AMCએ 99 ટકા અમદાવાદીઓને રસીનો પ્રથમ ડોઝ આપી દીધો છે.જ્યારે 50 ટકા લોકો સંપૂર્ણપણે કોરોના વેક્સિનેટેડ બન્યા છે. સાથે જ દિવાળીના તહેવાર પહેલા તમામ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાનો AMCએ લક્ષ્યાંક સેવ્યો છે. અમદાવાદમાં યુદ્ધના ધોરણે હાથ ધરાયેલા પ્રયાસોને પગલે, અત્યાર સુધી કુલ 98.93 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. જ્યારે 50.94 ટકા લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. AMCએ અત્યાર સુધીમાં પ્રથમ અને બીજા ડોઝમાં કુલ 69 લાખ 5 હજાર લોકોનું રસીકરણ પૂર્ણ કર્યું છે. જેમાં 45 લાખ 75 હજાર લોકોને રસીનો પ્રથમ અને 23 લાખ 30 હજાર લોકોને રસીનો બીજો ડોઝ આપી દેવાયો છે. જ્યારે શહેરમાં આગામી સમયમાં બાકીના 46 લાખ 24 હજાર 592 લોકોને કોરોનાની રસી આપવાનો આરોગ્ય વિભાગે લક્ષ્યાંક સેવ્યો છે.
કોરોનાથી રક્ષણ મેળવવા માટે વેક્સિનેશન જરૂરી છે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન માટે અલગ અલગ યોજના અને ઘર બેઠા વેક્સિનનો અભિગમ અપનાવ્યો છે. કોરોના વેક્સિનેશન મહા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે તહેવારોમાં લોકો કોરોનાથી સુરક્ષિત રહેશે. દિવાળી પહેલા અમદાવાદ શહેરમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થઈ જશે. દશેરા સુધીમાં અમદાવાદમાં તમામ લોકોનો કોરોના વેક્સિનનો પહેલો ડોઝ પૂર્ણ થઈ જશે. શહેરમાં 50 ટકાથી વધુ લોકોના બંને ડોઝ પુરા થઈ જતાં હવે પૂર્ણ વેક્સિનેટેડ છે. જેમના બીજો ડોઝ બાકી છે તેઓની યાદી તૈયાર કરી વેક્સિન પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે.