેરી દ્વારા આપવામાં આવ્યુ છે તેમજ જેડી ઇફેક્ટ મુંબઈ દ્વારા શો ને સ્પેશિયલ ઇફેક્ટ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે દ્વારકા જિલ્લાના આ જ પ્રકારે તૈયાર કરવામાં આવેલા મલ્ટીમીડિયા શો માં ભગવાન શ્રીકૃષ્ણના મુખે દ્વારકાની ગાથા વર્ણવાયેલી જ્યારે જુનાગઢ ખાતે યોજાયેલા શોમાં ગરવા ગિરનારના મુખે સોરઠની ગાથા વ્યક્ત કરાયેલી ત્યારે જામનગર ખાતે યોજાઇ રહેલા આ મલ્ટીમીડિયા શો ની ગાથા જામનગરના કયા ઐતિહાસિક પાત્રના મુખે વ્યક્ત થશે એ જાણવું અને માણવું પણ રસપ્રદ બનશે.

જામનગરમાં વિવિધ રંગારંગ કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ અંગેની માહિતી આપી હતી. ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, 1મેએ 63માં ગુજરાત સ્થાપના દિવસની જામનગરમાં રંગારંગ ઉજવણી કરવામાં આવશે. સાથે જ જામનગરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:44 am, Mon, 1 May 23