રાજ્યમાં એક પછી એક ધર્માંતરણની ઘટનાઓ સામે આવી રહી છે. પહેલા વડોદરા, પછી ભરૂચ અને હવે પંચમહાલના ગોધરામાં ધર્મ પરિવર્તનની ફરિયાદ ઉઠી છે. યુપીના ધર્માંતરણ કેસનું વડોદરા કેનેક્શન સામે આવ્યા બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા. કેસના મુખ્ય આરોપી સલાઉદ્દીન અને ઉમર ગૌતમે પણ કબૂલાત કરી હતી કે વિદેશથી મળતા ભંડોળનો વડોદરાના આફમી ટ્રસ્ટના માધ્યમથી ધર્માંતરણ માટે ઉપયોગ થતો હતો.
તો આ જ કેસની તપાસનો રેલો ભરૂચ સુધી લંબાયો. ઉમર ગૌતમે પણ અનેકવાર ભરૂચની મુલાકાત કરી હોવાનો ઘટસ્ફોટ થયો. તો આમોદના કાંકરિયા ગામે અનેક પરિવારોનું રૂપિયાની લાલચે ધર્માંતરણ કરાયું હોવાનું સામે આવ્યું. આ કેસમાં પણ પોલીસે કાર્યવાહી કરી અને આરોપીઓને ઝડપ્યા છે. જોકે આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પંચમહાલમાં પણ ધર્મ પરિવર્તન કરાતું હોવાનો આક્ષેપ થયો છે. અને કથિત લોકો ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરાવતા હોવાના આક્ષેપ સાથે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે શું ખરેખર રાજ્યમાં ધર્માંતરણનો ખેલ ખેલાઇ રહ્યો છે ?
ભરૂચના કાંકરીયા બાદ પંચમહાલના ગોધરામાં પણ ધર્માંતરણની વાત સામે આવી છે. ઘટના ભૂરાવાવ વિસ્તારની છે. જ્યાં આવેલી શિવશક્તિ સોસાયટીના એક મકાનમાં ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બહારગામથી 12 જેટલા લોકો આવ્યા હતા અને તેમના દ્વારા મકાનમાં ધર્માંતરણની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. આ મામલે સ્થાનિકો અને ધાર્મિક સંગઠનોએ વિરોધ દર્શાવ્યો છે અને પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
તો બીજી તરફ પોલીસે સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે. હોબાળા બાદ પોલીસે મકાનમાં તપાસ કરી. તપાસમાં નડિયાદથી આવેલા 12 જેટલા ખ્રિસ્તી ધર્મના લોકો મળી આવ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન મકાન માલિકે બચાવમાં એવું જણાવ્યું હતું કે બર્થડે પાર્ટી હોવાથી મિત્રોને બોલાવ્યા હતા. પોલીસનું કહેવું છે કે- 12 જેટલા લોકો બહારથી આવ્યા હતા. જેઓ ખિસ્તી ધર્મના હતા. આસપાસના લોકો અને ધાર્મિક સંગઠનોએ ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમની અરજીના આધારે તપાસ ચાલી રહી છે. બહારથી જે લોકો આવ્યા હતા તેમના નિવેદનો લેવામાં આવ્યા છે. લોકોએ કરેલા આરોપના આધારે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આગળની તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન કંઈ વાંધાજનક જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.