હાર્દિક પટેલ (Hardik Patel) ગુજરાતની(Gujarat)અને દેશની રાજનીતિ વિશે જાણનારા લોકો માટે આ નામ નવુ નથી, એમ છતાં એક ઔપચારિકતા માટે કહી દઇએ કે આ એ જ હાર્દિક પટેલની વાત છે જેણે ગુજરાતની રાજનિતીમાં 2015ની સાલમાં તહેલકો મચાવી દીધો હતો. હાર્દિક પટેલે 2015ની સાલમાં ગુજરાતમાં પાટીદારો(Patidar)માટે અનામત આંદોલનની શરુઆત કરીને તત્કાલીન સરકાર માટે મુસીબત ઉભી કરી દીધી હતી. તેમજ પાટીદાર આંદોલનની ફલશ્રુતિએ તત્કાલીન મુખ્યમંત્રી આંનંદીબહેન પટેલ સરકારની આહુતિ આપવી પડી હતી. પાટીદાર આંદોલન વખતે જ પોતે સક્રિય રાજનિતીમાં કયારેય નહિં જોડાય એવી વાતો કરનારા હા્ર્દિક પટેલે 2017માં રાજયના અને દેશના લોકોના કલ્યાણની વાતો કરીને કોંગ્રેસ પક્ષમાં એન્ટ્રી મારી હતી. આજે એટલે કે 18 મે, 2022ના રોજ આ જ હાર્દિક પટેલનો કોંગ્રેસથી મોહભંગ થયો છે અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય સહિતના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.
એક સમયે જેમના નામે ડંકા વાગતા હતા એવા હાર્દિક પટેલની સ્થિતી ત્રિભેટે ઉભેલા રાજનેતા જેવી છે. હવે હાર્દિક ભારતીય જનતા પક્ષમાં જોડાશે કે આમ આદમી પાર્ટીમાં જશે એ તો રામ જાણે અને આપણે એ ચર્ચામાં પણ નથી પડવું પણ હકિકત એવી છે કે આ નેતાની આગામી રાજકીય સફર આસાન તો નહિં જ હોય. આંદોલન હોય કે રાજકારણ હાર્દિક સામે પડકારો હંમેશા રહ્યા અને આ પડકારો સામે પણ હાર્દિક પટેલે રાજકારણમાં પોતાનું મજબુત સ્થાન બનાવ્યુ અને કોંગ્રેસ પાર્ટીએ હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ તરીકેની નિમણૂંક આપી. હાર્દિક પટેલ અને આજના હાર્દિક પટેલમાં જમીન આસમાનનો ફરક જોવા મળ્યો, એક સમયે ભાજપ સામે બોલતાં નહિં થાકનારા હાર્દિક પટેલનાં સુર બદલાવા લાગ્યા અને ભાજપની વાહવાહી અને હિંદુત્વની વાત કરીને હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી સામે મોરચો માંડ્યો.
એટલું જ નહિં, હાર્દિક પટેલનાં નિવેદનોમાં પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી ઉપર પણ સવાલો ઊભા કર્યા કે પાર્ટીમાં યુવાનો માટે કોઇ સ્થાન નથી. એવામાં જીગ્નેશ મેવાણીની કોંગ્રેસ સાથેની નજદીકીઓએ હાર્દિક પટેલ સામે ચિત્ર સ્પષ્ટ કરી દીધુ કે હાર્દિક પટેલનાં સૂર કોંગ્રેસને ગમ્યા નથી. એક સમયે સરકાર સામે બાંયો ચઢાવનાર હાર્દિક પટેલ સામે હવે ક્યો વિકલ્પ છે એ તો હાર્દિક પટેલ જ જાણે પરંતુ હાલની સ્થિતીએ હાર્દિક પટેલનાં આંદોલન સમયનાં જુના સાથીઓ તેની બાજુથી બોલતા નથી એ હકિકત છે.. વાત વરુણ પટેલની કરીએ તો આજનાં ટ્વિટમાં હાર્દિક પટેલને ભાજપનાં સંનિષ્ઠ કાર્યકર્તાઓ નહિં સ્વીકારે એ કહેતાં આડકતરી રીતે હાર્દિક પટેલની ભાજપમાં એન્ટ્રીને લઇને નારાજગી જાહેર કરી દીધી છે. આજની સ્થિતીએ હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તો પાર્ટીમાં પહેલેથી જ હાજર જુના સાથીઓનાં આ નિવેદનો બાદ પાર્ટીનાં કાર્યકર્તાઓનાં શું તેવર હશે તે જોવાનું રહેશે.
પરંતુ એક સમયે ઓગસ્ટ ક્રાંતિ કરીને લાખોની સંખ્યામાં પાટીદારોને ભેગા કરનારા હાર્દિક પટેલની નવી શરૂઆતમાં હવે તેની સાથે કોણ કોણ હશે અને શું અત્યાર સુધીનાં પોતાના રાજકીય અને સામાજિક કેરિયરમાં દબદબો બનાવીને રાખનાર હાર્દિક પટેલ આગળ પણ પોતાનું વર્ચસ્વ જાળવીને રાખી શકશે કે કેમ એ પણ જોવાનું રસપ્રદ રહેશે. વિરમગામનાં એક સામાન્ય પરિવારમાંથી આવીને ગુજરાત તેમજ દેશનાં રાજકારણમાં પોતાની અલગ ઓળખ ઉભી કરનાર હાર્દિક પટેલ હવે એક નવી શરૂઆત કરવા જઇ રહ્યો છે. એવામાં ક્રિકેટનો શોખીન હાર્દિક પટેલ 11 પ્લેયરમાંથી એક હશે કે પછી એક્સ્ટ્રા ખેલાડી તરીકે ટીમમાં સ્થાન પામશે તેની પર સૌની મીટ મંડાયેલી છે.
Published On - 6:18 pm, Wed, 18 May 22