12 ઓક્ટોબરના મહત્વના સમાચાર : જમ્મુ-કાશ્મીરના કૃષ્ણ ઘાટી સેક્ટરમાં લશ્કર એ તૈયબાના એક ટોચના કમાન્ડર સહિત ચાર ઘૂસણખોરો માર્યા ગયા

આજે 12 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

12 ઓક્ટોબરના મહત્વના સમાચાર : જમ્મુ-કાશ્મીરના કૃષ્ણ ઘાટી સેક્ટરમાં લશ્કર એ તૈયબાના એક ટોચના કમાન્ડર સહિત ચાર ઘૂસણખોરો માર્યા ગયા
| Edited By: | Updated on: Oct 12, 2026 | 8:41 PM

આજે 12 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Oct 2026 08:39 PM (IST)

    સુરતના ઉત્રાણ પોલીસ મથકની હદમાંથી નકલી ઘી બનાવતા મોટા કારખાનાનો પર્દાફાશ

    સુરત ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, નવરાત્રી અને દિવાળીના તહેવારો પહેલાં નકલી ઘી બનાવતા મોટા કારખાનાનો પર્દાફાશ. ઉત્રાણ પોલીસે અબ્રામા રોડ પર આવેલા માધવ કેમ્પસના ગોડાઉન નંબર-18 માં બાતમીના આધારે સફળ રેડ પાડી હતી. ફૂડ સેફ્ટી અધિકારીઓની હાજરીમાં કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 1694 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું. આ સાથે વનસ્પતિ ડાલડા ઘી, સોયાબીન તેલ અને ઘી બનાવવા માટે વપરાતા મશીનો સહિત કુલ 18 લાખ નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. બનાવટી ઘી બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના ગુનામાં પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી. પકડાયેલા આરોપીઓમાં સન્ની કલ્પેશભાઇ મોદી, કિશનભાઇ મનોજભાઇ મોદી અને કલ્પેશભાઇ સુંદરલાલ મોદીનો સમાવેશ થાય છે. આ આરોપીઓ મૂળ ડીસા (બનાસકાંઠા) ના વતની છે અને હાલ અમરોલી વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું. ૨ઉત્રાણ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે સમયસર કાર્યવાહી કરીને તહેવારોમાં ભેળસેળવાળા ઘીનું વેચાણ અટકાવ્યું.

  • 12 Oct 2026 08:25 PM (IST)

    સાઉદી અરેબિયાએ રિયાધ એરપોર્ટ 17 ઓક્ટોબર સુધી બંધ કર્યું

    હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને, સાઉદી અરેબિયાએ રિયાધ એરપોર્ટ 17 ઓક્ટોબર સુધી બંધ કરી દીધું છે.


  • 12 Oct 2026 07:46 PM (IST)

    કોસંબા નજીક ધામદોડ ગામની કેનાલમાં શખ્સ ડૂબ્યો

    કોસંબા નજીક ધામદોડ ગામની કેનાલમાં શખ્સ ડૂબ્યો. પી પી સવાણી યુનિવર્સિટીમાં બસ ચલાવતો ચાલક ડૂબ્યો. કેનાલની પાળીએ બેઠો હતો. ઉભા થતી વેળાએ ચક્કર આવતા ખાબક્યો. પાણીના ધસમસતા પ્રવાહમાં ચાલક ખેંચાઈ ગયો. ઘટનાને પગલે કામરેજ પાનોલી, કામરેજ સહિતની ફાયર ટીમો સ્થળ પર. કેનાલમાં ડૂબેલ ચાલકનું નામ રજનીશ ચોરવડિયા હોવાનું જાણવા મળ્યું. કોસંબા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.

  • 12 Oct 2026 07:33 PM (IST)

    ગાંધીનગરના કલોલમાં બહેન સાથે પ્રેમ હોવાની આશંકાએ યુવકને રહેંસી નાખ્યો

    ગાંધીનગરના કલોલમાં પ્રેમની આશંકાનો લોહિયાળ અંજામ. હાજીપુર ગામમાં હત્યાની ઘટના આવી સામે. બહેન સાથે પ્રેમ હોવાની આશંકા રાખી હત્યા કરાઈ. ભજનમાંથી પરત ફરતાં કરાઈ યુવકની હત્યા. હત્યા કર્યા બાદ મૃતકની લાશ કુવામાં ફેંકી દીધી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી ભેદ ઉકેલ્યો. આરોપી સહિત અન્ય એકની ધરપકડ કરાઈ. કલોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

  • 12 Oct 2026 06:35 PM (IST)

    અમદાવાદમાં, જીગર દાન ગઢવીના સાચી નવરાત્રિમાં 7મી વાર ચકાસણી માટે પહોચ્યું ફાયર બ્રિગેડ

    અમદાવાદ સાચી નવરાત્રીનો ફાયર NOC મામલે વધુ વધુ એકવાર અમદાવાદ ફાયર બ્રિગેડ તપાસ અર્થે પહોચ્યું છે. સાચી નવરાત્રીના સ્થળે ફાયરની ટીમ ફરી પહોંચી. જીગર દાન ગઢવી સાચી નવરાત્રી ગરબા મામલો. ફાયર વિભાગની ટીમ સાતમી વખતે પહોંચી ચેકિંગમાં. એસી ડોમમાં ફાયર ની ટીમ દ્વારા ઇન્સ્પેક્શન શરૂ. અગાઉ રહેલી તમામ ખામીઓનું કરાઈ રહ્યું છે ચેકિંગ.

  • 12 Oct 2026 06:34 PM (IST)

    જામનગરના નૂરી ચોકડી ખાતે હત્યા કરી અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હોવાનો પોલીસે કર્યો ખુલાસો

    જામનગરના નૂરી ચોકડી અકસ્માત કરી યુવાનનુ મોત નિપજાવવાનો મામલો. આ કેસમાં આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયો છે. અફઝલ રહીમભાઈ ચાવડાના મોત મામલે પોલીસની કાર્યવાહી. હત્યા કરી અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉના ઝઘડાની અદાવતમાં બનાવ બન્યો હોવાની ફરિયાદ.  થાર ગાડીથી આઈ-20 કારને ટક્કર મારી હતી. કાર બસ સાથે અથડાતાં અફઝલ ચાવડાનું થયું હતું મોત. હાજી આયુબ ખફી, ઈમ્તિયાઝ ઈકબાલ ખફી સહિતના લોકો સામે ફરિયાદ. અગાઉ ગાડી સાઈડમાં લેવા બાબતે થયો હતો ઝઘડો. ગુલામ નગર હોટલ પાસે વાહનોમાં તોડફોડ થઈ હોવાનો પણ આક્ષેપ. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કેસમાં આરોપીઓ પકડાતાં પોલીસની કાર્યવાહી.

  • 12 Oct 2026 06:00 PM (IST)

    DyCM હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં, 13 ઓક્ટોબરે 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે

    અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા ‘ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ’માં CAA અંતર્ગત 126 અને કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા 32 મળીને કુલ 158 શરણાર્થીઓને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને અન્ય મહાનુભાવો ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા 2016 અને 2018ના ગેઝેટથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયોના લોકોને ‘સિટીઝનશિપ એક્ટ-૧૯૫૫’ની કલમ-5 અને 6 અન્વયે નાગરિકતા આપવા અંગેની સત્તાઓ જિલ્લા કલેક્ટરોને એનાયત કરાઈ છે, જેમાં વર્ષ 2017થી 2025 સુધીમાં 1200થી વધુ અરજદારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપીને અમદાવાદ જિલ્લો સમગ્ર દેશમાં મોખરે રહ્યો છે.

  • 12 Oct 2026 05:23 PM (IST)

    રાહુલ ગાંધીની લીગલ ટીમે, EC, ECI, SIR સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી

    રાહુલ ગાંધીની કાનૂની ટીમે ભારતના ચૂંટણી પંચ (ECI), મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયા દરમિયાન મોટા પાયે મતદારોના નામ રદ કરવા અને અનિયમિતતાઓ અંગેના આક્ષેપોને લઈને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. ‘મતની ચોરી’ના આક્ષેપોને ટાંકીને, વિપક્ષે SIR પ્રક્રિયા અટકાવવાની અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે.

  • 12 Oct 2026 03:56 PM (IST)

    પાટણ ગ્રામ્ય વિસ્તારોમાં વીજકાપથી ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીમાં

    પાટણ ગ્રામ્ય વિસ્તારોમાં વીજકાપથી ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. સાંજ પડતા જ વીજ પુરવઠો ખોરવાઈ જતા ગામજનો અંધારપટમાં ફસાઈ રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના ગામડાઓમાં વીજ પ્રવાહ નિયમિત રીતે ચાલુ રહે તે માટે ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

  • 12 Oct 2026 02:38 PM (IST)

    જૂનાગઢઃ દુકાનમાં જ યુવતીએ ઝેરી પદાર્થ ગટગટાવી જીવન ટૂંકાવ્યું

    જૂનાગઢમાં યુવતીએ પોતે જ્યાં કામ કરતી હતી તે જ દુકાનમાં ઝેરી પદાર્થ ગટગટાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીની અચાનક તબિયત લથડતાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઘટનાને પગલે યુવતીના પરિવારજનો અને લોહાણા સમાજ દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરવામાં આવી છે. યુવતીના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસના તારણો મહત્ત્વના બની રહેશે.

  • 12 Oct 2026 02:28 PM (IST)

    વડોદરાઃ કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને-સામને, ભારે હોબાળો

    વડોદરામાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે હોબાળો થયો છે. ભાજપ અને કોંગ્રેસનાં મહિલા કાર્યકરો આમને-સામને આવી જતાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના કાર્યકરો કોંગ્રેસનાં સાંસદ અને JNUનાં પ્રોફેસર એંગોમયા બીમોલા અકોઈજાનનો વિરોધ નોંધાવી રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસના કાર્યકરો ‘લોકશાહી બચાવો’નાં બેનરો સાથે મેદાનમાં ઉતર્યા છે. બંને પક્ષના કાર્યકરો સામસામે આવી જતાં સ્થળ પર તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટનાને પગલે રાજકીય ગરમાવો વધ્યો છે.

  • 12 Oct 2026 02:15 PM (IST)

    મધ્યપ્રદેશના ચકચારી હત્યાકાંડનો ફરાર આરોપી ગુજરાત પોલીસના સકંજામાં, ગુરુગ્રામથી ઝડપાયો

    મધ્યપ્રદેશમાં જમીન વિવાદમાં એક જ પરિવારના 6 સભ્યોની હત્યાના કેસમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી રામુસિંહ ધીરસિંહ તોમર મે 2023માં મધ્યપ્રદેશના લેપા ગામે થયેલા ચકચારી હત્યાકાંડ બાદ ફરાર હતો. આ હત્યાકાંડમાં 3 મહિલા અને 3 પુરુષ સહિત એક જ પરિવારના 6 સભ્યોનાં મોત થયાં હતાં. આરોપીની ધરપકડ માટે 30 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. હત્યાકાંડ બાદ આરોપી મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા સહિતનાં રાજ્યોમાં ઓળખ છુપાવીને રહેતો હતો. આ દરમિયાન તે સિક્યુરિટી ગાર્ડ તરીકે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. છેલ્લા એક વર્ષથી તે ગુરુગ્રામની એક વેરહાઉસમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડવા માટે વેશપલટો કરીને સાત દિવસ સુધી વોચ રાખી હતી. ત્યારબાદ તેને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. હવે આ મામલે પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  • 12 Oct 2026 02:05 PM (IST)

    ગુજરાતઃ વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકારનું ‘મિશન ટ્રાઇબ’

    ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે ‘મિશન ટ્રાઇબ’ હાથ ધર્યું છે. આજથી રાજ્ય સરકારના ચાર પ્રધાનો 72 કલાક માટે આદિવાસી વિસ્તારોની મુલાકાતે જશે. દાંતા, મોરવા હડફ, ઝઘડિયા અને નિઝર વિધાનસભા વિસ્તારોમાં પ્રધાનો ધામા નાખીને સ્થાનિક સ્થિતિનો તાગ મેળવશે. આ દરમિયાન જિલ્લાના હોદ્દેદારો, સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ, સમાજના અગ્રણીઓ, વેપારીઓ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠકો યોજવામાં આવશે. આદિવાસી સમાજ માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ સરકારી યોજનાઓની સમીક્ષા કરવાની સાથે સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે પણ ચર્ચા થશે. વિસ્તારના પડતર પ્રશ્નો, વણઉકેલાયેલા મુદ્દાઓ અને નવા બજેટને લગતી જરૂરિયાતો પર ભાર મૂકવામાં આવશે. આ મુલાકાત દરમિયાન સ્થાનિક સ્તરે લોકોની સમસ્યાઓ જાણીને તેના ઉકેલ માટે જરૂરી પગલાં નક્કી કરવાની દિશામાં ચર્ચા કરવામાં આવશે.

  • 12 Oct 2026 01:44 PM (IST)

    અમરેલીઃ મોટા કણકોટ ગામે દીપડાનો હુમલો, એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

    અમરેલી જિલ્લાના મોટા કણકોટ ગામે દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કરતાં ગંભીર ઇજાઓ પહોંચી છે. દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને તાત્કાલિક લીલીયા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. દીપડાના હુમલાની ઘટનાને પગલે ગામમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વનવિભાગ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • 12 Oct 2026 01:42 PM (IST)

    દિલ્હીઃ જંતરમંતર ખાતે હવે નહીં થાય વિરોધ પ્રદર્શન, ત્રણ નવા સ્થળ નક્કી

    દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જંતરમંતર ખાતે વિરોધ પ્રદર્શન નહીં થઈ શકે. વિરોધ પ્રદર્શન માટે ત્રણ નવા સ્થળ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં રામલીલા મેદાન અને બુરાડી મેદાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પૂર્વ દિલ્હીના CBD ગ્રાઉન્ડ પર પણ દેખાવો કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય બાદ વિરોધ પ્રદર્શન કરવા ઇચ્છતા સંગઠનો અને લોકો માટે આ ત્રણ સ્થળો વિકલ્પ તરીકે રહેશે. જોકે, વિરોધ પ્રદર્શન માટે લાગુ પડતા નિયમો અને મંજૂરીની પ્રક્રિયાનું પાલન કરવું પડશે.

