આજે 10 જુલાઈને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
2024ની લોકસભા ચૂંટણીમાં (Lok Sabha election 2024) ગુજરાતની તમામ 26 બેઠકો જંગી માર્જિન સાથે જીતવાના વિશેષ અભિયાનના શ્રીગણેશ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મધ્ય ગુજરાતથી કરી દીધા છે. આમ તો મોદી શાસનના નવ વર્ષની યશગાથા લોકો સુધી પહોંચાડવાના ખાસ અભિયાન અંતર્ગત પંચમહાલ ખાતે જનસભા અને વડોદરા ખાતે કાર્યકર્તા સંમેલન સાથે વડોદરાના શ્રેષ્ઠીઓ સાથે સંવાદનું આયોજન કર્યું હતું, પરંતુ મુખ્ય ઉદ્દેશ્ય 2024 ની લોકસભાનો ચૂંટણી જંગ જંગી બેઠકો અને જંગી માર્જિન થી જીતવાના અભિયાનને ગતિ આપવાનો હતો.
જો પંચમહાલની સભા અને વડોદરા ના બે અગાઉ થી જાહેર કાર્યક્રમો કાર્યકર્તા સંવાદ, અને પ્રબુદ્ધ નાગરિક સંવાદ સુધી જેપી નડ્ડાનો પ્રવાસ સીમિત હોત તો મોદી શાસનના 9 વર્ષની ઉજવણીની શૃંખલાના ભાગ રૂપેજ નડ્ડાનો પ્રવાસ કહેવાતો, પરંતુ વડોદરા ખાતે પાટણ લોકસભાના હોદ્દેદારો સાથે બંધ બારણે વિશેષ બેઠક કરી હતી.
ચકચારી ગોત્રી બળાત્કાર કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ વિરુદ્ધનો કેસ રદ કરીને સમગ્ર ફરિયાદ ક્વોશ કરવાની સાથે રાજુ ભટ્ટને જેલ મુક્ત કરવાનો આજ રોજ આદેશ હાઈકોર્ટે કર્યો. તમને જણાવી દઈએ કે આરોપી રાજુ ભટ્ટ સપ્ટેમ્બર 2021માં ધરપકડ થતાં જેલમાં છે જે હવે જેલમુક્ત થશે.
Delhi: રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક સ્થળોએ અવિરત વરસાદ, જળબંબાકાર અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદને જોતા સાવચેતી માટે શાળાઓ અને ઘણી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી રહી છે. આવતીકાલે અને મંગળવારે પણ દિલ્હીમાં શાળાઓ બંધ રહેશે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં ભારે વરસાદને જોતા નર્સરીથી 5મી સુધીની શાળાઓમાં રજા રહેશે. તેવી જ રીતે ઉત્તરાખંડમાં 1 થી 12 સુધીની તમામ સરકારી અને બિન સરકારી શાળાઓ અને કોલેજો આવતીકાલે બંધ રાખવામાં આવી છે.
રાજ્યમાં સતત વરસાદી માહોલને (Rainy weather)કારણે ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે. મહત્વનું છે કે રાજયના 70 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના તલોદમાં સાડા પાંચ ઈંચ જોકે સાબરકાંઠાના ઈડરમાં પણ 5 ઈંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લી, વિસગનર, ધનસુરા, મહેસાણામાં 4 ઈંચ વરસાદ થયો છે. બનાસકાંઠાના દાંતા અને પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. મહીસાગરમાં પણ 3 ઈંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લીમાં સાડા ત્રણ ઈંચ અને જૂનાગઢમાં વિસાવદરમાં 3 ઈંચ વરસાદ, સુરતમાં 2 ઈંચ, દાહોદમાં 2 ઈંચ તાપીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
Rajkot: રાજકોટ જિલ્લાના શાપર પોલીસની ટીમે પડવલા ખાતેથી ગત 18 જૂને આયુર્વેદિક સીરપના નામે નશાકારક સીરપ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. જેમાં ગોડાઉનમાંથી નશાકારક સીરપની 4850 બોટલ મળીને કુલ 6.43 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જે બનાવમાં પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધીને એક શખ્સને ઝડપી પાડયો છે અને 5 શખ્સોને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના જ્યુબેલી શાકમાર્કેટમાં શાકભાજી લેવા જાવ તો ધ્યાન રાખજો નહીંતર તમે બિમાર પડી શકો છે. રાજકોટ મનપાની ઘોર બેદરકારીના કારણે જ્યુબેલી શાકમાર્કેટમાં મચ્છરોના ત્રાસથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. મનપા સંચાલિત વર્ષો જૂના જ્યુબેલી શાકમાર્કેટમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. શાક માર્કેટના સેલરમાં વરસાદી પાણી ભરાવાથી ગંદકીની સમસ્યા સર્જાઈ છે.
