હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજિત હિંદુ અધ્યાત્મિક અને સેવા મેળાના કાર્યાલયનું ઉદ્ઘાટન તારીખ 9 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાના માર્ગદર્શક અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષએ કહ્યું કે હિંદુની અવધારણા છે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું, જ્યારે સમગ્ર વિશ્વ આઈડેન્ટીટી ક્રાઈસીસમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે હિંદુ શું કરે છે? ભારત શું કરે છે? અને ભારતમાં ગુજરાત શું કરે છે? તે તરફ સૌની દૃષ્ટિ છે.
આ અવસરે નીરીજાબેન ગુપ્તાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આપણી જે આખી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની એક મહાગાથા છે અને આજે આપણે બૌદ્ધિક, સંસ્કૃતિક, શારીરિક આક્રમણમાં અટવાઈ ગયા છીએ જો ત્યારે આપણી મહાગાથાને સમજી લઈએ તો કોઈપણ જાતનો મુંજવણમાં પડીએ જ નહિ.
મહંત દયાલપુરી બાપુએ પોતાના આશીર્વચનમાં કહ્યું કે આપણા સંતાનોમાં આપણી સંસ્કૃતિના વિચાર સુદ્રઢ થાય એના માટેનું આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે જ જો આપણે જતન કરીશું તો સો ટકા આપણે ભારત ને વિશ્વગુરૂના સ્થાને સ્થાપિત કરી શકીશું.
હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાના પ્રાંત અધ્યક્ષ તુલસીરામ ટેકવાણીએ સ્વાગત ઉદબોધન કર્યું હતું જ્યારે નારણભાઈ મેઘાણીએ મેળો યોજાવાનો છે તે સ્થાનમાં યોજાનારા કાર્યક્રમોનો ભૌગોલિક પરિચય આપ્યો હતો. હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાના સચિવ ઘનશ્યામભાઈ વ્યાસે 23 થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન પ્રતિદિન આયોજિત થનારા કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો તથા મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.