  • 12 Oct 2026 01:32 PM (IST)

    અરવલ્લીઃ ભિલોડામાં પ્રેમી યુગલના પરિવાર વચ્ચે મારામારી, 7 લોકો ઇજાગ્રસ્ત

    અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પ્રેમી યુગલના મામલે બંને પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. મૂળ વડાલીનો યુવક અને યુવતી ઘરેથી ભાગી ગયા બાદ બંને પરિવાર વચ્ચે વિવાદ સર્જાયો હતો. આ મામલે યુવતીના પરિવારે સમાધાન માટે બોલાવી યુવકના પરિવારજનોને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવકના પરિવારને અપહરણ કરીને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ માર મારવામાં આવ્યો હોવાનો પણ દાવો કરાયો છે. આ દરમિયાન લોખંડના સળિયા અને છરી સહિતનાં હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ છે. મારામારી અને હુમલાની ઘટનામાં કુલ 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલે ભિલોડા પોલીસે બંને પક્ષના કુલ 16 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 12 Oct 2026 01:15 PM (IST)

    અમદાવાદઃ ડ્રેનેજમાં ગરકાવ થયેલી બાળકીનો બે દિવસ બાદ પણ પત્તો નહીં

    અમદાવાદમાં ડ્રેનેજ લાઇનમાં ગરકાવ થયેલી બાળકીની શોધખોળ બે દિવસ બાદ પણ યથાવત છે. શનિવારે બપોરથી ગુમ થયેલી બાળકીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. બાળકી ડ્રેનેજ લાઇનમાં ગરકાવ થયા બાદ કાદવમાં ખૂંપી ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે ડ્રેનેજમાં આશરે 10 ફૂટ જેટલો કાદવ હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગની ટીમે ડ્રેનેજ લાઇનમાં ઉતરીને બાળકીની શોધખોળ હાથ ધરી હતી. જોકે, હજુ સુધી સફળતા મળી નથી. ડ્રેનેજમાં ભરાયેલા કાદવ અને કચરાને બહાર કાઢવા માટે દક્ષિણ ઝોનના ડ્રેનેજ વિભાગને જાણ કરવામાં આવી છે. બાળકીની શોધખોળ માટે તંત્ર દ્વારા પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે.

  • 12 Oct 2026 01:07 PM (IST)

    અમદાવાદમાં ફાયર NOC વગર સાંચી ગરબા યોજાયાનો આક્ષેપ, ફાયર વિભાગે નોટિસ ફટકારી

    અમદાવાદના ન્યૂ સાયન્સ સિટી વિસ્તારમાં જીગરદાન ગઢવીના સાંચી ગરબા કાર્યક્રમને લઈને સુરક્ષાના મુદ્દે સવાલો ઊભા થયા છે. પરવાનગી વિના AC ડોમમાં ગરબાનું આયોજન કરવામાં આવતું હોવાનો અને ફાયર વિભાગની NOC વગર કાર્યક્રમ યોજાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગરબા સ્થળનું નિરીક્ષણ કરવા ફાયર વિભાગની ટીમ છઠ્ઠી વખત ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર તપાસ કર્યા બાદ ફાયર વિભાગ દ્વારા આયોજકોને નોટિસ ફટકારવામાં આવી છે. આક્ષેપ છે કે ફાયર વિભાગ દ્વારા અગાઉ આપવામાં આવેલા અનેક સૂચનો અને સુરક્ષાને લગતી માર્ગદર્શિકાઓની અવગણના કરીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. AC ડોમમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી આગ જેવી કટોકટીની સ્થિતિમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા હોવી જરૂરી છે. ત્યારે ફાયર NOC અને જરૂરી મંજૂરીઓ વિના કાર્યક્રમ યોજાતો હોવાના દાવાને પગલે આયોજકોની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. જોકે, આ મામલે આયોજકોનો પક્ષ અને ફાયર વિભાગની નોટિસમાં દર્શાવેલી વિગતો સામે આવ્યા બાદ જ સમગ્ર સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

  • 12 Oct 2026 01:02 PM (IST)

    બે FIR મામલે જિજ્ઞેશ મેવાણીના આક્ષેપ, કહ્યું- દરેક FIR અમારા માટે મેડલ સમાન

    કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ છેલ્લા 24 કલાકમાં પોતાની સામે નોંધાયેલી બે FIR મામલે પ્રતિક્રિયા આપતાં સરકાર અને પોલીસ પર આક્ષેપ કર્યા છે. મેવાણીએ જણાવ્યું હતું કે, દરેક FIR તેમના માટે મેડલ સમાન છે અને તેઓ પોલીસ, સરકાર કે કોઈ દલાલથી ડરવાના નથી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, જમીનનો મુદ્દો ઉઠાવ્યા બાદથી તેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મેવાણીના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. તેમની સામે નોંધાયેલી બંને FIR અને તેના સંદર્ભમાં મેવાણીએ કરેલા આક્ષેપોને લઈને હવે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.

