Rajkot: પોલીસ કમિશનર તોડકાંડ અને દારૂકાંડથી ખરડાયેલી રાજકોટ પોલીસની (POLICE) છબી સુધારવા માટે હવે પોલીસ પ્રયત્ન કરી રહી છે. રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજ ગોહેલ દ્વારા અનોખો ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસકર્મીઓની ભરતી (Recruitment)માટે અભિગમ અપનાવવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા હવે ત્રણ વર્ષની કામગીરીની સમિક્ષા કરવામાં આવશે. જેના આધારે પોસ્ટીંગ આપવામાં આવશે.
માનીતા નહિ કાબેલિતથી મળશે પોસ્ટીંગ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં અત્યાર સુધીમાં અધિકારીઓ અને રાજકીય નેતાઓના માનિતાઓને સ્થાન આપવામાં આવતું હતું. જેના કારણે ઘણી વખત સારી કામગીરી કરનારને સ્થાન મળતું ન હતું. થોડા દિવસ પહેલા તોડકાંડ અને દારૂકાંડને કારણે રાજકોટ પોલીસની છબી ખરડાઇ, ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચમાં ભરતી ઓપન ફોર ઓલ રાખવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચમાં સામેલ થવા ઇચ્છતા પોલીસકર્મીઓએ પોતાના ત્રણ વર્ષની કામગીરી આપતું પત્રક દર્શાવવું પડશે. આ કામગીરી અંગે જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની સહિ કરાવીને આ રિપોર્ટ ઉચ્ચ અધિકારીને સોંપવાનો રહેશે. જેના આધારે સમીક્ષા કરીને અધિકારી નિમણૂંક આપશે.
વિવાદાસ્પદ પોલીસકર્મીને નહિ મળે સ્થાન
જોકે, આ સિલેકશનમાં વિવાદાસ્પદ પોલીસકર્મીને સ્થાન આપવામાં નહિ આવે. કોઇ પોલીસકર્મીની સારી કામગીરી હશે. પરંતુ તેઓ કોઇ વિવાદમાં આવી ગયા હશે. તો આવા પોલીસકર્મીઓને સ્થાન આપવામાં નહિ આવે. આવા પોલીસકર્મીઓને મહત્વના પોસ્ટીંગથી દૂર રાખવામાં આવશે.