આજે 20 મેને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદના ઇસ્કોન ચાર પાસે આગ લાગતા, આસપાસના વાહનો પણ આગની ઝપેટમા આવ્યા હતા. ગેસના બાટલામાં એકાએક લાગી હતી આગ. આસપાસના વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોચીને આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી છે.
તાપમાનનો પારો ગગડશે તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમદાવાદ સમગ્ર ગુજરાતનું સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં આજે 43.7 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જે સામાન્ય કરતા 1.7 ડિગ્રી વધુ છે. અમરેલીમાં ગરમીનો પારો 43.1 ડિગ્રી રહી છે. ગાંધીનગરમાં 42.3 ડિગ્રી ગરમી રહેવા પામી છે. રાજકોટમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીએ અટક્યો છે. સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ડિસામાં 41.4 ડિગ્રી ગરમીનો પારો રહેવા પામ્યો છે.
જૂનાગઢના મેંદરડા પેટ્રોલપંપ પર લાગી 1 કિલોમીટર લાંબી લાઈન. ડીઝલ માટે ખેડૂતો કેરબા લઈ પહોંચ્યા પેટ્રોલપંપ પર. 1 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી. હાલ ખેતીની સીઝન હોઈ ખેતી માટે ડીઝલની હોય છે જરૂરિયાત.સવારે 10 વાગ્યાંથી ખેડૂતો ઉભા છે લાઈનમાં. ખાધાપીધા વગર ખેડૂતો ડીઝલ માટે મારી રહ્યા છે વલખા. ખેડૂતોનો રોષ જોઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી. પેટ્રોલપંપ સંચાલકનું કહેવું છે બીજા પંપો પર ડીઝલ ખૂટતા અહીં ઘસારો જોવા મળી રહ્યો છે. હાલ તમામને માર્યાદિત સ્ટોકમાં ડીઝલ આપવામાં આવી રહ્યું છે. ડીઝ નો જથ્થો હશે ત્યાં સુધી વેચાણ કરવામાં આવશે. તકલીફ તો છે પણ તમામ ગ્રાહકો એ સંયમ રાખવા અપીલ કરી છે. પેટ્રોલની કોઈ અછત નથી ઉપરથી સ્ટોક આવશે ત્યાં સુધી વેચાણ કરવામાં આવશે.
અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે મર્સિડીઝ કાર ચાલક પાસેથી હાઇબ્રીડ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. લક્ઝુરિયસ કારમાં હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે SOGની ટીમે એકની ધરપકડ કરી. વિજયચાર રસ્તા પાસે રોડ પર મર્સિડીઝ કાર હાઇબ્રીડ ગાંજાના જથ્થા પકડ્યો. SOG ક્રાઈમ ની ટીમે મર્સિડીઝ કારમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે હાર્દિક કલાલ ધરપકડ કરી. ગાડીમાંથી 1 કિલો 975 ગ્રામ હાઇબ્રીડ ગાંજો, જેની કિંમત 69 લાખ થાય તે કબજે કર્યો. SOG ક્રાઈમ ટીમે વધુ તપાસ શરૂ કરી.
અમદાવાદના નિકોલમાં આવેલા આભૂષણ જવેલર્સની સેલ્સ ગર્લે કરેલ ચોરીના સહઆરોપી મયુર માળીની પોલીસે ધરપકડ કરી છે. સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીના પ્રેમી મયુર માળીની નિકોલ પોલીસે ધરપકડ કરી. આરોપી મયુર માળી, હર્ષિદાને દગો દઈને ચોરીના સોનાના દાગીના લઈ ભાગી ગયો હતો. આરોપી મયુર માળીએ સોનાના દાગીના રાજસ્થાન છુપાડ્યા હોવાનું રટણ રટી રહ્યો છે. આભૂષણ જ્વેલર્સમાંથી સેલ્સ ગર્લ હર્ષિદાએ 1.66 કરોડના દાગીના ચોરી કરી હતી. હજી આ કેસમાં પોલીસે માત્ર 3 જ દાગીના કબજે કર્યા છે. સવા કરોડ થી વધુના દાગીના આરોપી મયુર માળી લઈને ભાગી ગયો હતો.