  • 12 Oct 2026 11:10 AM (IST)

    વિધાનસભા ચૂંટણી પહેલાં સરકારનું ‘મિશન ટ્રાઇબ’, ચાર પ્રધાનો 72 કલાક આદિવાસી વિસ્તારોમાં કરશે પ્રવાસ

    ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરતાં ‘મિશન ટ્રાઇબ’ હાથ ધર્યું છે. આજથી રાજ્ય સરકારના ચાર પ્રધાનો 72 કલાક માટે આદિવાસી વિસ્તારોની મુલાકાતે જવાના છે. આ અંતર્ગત દાંતા, મોરવા હડફ, ઝઘડિયા અને નિઝર વિધાનસભા વિસ્તારોમાં પ્રધાનો ધામા નાખશે. પ્રવાસ દરમિયાન જિલ્લાના હોદ્દેદારો, સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ, સમાજના અગ્રણીઓ, વેપારીઓ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠકો યોજવામાં આવશે. આ બેઠકોમાં આદિવાસી સમાજ માટે અમલમાં મૂકવામાં આવેલી સરકારી યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ સ્થાનિક લોકોના પ્રશ્નો, સમસ્યાઓ અને લાંબા સમયથી પડતર રહેલા મુદ્દાઓ અંગે પણ ચર્ચા થશે. આગામી બજેટને ધ્યાનમાં રાખીને વિસ્તારની જરૂરિયાતો અને નવા બજેટમાં કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપવી તે અંગે પણ વિચારણા કરવામાં આવશે. ખાસ કરીને વર્ષોથી વણઉકેલાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવવા અને આદિવાસી વિસ્તારોના વિકાસને વેગ આપવા પર ભાર મૂકવામાં આવશે. આ 72 કલાકના પ્રવાસ દરમિયાન પ્રધાનો સ્થાનિક સ્તરે મળતા પ્રતિભાવો અને રજૂઆતોના આધારે વિકાસલક્ષી મુદ્દાઓની સમીક્ષા કરશે. જોકે, આ અભિયાનના અંતે કયા પ્રશ્નોનો ઉકેલ આવે છે અને બજેટમાં આદિવાસી વિસ્તારો માટે કઈ જોગવાઈઓ થાય છે તેના પર સૌની નજર રહેશે.

  • 12 Oct 2026 10:55 AM (IST)

    અમરેલીના મોટા કણકોટ ગામે દીપડાનો હુમલો, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

    અમરેલી જિલ્લાના મોટા કણકોટ ગામે દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કરતાં તે ઇજાગ્રસ્ત થયો છે. દીપડાના હુમલાની ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી ગઈ હતી. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે લીલીયા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. વનવિભાગ દ્વારા ઘટનાને લઈને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે. ગામમાં દીપડાની હાજરીને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 12 Oct 2026 10:45 AM (IST)

    દિલ્લી-NCRમાં મોસમનો પલટો, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં

    દિલ્લી-NCRમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે દિલ્લીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાનમાં આવેલા ફેરફારને પગલે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દિલ્લી-NCRમાં દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર અને જનજીવન પર પણ અસર પડી રહી છે. અચાનક બદલાયેલા હવામાનને પગલે નાગરિકોને અવરજવર દરમિયાન સાવચેતી રાખવાની જરૂર છે. આગામી કલાકોમાં વરસાદની સ્થિતિ કેવી રહે છે તેના પર સૌની નજર છે.

  • 12 Oct 2026 10:30 AM (IST)

    જીજ્ઞેશ મેવાણી સામે વધુ એક પોલીસ ફરિયાદ, 10 લોકો પર સરકારી કામમાં રુકાવટનો આરોપ

    ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મેવાણી સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચૂંટણી આચારસંહિતાના ભંગ, પોલીસની ફરજમાં રુકાવટ અને સરકારી કામમાં અડચણ ઊભી કરવાના આરોપસર મેવાણી સહિત 10 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પેથાપુર અને સેક્ટર-13 પોલીસ ચોકી વિસ્તારમાં ચૂંટણી આચારસંહિતાના ભંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, પોલીસ સાથે ગેરવર્તણૂક કરવાનો પણ મેવાણી પર આરોપ છે. અગાઉ પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલા હોબાળા અને અભદ્ર વ્યવહારના મામલે પણ મેવાણી સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં ભડકાઉ ભાષણ આપીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. હવે વધુ એક ફરિયાદ નોંધાતા આ મામલે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

  • 12 Oct 2026 10:30 AM (IST)

    દિલ્લીમાં INDIA ગઠબંધનની ‘સુપ્રીમ કૂચ’, રાહુલ ગાંધીનું લોકોને ‘દિલ્લી ચલો’નું આહ્વાન

