
જામનગર (Jamnagar) શહેરને બ્રાસસીટી, બાંધણી, કચોરી, આર્યુવેદ, ક્રિકેટ સહિત અનેક બાબતો અને વિશેષતાઓના કારણે ઓળખ મળી છે. જેમાં જામનગરમાં બનતી ફાઉન્ટેન પેન (Fountain pen) પણ આગવુ સ્થાન મેળવ્યુ છે. જામનગરમાં બનતી ફાઉન્ટેન પેને શહેર કે રાજય પુરતી નહી, પરંતુ વિશ્વભરમાં અનોખી ઓળખ મેળવી છે. જાણો આ ફાઉન્ટેન પેન કેમ ખાસ છે?
જામનગરમાં બ્રાસના નાના-મોટા અનેક કારખાનાઓ આવેલા છે. બ્રાસ ઉદ્યોગ સાથે પેનના વિવિધ પાર્ટની માગ રહેતા 1989માં કનખરા પરિવાર પેનના પાર્ટસ પણ બનાવતા હતા. જે પાર્ટ તૈયાર કરીને મુંબઈ- કલકત્તા સહિતના શહેરમાં મોકલાતા, પરંતુ તે માટે દેશ-વિદેશ માટે કાચામાલ તરીકે કેટલીક વસ્તુઓ આયાત કરીને ખરીદી કરવી પડતી. બાદમાં 1990માં જામનગરમાં જ ટીવસ્ટ મેકેનિઝમ સાથે અલગ-અલગ પાર્ટ તૈયાર કરાતા થયા. કનખરા પરીવારે 2001માં પોતાના કારખાનામાં તૈયાર કરીને બોલપેન બનાવવાનું શરૂ કર્યુ. તે સમયે પ્રથમ લાકડાની બોલપેન તૈયાર કરવામાં આવી હતી. જેની સારી માગ રહેતા વેચાણ વધ્યુ છે.
કારખાનામાં સમયની સાથે વખતો-વખત ફેરફાર કરાતા રહ્યા. સમયની માગ સાથે કંઈક નવુ તૈયાર કરવાના ઘેલછા રાખતો કનખરા પરીવાર દેશ-વિદેશના પ્રવાસ કરીને નિષ્ણાતોના મત મેળવતા હતા અને પેનમાં સમયની સાથે ફેરફાર કરતા રહ્યા. નાનપણથી પેનના પાર્ટ સાથે કામ કરતા હિરેન કનખરાએ કારખાનાને કંપની અને કંપનીને બ્રાન્ડ બનાવવા માટેના સપના જોયા અને તે માટે દોડ લગાવી. 2004થી 2011 સુધી જર્મની પેપરવલ્ડ પ્રદર્શનમાં દર વર્ષે હાજરી આપી. 2005થી જર્મની પેપર વલ્ડ અને હોંગકોંગના ગીફટ એન્ડ પ્રીમીયમ પ્રદર્શનમાં જામનગરની પોતાની પેન પણ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થાન મેળવ્યુ. જયાં પેનની સાથે ફાઉન્ટેન પેન સંગ્રહમાં રાખી હતી.
