ભારે વરસાદ અને પૂરના કારણે શાકભાજીની ખેતી નાશ પામવાથી શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. શાકભાજીના ભાવ બમણા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ભરૂચ જિલ્લામાં શાકભાજીની ખેતી મુખ્ય ખેતી પૈકીની એક મનાય છે. ખાસ કરીને નર્મદા કાંઠાના ગામોમાં લીલા શાકભાજીની ખેતી મોટાપાયે થાય છે. તાજેતરમાં વરસેલા ભારે વરસાદ અને ત્યાર બાદ નર્મદામાં આવેલા પૂરના કારણે ખેતીને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે. લાંબા સમય સુધી ખેતરોમાંથી પાણી ન ઓસરતાં પાક નાશ પામ્યો છે. શાકભાજીની ઉપજ ન મળવાથી ભાવ ઉંચા ચઢ્યા છે.
ખેતીને નુકશાનથી બજારમાં આવતો શાકભાજીનો પુરવઠો અચાનક ઠપ્પ થઇ ગયો છે. ભરૂચ જિલ્લામાં શાકભાજીના બજારમાં આવતો ૬૦ ટકા હિસ્સો સ્થાનિક ખેડૂતો પૂરો પાડે છે જયારે ૪૦ ટકા સપ્લાય બહારના જિલ્લાઓમાંથી આવે છે. અચાનક સ્થાનિક ખેડૂતોનો પુરવઠો અટકી જતા શાકભાજીના દામ આસમાને ચઢ્યા છે. મોટાભાગના શાકભાજીના દામ એક મહિનામાં બમણા થયા છે જેનાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
એક કિલો શાકભાજીના હાલના અને એક મહિના અગાઉના ભાવ ઉપર એક નજર…
શાકભાજી | હાલનો ભાવ | એક મહિના પહેલાનો ભાવ |
ટામેટા | ૧૦૦ | ૩૦ |
ગુવાર | ૧૨૦ | ૬૦ |
વટાણા | ૧૬૦ | ૧૦૦ |
તુવેર | ૧૬૦ | ૧૦૦ |
ફ્લાવર | ૧૨૦ | ૬૦ |