    દિલ્લીમાં આજે INDIA ગઠબંધન દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી ‘સુપ્રીમ કૂચ’નું એલાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત વિપક્ષના અનેક નેતાઓ આ માર્ચમાં જોડાશે. કનોટ પ્લેસથી સુપ્રીમ કોર્ટ સુધી અંદાજે બે કિલોમીટરની પદયાત્રા યોજાવાની છે, જેમાં તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, સુપ્રિયા સુલે અને સંજય રાઉત સહિતના નેતાઓ સામેલ થવાની શક્યતા છે. રાહુલ ગાંધીએ લોકોને ‘દિલ્લી ચલો’નું આહ્વાન કરીને આ માર્ચને નાગરિકોના અવાજનું પ્રતીક બનાવવા અપીલ કરી છે. છેલ્લા છ દિવસમાં વિપક્ષ દ્વારા આ પાંચમું વિરોધ પ્રદર્શન હોવાનું જણાવાયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સંબંધિત વિવાદને લઈને વિપક્ષી ગઠબંધન સતત વિરોધ નોંધાવી રહ્યું છે. આ કૂચ દ્વારા વિપક્ષ પોતાના મુદ્દાઓને લઈને એકજૂથતા દર્શાવવાનો પ્રયાસ કરશે. હવે આ માર્ચ દરમિયાન વિપક્ષી નેતાઓ શું રજૂઆત કરે છે અને તેના પર કેવો પ્રતિસાદ મળે છે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.

  • 12 Oct 2026 10:15 AM (IST)

    મહેસાણામાં ખોળમાં ભેળસેળની આશંકા, પાંચ ગોડાઉનમાં તંત્રના દરોડા

    મહેસાણા જિલ્લામાં પશુઆહારના ખોળમાં ભેળસેળની આશંકાને પગલે તંત્ર દ્વારા પાંચ સ્થળે આવેલા ગોડાઉનમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે. કડી તાલુકાના અલદેસણ નજીક ચાર ગોડાઉનમાં જ્યારે મહેસાણાના લીંચ નજીક આવેલા એક ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખોળના જથ્થામાંથી સેમ્પલ લેવામાં આવ્યાં છે. ગોડાઉનમાં ભેળસેળવાળા ખોળની હજારો બોરીઓનો જથ્થો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી મહેસાણા પશુપાલન વિભાગ, મામલતદાર અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે. શંકાસ્પદ ખોળના સેમ્પલની તપાસ બાદ જ તેમાં ભેળસેળ થઈ છે કે નહીં તે સ્પષ્ટ થશે. પ્રાથમિક તપાસના આધારે કરોડો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ ખોળનો જથ્થો જપ્ત કરવામાં આવે તેવી શક્યતા છે. હાલ તંત્ર દ્વારા ગોડાઉનમાં રહેલા જથ્થાની વિગતો એકત્રિત કરવાની સાથે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે સેમ્પલના રિપોર્ટ અને તપાસના અંતે ખોળની ગુણવત્તા અંગે ચિત્ર સ્પષ્ટ થશે.

  • 12 Oct 2026 10:00 AM (IST)

    સુરતમાં AIથી મંગેતરના અશ્લીલ ફોટા-વીડિયો બનાવી વાયરલ કરનાર મહિલા ઝડપાઈ

    સુરતના ડીંડોલી વિસ્તારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો દુરુપયોગ કરીને યુવતીના અશ્લીલ ફોટા અને વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના કેસમાં પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપી મહિલાને પીડિત યુવતીના મંગેતર સાથે પ્રેમસંબંધ હતો. જોકે, તેના પ્રેમીનું સગપણ અન્ય યુવતી સાથે નક્કી થતાં આરોપી મહિલાએ બદલો લેવાના ઇરાદે તેની મંગેતરના AI દ્વારા તૈયાર કરેલા અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કર્યા હોવાનો આક્ષેપ છે. આ મામલે ફરિયાદ મળ્યા બાદ ડીંડોલી પોલીસે કાર્યવાહી કરીને આરોપી મહિલાને ઝડપી પાડી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અશ્લીલ ફોટા-વીડિયો બનાવવા તથા વાયરલ કરવા માટે AIનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો તે સહિતના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના AI ટેક્નોલોજીના દુરુપયોગથી વ્યક્તિની પ્રતિષ્ઠા અને ગોપનીયતાને નુકસાન પહોંચાડવાના ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

  • 12 Oct 2026 09:45 AM (IST)

    અમૃતસર એરપોર્ટ પાસે ફરી શંકાસ્પદ ડ્રોન દેખાતાં એલર્ટ, ત્રણ ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ

    પંજાબના અમૃતસર એરપોર્ટની આસપાસ ફરી શંકાસ્પદ ડ્રોન ગતિવિધિ જોવા મળતાં સુરક્ષા તંત્ર એલર્ટ થઈ ગયું છે. એરપોર્ટ પરિસરની આસપાસ ડ્રોન દેખાતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને રનવે ઑપરેશન્સ થોડા સમય માટે રોકી દેવામાં આવ્યાં હતાં. આ ઘટનાને પગલે અમૃતસર આવી રહેલી ત્રણ ફ્લાઇટને અન્ય એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઇટને દિલ્હી અને ચંડીગઢ તરફ વાળવામાં આવી હતી. શંકાસ્પદ ડ્રોનની ગતિવિધિને પગલે એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા અંગે સતર્કતા વધારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં પણ અમૃતસર એરપોર્ટની નજીક ડ્રોન જોવા મળ્યાં હતાં. વારંવાર આવી ગતિવિધિઓ સામે આવતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જોકે, હાલ ડ્રોન ક્યાંથી આવ્યાં હતાં અને તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે સત્તાવાર વિગતો સામે આવવાની બાકી છે.