ગાંધીનગરમાં આજે મળેલ ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટ બેઠકમાં પેટ્રોલ ડીઝલ મુદે ચર્ચા થઈ હતી. ચીફ સેકેટરીએ જરૂરી ઇનપુટ આપ્યા હતા. તમામ જગ્યાએ પેટ્રોલ ડીઝલ પહોચાડવા સૂચના આપવામાં આવી છે. લોકને હાલાકી ન પડે તે પ્રમાણે કામ કરવાની સૂચના. સંગ્રહખોરો, સંગ્રહ ના કરે તેનું ધ્યાન રાખવું. ક્યાંય લોકો ખોટી લાઈન ના લગાવે. અફવાઓથી દુર રહેવે તાકીદ કરવામાં આવી છે. રાજ્ય પાસે પૃરતો જથ્થો છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના સોમનાથ ટોકીઝ વિસ્તાર નજીક આવેલી આઈ.ડી. ચૌહાણ સ્કૂલ પાસે બપોરે અંદાજે 1 વાગ્યે અજાણ્યા શખસોએ તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં એક ગોળી તેમના માથાના ભાગે વાગતા તેઓ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત તાજવાનીને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. ફાયરિંગના સમાચાર શહેરમાં વાયુવેગે ફેલાતા જ હોસ્પિટલ ખાતે તુરક સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ડાંગમાંથી ઝડપાયો ત્રણ રાજ્યનો વોન્ટેડ કુખ્યાત આંતર રાજ્ય ચામઠા ગેંગનો મુખ્ય સુત્રધાર. ડાંગ એલસીબીએ ચામઠા ગેંગના મુખ્ય સૂત્રધારને વાપીથી પકડી પાડ્યો. ગુજરાત કર્ણાટક અને આંધ્રપ્રદેશના આશરે 22 જેટલા ઘરફોડ ગુનામાં વોન્ટેડ હતો આરોપી. પકડાયેલ આરોપી કર્ણાટક અને આંધ્રપ્રદેશના 19 જેટલા ઘરફોડ ચોરીના ગુન્હામાં 07 વર્ષથી. આરોપીને વાપી ખાતેથી શોધી કાઢતી ડાંગ જિલ્લા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ. એલ.સી.બી.ની અલગ અલગ 04 ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સથી તપાસ કરતા આરોપી વાપી રેલવે સ્ટેશન ખાતેથી મળી આવ્યો. પકડાયેલ આરોપી સંદીપ ઉર્ફ અર્થવેદ રાઠોડ ચામઠા ગેંગનો મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું. પકડાયેલ ખુખ્યાત આરોપી મહારાષ્ટ્રના પુણે જિલ્લાના રંજનગાવનો રહેવાસી. આરોપી વિરુદ્ધ સાપુતારા પોલીસ સ્ટેશનમાં 3 ચોરીના ગુન્હા નોંધાયેલ છે.
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં યોજાયેલી એક જાહેર સભાને સંબોધતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પોતાના ભાષણ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને “ગદ્દાર” ગણાવ્યા હોવાનો આરોપ છે. તેમણે વધુમાં કહ્યું કે આરએસએસ-ભાજપ સાથે જોડાયેલા લોકો દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે અને ભાજપે દેશને વેચવાનું કામ કર્યું છે, એવું નિવેદન તેમણે રાયબરેલીની જાહેર સભામાં આપ્યું હતું.
