
ગુજરાત સહિત દેશભરના મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારો માટે મોંઘવારીના વધુ એક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવા ભાવ આવતીકાલથી અમલમાં આવશે.
અમૂલ દૂધના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે હવે સામાન્ય જનતાએ દૂધ માટે વધુ કિંમત ચૂકવવી પડશે. GCMMF દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય મુજબ પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેની સીધી અસર અમૂલ તાજા અને અમૂલ ટી સ્પેશિયલ જેવા પોપ્યુલર વેરિઅન્ટ્સ પર જોવા મળશે.
હવે અમૂલ તાજાના એક લિટરનો ભાવ 55 રૂપિયાથી વધીને 57 રૂપિયા અને ટી સ્પેશિયલનો ભાવ 63 રૂપિયાથી વધીને 66 રૂપિયા થયો છે. અમૂલ શક્તિનો ભાવ રૂ.62થી વધી 64 થયો છે. અમૂલ ગોલ્ડનો ભાવ રૂ.68થી વધી 70 થયો છે. અમૂલે એક વર્ષ બાદ ભાવમાં વધારો કર્યો છે. છેલ્લે મે, 2025માં લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો હતો.
ઉત્પાદન ખર્ચ અને પશુ આહારના વધતા ભાવને આ વધારા પાછળનું મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું છે, જેની અમલવારી આવતીકાલથી શરૂ થશે. આ ભાવ વધારો મહત્તમ વેચાણ કિંમતની ટકાવારીની દ્રષ્ટિએ 2.5-3.5% નો વધારો સૂચિત કરે છે.
Published On - 6:52 pm, Wed, 13 May 26