  • 12 Oct 2026 09:26 AM (IST)

    નવસારી મહાનગરપાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ હડતાળ પર

    નવસારી મહાનગરપાલિકાના વોટર વર્ક્સ, માઇનોર, સેનેટરી, દબાણ અને ફાયર સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ હડતાળ પર ઉતરતાં શહેરમાં અનેક કામગીરી ખોરવાઈ છે. તહેવારોના સમયમાં પગાર ન થતાં કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાની રચના થયા બાદ પણ પગાર અને ભથ્થામાં વધારો ન કરાયો હોવાનો કર્મચારીઓનો આક્ષેપ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોર્પોરેશનના સત્તાધીશો અને સ્થાનિક ધારાસભ્ય તરફથી યોગ્ય જવાબ ન મળતાં કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. વોટર વર્ક્સ વિભાગના અંદાજે 70 કર્મચારીઓ હડતાળ પર ઉતરતાં શહેરમાં પાણી પુરવઠાની કામગીરીને અસર થઈ છે. બીજી તરફ, 300થી વધુ સફાઈ કર્મચારીઓ પણ હડતાળમાં જોડાતાં શહેરની સ્વચ્છતા સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. ફાયર સહિતના મહત્વના વિભાગોના કર્મચારીઓ હડતાળ પર હોવાથી અન્ય સેવાઓને પણ અસર થવાની આશંકા છે. કર્મચારીઓના આંદોલનને પગલે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મહાનગરપાલિકાના સત્તાધીશો શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.

  • 12 Oct 2026 09:05 AM (IST)

    વડોદરામાં પહેલા નોરતે જ યુનાઈટેડ વે ગરબામાં માથાકૂટ, મોબાઈલ ચોરીના આક્ષેપથી હોબાળો

    વડોદરામાં નવરાત્રિના પ્રથમ નોરતે જ જાણીતા યુનાઈટેડ વે ગરબામાં માથાકૂટની ઘટના સામે આવી છે. ગરબામાં આવેલા કેટલાક ખેલૈયાઓએ મોબાઈલ ચોરી થયાના આક્ષેપ કરતાં આયોજકો અને ખેલૈયાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ વધતાં સ્થળ પર હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી અને મામલો શાંત પાડવા માટે પોલીસે મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી. પ્રથમ નોરતે જ ગરબાના આયોજનમાં અભાવ હોવાના આક્ષેપો પણ ખેલૈયાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. નવરાત્રિના પ્રારંભે જ મોબાઈલ ચોરીના આક્ષેપ અને આયોજકો સાથેની બબાલને કારણે યુનાઈટેડ વે ગરબાનું આયોજન ચર્ચામાં આવ્યું છે. જોકે, મોબાઈલ ચોરીના આક્ષેપ અંગે સત્તાવાર વિગતો સામે આવવાની બાકી છે.

  • 12 Oct 2026 08:54 AM (IST)

    જમ્મુમાં ભારે વરસાદે 71 વર્ષનો રેકોર્ડ તોડ્યો, સવા 7 ઈંચ વરસાદથી જળબંબાકાર

    જમ્મુમાં ભારે વરસાદે 71 વર્ષનો રેકોર્ડ તોડતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગણતરીના કલાકોમાં સવા 7 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં રહેણાક વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું હતું અને રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનોને પણ નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત બે લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. અચાનક પાણી ભરાવાને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. જોકે, કલાકો બાદ પાણી ઓસરતાં સ્થાનિક લોકોને થોડી રાહત મળી હતી. ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન સામાન્ય થવાની રાહ જોવાઈ રહી છે.