જામનગરમાં આવેલા શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં યુવતીના આપઘાતની ઘટના સામે આવી છે. પંચેશ્વર ટાવર પાસે આવેલા એપાર્ટમેન્ટના 9મા માળેથી ઝંપલાવી યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવતી CAની વિદ્યાર્થીની હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતી અન્ય સ્થળે રહેતી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળ નજીકના CCTV ફૂટેજમાં યુવતી એપાર્ટમેન્ટમાં પ્રવેશતી નજરે પડી હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ યુવતીએ હતાશામાં આવી આ પગલું ભર્યું હોઈ શકે છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉત્તર પ્રદેશના બાંદામાં આકાશ ખૂબ જ ગરમી અનુભવી રહ્યું છે. મંગળવારે તાપમાન રેકોર્ડબ્રેક 48.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. શેરીઓ સુમસામ છે. રાત્રે પણ ગરમીનો અનુભવ થાય છે. આ પહેલી વાર નથી જ્યારે અહીં ગરમીનો રેકોર્ડ બન્યો હોય.
જામનગર શહેરમાં હાલમાં જ હાથ ધરાયેલી ડિમોલિશનની કાર્યવાહી સામે આહીર સમાજે સવાલો ઉભા કર્યા છે. ડિમોલિશનમાં માત્ર એક આહિર સમાજનાં દંપતીનાં ઘર પર જ કાર્યવાહી કરાતા આહીર સમાજમાં રોષ છે. સમાજનાં આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે બિલ્ડર અને અધિકારીઓની મિલીભગત છે. મકાન જાહેર હિત માટે નહીં પરંતુ ખાનગી સ્વાર્થ માટે તોડાયું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આહીર સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી માંગ કરી છે.
સુરતઃ ડીંડોલીના નવાગામમાં વીજકરંટથી યુવકનું મોત થયુ છે. ક્રિશ કેક શોપમાં કામ કરતી વખતે દુર્ઘટના બની. યુવકનો હાથ ચાલુ પ્લગમાં અડી જતા કરંટ લાગ્યો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.
વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારએ ખર્ચ ઘટાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના અંતર્ગત સરકારી ખર્ચ અને ઇંધણના વપરાશ પર કાપ મૂકવા પગલાં લેવામાં આવશે. પરિપત્ર મુજબ ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વગરની મુસાફરી પર પ્રતિબંધ રહેશે. તેમજ એકથી વધુ ચાર્જ ધરાવતા અધિકારીઓને તેમના વધારાના વાહનો જમા કરાવવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી સરકારી સંસાધનોનો યોગ્ય અને નિયંત્રિત ઉપયોગ થઈ શકે.
રાજકોટ–જામનગર હાઇવે પર બાઇકચાલકો દ્વારા કરવામાં આવતા બેફામ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક યુવકો જોખમી રીતે બાઇક પર સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે, જેના કારણે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. જાહેર માર્ગ પર આવી બેદરકારીપૂર્ણ હરકતોને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ પોતાના જીવની પણ પરવા કર્યા વગર કરવામાં આવેલા આ સ્ટંટ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
સાપુતારાના વાતાવરણમાં અચાનક પલટો આવતા પ્રવાસીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. ડુંગરો પર ધુમ્મસની ચાદર પથરાતાં સમગ્ર વિસ્તાર મિની કાશ્મીર જેવો દેખાઈ રહ્યો છે. ભર ઉનાળામાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓને ગરમીથી મોટી રાહત મળી છે. આહલાદક અને મનમોહક વાતાવરણ સર્જાતા પ્રવાસીઓ કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે ડીઝલ મેળવવા માટે તેમને સતત ધક્કા ખાવા પડી રહ્યા છે અને પેટ્રોલ પંપ પરથી પણ પૂરતું ડીઝલ આપવામાં આવતું નથી. ડીઝલની અછતના કારણે ખેતીના કામોમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી હોવાનું ખેડૂતોનું કહેવું છે. આ મામલે નસવાડી તાલુકાના આશરે 210 ગામોના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં હવે ગરમીનો પારો ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. 21, 22 અને 23 મે દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટી વધશે અને વાતાવરણમાં ધીમે ધીમે વાદળછાયું માહોલ સર્જાશે. 20થી 23 મે વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ આગામી 26 મે આસપાસ ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે, જ્યારે ગુજરાતમાં 23 જૂનથી વરસાદી માહોલ જામે તેવી આગાહી કરવામાં આવી છે.
Published On - 7:27 am, Wed, 20 May 26