માનવામાં આવે છે કે 1956થી 1975 સુધીના સમયમાં ફાઉન્ટેન પેનનું ચલણ વધારે હતુ. જ્યારે બજારમાં બોલપેનનું અસ્તિત્વ નહીવત જેવુ હતુ. બોલપેન બજારમાં આવતા ફાઉન્ટેન પેનની માગ ઘટી હતી. તેમ છતાં ફાઉન્ટેન પેનનો ઉપયોગ કરવાવાળો ખાસ વર્ગ છે. જે ધ્યાને લઈને કનખરા પરીવારે બોલપેનનું ઉત્પાદન બંધ કરીને 2012થી માત્ર ફાઉન્ટેન લક્ઝરી પેનનું ઉત્પાદન શરૂ કર્યુ. જેનુ નામ ‘મેગ્ના કાર્ટા’ રાખીને કંપની શરૂ કરી. શરૂઆતમાં આ સાહસ ખુબ જ જોખમી હોવાના અનુભવ થયો. પરંતુ હાલના સમયમાં માત્ર ભારત નહી, પરંતુ વિશ્વના અનેક દેશમાં આ લક્ઝરી ફાઉન્ટેન પેને અલગ ઓળખ મેળવી છે. વર્ષ 2016માં લોસ એન્જલસ ખાતે પ્રથમ વખત ‘મેગ્ના કાર્ટા’ બ્રાંડ પ્રદર્શિત થઈ ત્યારે કોઈ માનવા તૈયાર નહોતું કે આ પેન Made in India છે. આ સમયે એક નિષ્ણાતે સૂચન કર્યું કે પેનમાં પ્લાસ્ટિકની જગ્યાએ ઈબોનાઈટ ફીડનો ઉપયોગ કરવો જોઈએ, આ ફીડ્સ પ્લાસ્ટિક ફીડ્સ કરતાં વધુ સારો શાહીનો પ્રવાહ આપે છે અને કનખરા પરિવારે સને 2018માં પહેલી જ વાર ઇબોનાઇટ ફીડ બનાવી.
સસ્તી પેન, કોમ્પ્યુટર, મોબાઈલના યુગમાં ફાઉન્ટેન પેનનો ઉપયોગ કરનાર અલગ વર્ગ છે. પેન કે ખાસ ફાઉન્ટેન પેનનો સંગ્રહ કરવાના શોખીન, સારા લેખનમાં ફાઉન્ટેનનો ઉપયોગ, વધારે લખાણ કે નહીવત લખાણ માટે ફાઉન્ટેન પેનનો ઉપયોગ એટલે કે લેખક, વકીલ, નિષ્ણાત, સંશોધન કરનાર, વૈજ્ઞાનિકો, તબીબો, પત્રકાર, સાહિત્યલેખન કરનાર કે ઉચ્ચ અધિકારી જે સહી માત્ર કે ટુંકા લખાણ માટે ફાઉન્ટેન પેનનો ઉપયોગ કરતા હોય છે. કેટલાક શોખ માટે લક્ઝરી વસ્તુના સંગ્રહ કરતા હોય છે.
જામનગરના કનખરા પરિવારની બનાવેલી ફાઉનટેન પેનની કિંમત સામાન્ય રીતે રૂ. 5,500થી રૂ. 51,000ની વચ્ચે હોય છે. અયોધ્યા રામ મંદિરની થીમ આધારિત ડેસ્ક સેટ કે જેમાં ભગવાન હનુમાન કોતરેલી ફાઉન્ટેન પેનનો સમાવેશ થાય છે. તેની કિંમત રૂ. 2.5 લાખ જેટલી છે. જામનગરની ફાઉન્ટેન પેન આજે રોજની લગભગ 35 પેન વેચાણ થાય છે. તેમાંની વીસેક જેટલી પેન યુરોપ અને અમેરિકાના દેશોમાં નિકાસ થાય છે અને માત્ર 6થી 7 ભારતમાં વેચાય છે.
જામનગરની ફાઉન્ટેન પેનને આંતરરાષ્ટ્રીય કક્ષાની અલગ ઓળખ મળી હોવાનું મુખ્ય કારણ માલિક પરીવારની કંપનીમાં કામ કરવાની પોલિસી માનવામાં આવે છે. કનખરા પરીવારના 6 સભ્યોએ કંપનીમાં અલગ-અલગ વિભાગની જવાબદારી સંભાળી છે. જેમાં મશીન, ફાઈન્સાસ, સેલ્સ, માર્કેટીંગ, ઉત્પાદન, નવુ સર્જન સહિતના વિભાગની જવાબદારી કર્મચારીએ નહીં, પરંતુ પરીવારના સભ્યો નિભાવે છે.
Published On - 5:55 pm, Wed, 1 June 22