  • 12 Oct 2026 08:35 AM (IST)

    આફ્રિકાના જિબૂતીમાં બોટ દુર્ઘટનાઃ 15 બાળકો સહિત 139 માઇગ્રન્ટ્સનાં મોત, અનેક લોકો લાપતા

    આફ્રિકાના જિબૂતીમાં માઇગ્રન્ટ્સને લઈ જતી બોટ ડૂબી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જિબૂતીથી યમન જઈ રહેલી આ બોટ ઓબોકના પોર્ટ ટાઉન નજીક પલટી ગઈ હતી. બોટમાં કુલ 305 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 15 બાળકો સહિત 139 માઇગ્રન્ટ્સનાં મોત થયાં હોવાના અહેવાલ છે. જ્યારે 82 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જોકે, હજુ પણ અનેક લોકો લાપતા હોવાથી મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. લાપતા લોકોને શોધવા માટે બચાવ અને સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દુર્ઘટનાને પગલે બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. જિબૂતીથી યમન તરફ જતા માઇગ્રન્ટ્સના જોખમી દરિયાઈ પ્રવાસ દરમિયાન બનેલી આ ઘટનાએ ફરી એકવાર ગેરકાયદે અને જોખમી સ્થળાંતરના માર્ગો પર મુસાફરી કરતા લોકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

  • 12 Oct 2026 07:55 AM (IST)

    CEC વિવાદઃ વિપક્ષી નેતાઓને મળવાનો CJI સૂર્યકાંતનો ઇનકાર, રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ કરવાની જાહેરાત

    ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સંબંધિત વિવાદ વચ્ચે વિપક્ષી ગઠબંધનને ઝટકો લાગ્યો છે. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંતે વિપક્ષી નેતાઓના પ્રતિનિધિમંડળને મળવાનો ઇનકાર કર્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ CJIને મળવા માટે સુપ્રીમ કોર્ટ તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. આ મામલે CJI સૂર્યકાંતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ પાસે વહીવટી સ્તરે કોઈ રાજકીય પક્ષના પ્રતિનિધિમંડળને મળવાની સત્તા નથી. પ્રતિનિધિમંડળ જે મુદ્દાઓ પર ચર્ચા કરવા માગે છે, તે કોર્ટમાં પહેલેથી જ વિચારાધીન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની શક્તિ અરજી દાખલ થયા બાદ તેની સુનાવણી કરીને ચુકાદો આપવાની છે. જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના દરવાજા તમામ નાગરિકો માટે 24 કલાક ખુલ્લા છે અને અદાલત દરેક નાગરિકના મૂળભૂત અધિકારોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.

  • 12 Oct 2026 07:50 AM (IST)

    વડોદરામાં કારનો કાચ તોડી રૂ.35 લાખની ચોરી, હેલ્મેટ પહેરેલા તસ્કરો રોકડ ભરેલી બેગ લઈ ફરાર

    વડોદરામાં દેણા ચોકડી પાસે કારનો કાચ તોડીને રૂ.35 લાખની રોકડની ચોરી કરવામાં આવતાં ચકચાર મચી છે. હાલોલથી વડોદરા આવી રહેલા કન્સ્ટ્રક્શન કંપનીના એન્જિનિયર આ ચોરીનો ભોગ બન્યા હતા. એન્જિનિયરે ચા-પાણી માટે કાર પાર્ક કરી હતી તે દરમિયાન હેલ્મેટ પહેરીને આવેલા તસ્કરોએ કારનો કાચ તોડ્યો હતો અને રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. બેગમાં નમો આંગડિયા પેઢીમાંથી ઉપાડેલા રૂ.30 લાખ તેમજ અગાઉની ઉઘરાણીના રૂ.5 લાખ સહિત કુલ રૂ.35 લાખની રોકડ હતી. આ રોકડનો ઉપયોગ કંપનીના કર્મચારીઓના પગાર ચૂકવવા અને સપ્લાયરોને પેમેન્ટ કરવા માટે થવાનો હતો. ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

  • 12 Oct 2026 07:44 AM (IST)

    અમદાવાદઃ મેડ સંધુ હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ, ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન

    પંજાબના અમૃતસરમાં થયેલા મેડ સંધુ હત્યા કેસમાં ગુજરાત ATS અને વલસાડ SOGને મોટી સફળતા મળી છે. બંને એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હત્યા કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત ATSએ ત્રણેય આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમને પંજાબ પોલીસને સોંપ્યા છે. ઉલ્લેખનીય છે કે, પંજાબના અમૃતસરમાં કાર વોશિંગ સેન્ટર નજીક મેડ સંધુની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી શૂટરની પણ ધરપકડ કરવામાં આવી હતી. હવે ગુજરાત ATS અને વલસાડ SOGની સંયુક્ત કાર્યવાહીથી તપાસમાં વધુ મહત્વની કડી મળી શકે છે.

  • 12 Oct 2026 07:31 AM (IST)

    ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન થયેલા હોબાળાના મામલે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પેથાપુર પોલીસ સ્ટેશનના PI એ.એમ. દેસાઈ ફરિયાદી બન્યા છે. મેવાણી પર પોલીસ સ્ટેશનમાં હોબાળો કરવા, અભદ્ર વ્યવહાર કરવા, ભડકાઉ ભાષણ આપવા અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગાંધીનગર મનપાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર યુસુફ પરમારની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં જીગ્નેશ મેવાણી સહિત 20થી વધુ લોકો પેથાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં હોબાળો થયો હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા મેવાણી સામે ફરિયાદ નોંધવામાં આવતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

Published On - 7:30 am, Mon, 12 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.