મચ્છરોનો ઉપદ્રવના કારણે વેપારીઓ ધુમાડો કરીને મચ્છરોને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક તરફ મનપા મચ્છરોના બ્રિડીંગને લઇને ખાનગી સ્થળોએ નોટિસ આપે છે. ત્યારે અહીંયા શાકમાર્કેટમાં જ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા આ મચ્છરના ઉપદ્રવને રોકવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
PM મોદીએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યપ્રધાનો સાથે રાજ્યમાં વરસાદ સંબંધિત પરિસ્થિતિ વિશે કરી વાતચીત
PM Modi speaks with the chief ministers of Himachal Pradesh and Uttarakhand about the situation related to rainfall in their states. The PM assured all help and support to the affected states from GoI: Sources
(file photo) pic.twitter.com/jn7qNCTsqR
— ANI (@ANI) July 10, 2023
સંસદના ચોમાસુ સત્ર પહેલા NDAની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 19 જુલાઈએ NDAના તમામ નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે. એનડીએ ફ્લોર લીડર્સની બેઠક 19 જુલાઈએ સાંજે 5.30 કલાકે સંસદ ભવનમાં યોજાશે. તે પહેલા સંસદીય કાર્ય મંત્રીએ સરકાર વતી 3 વાગે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે શ્રીનગરની એક ખાનગી હોટલમાંથી પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન JKALF સહિત કેટલાક અલગતાવાદી સંગઠન હુર્રિયત નેતાઓની અટકાયત કરી હતી.
પાકિસ્તાનથી (Pakistan) ભારત આવેલી સીમા હૈદર (Seema Haider) છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સીમાએ પોલીસને જણાવ્યું હતું કે, તેનો ભાઈ પાકિસ્તાન આર્મીમાં છે. આ વાતની જાણ થતા જ પોલીસે તેના સમગ્ર પરિવારની કુંડળી કાઢવાનું શરૂ કર્યું છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે સીમાનો ભાઈ ખરેખર પાકિસ્તાન આર્મીમાં છે કે કેમ? જો એવું હોય તો, તે કઈ પોસ્ટ પર અને ક્યારથી તેમજ હાલમાં તેનું પોસ્ટીંગ ક્યા વિસ્તારમાં છે?
હાલમાં પોલીસ એવા લોકોને પણ શોધી રહી છે જેમણે પાકિસ્તાનથી નેપાળ અને પછી ભારત આવવામાં સીમાની મદદ કરી છે. જાસૂસીના પુરાવા ન મળતા કોર્ટે સીમાને જામીન આપ્યા છે, પરંતુ પોલીસ તપાસ ચાલુ છે. કોર્ટે આપેલા શરતી જામીનના આધારે સીમા ગ્રેટર નોઈડાના હાલના સરનામાંથી બીજે ક્યાંય જઈ શકતી નથી અને જો તેણે ક્યાંય જવું હોય તો કોર્ટની મંજૂરી લેવી પડશે.
UP: લખનૌ-વારાણસી હાઈવે (Lucknow-Varanasi Highway) પર એક મોટો માર્ગ અકસ્માત (accident) સર્જાયો છે. અકસ્માતમાં માસૂમ બાળકી, ત્રણ મહિલા સહિત 8ના મોત થયા છે. ત્યારે અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના લીલાપુર પોલીસ સ્ટેશનના મોહનગંજ બજારની છે. મળતી માહિતી મુજબ એક ઝડપી ટેન્કરના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને ટેમ્પોને ટક્કર મારી અને ટેમ્પોમાં સવાર લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત બાદ ટેન્કર પણ પલટી ગયું હતું. ટેન્કરમાંથી ગેસ લીકેજ પણ થવાની માહિતી સામે આવી રહી છે.
પોલીસે ઘટનાસ્થળે સ્થાનિક લોકોની મદદથી તમામને મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે. મેડિકલ કોલેજની ઈમરજન્સીમાં અવ્યવસ્થાના કારણે ન તો સ્ટ્રેચર કે વોર્ડબોય સમયસર ઉપલબ્ધ હતા. પોલીસ, પત્રકારો અને સ્થાનિક લોકોએ ઘાયલોને વાહનોમાંથી બહાર કાઢ્યા અને ઈમરજન્સીમાં દાખલ કર્યા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ત્યારે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.
Kolkata: સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો રાખવાના આરોપમાં પંચાયત ચૂંટણીમાં તૃણમૂલના (TMC) ઉમેદવારની ધરપકડ કરી છે. આ ઘટના સોમવારે બીરભૂમના નલહાટીમાં બની હતી. સોમવારે તૃણમૂલ ઉમેદવારને નલહાટી પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ એજન્સીએ તેની ધરપકડ કરી હતી. અધિકારીઓ દ્વારા લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
ધરપકડ કરાયેલા TMC ઉમેદવારનું નામ મનોજ ઘોષ છે. મનોજ ઘોષ બીરભૂમના નલહાટી-1 બ્લોકની બનિયાર પંચાયતના બહાદુરપુર ગામનો રહેવાસી છે. આ વખતે તે પંચાયત ચૂંટણીમાં તૃણમૂલનો ઉમેદવાર છે. NIAએની ટીમે તેને સોમવારે નલહાટી પોલીસ સ્ટેશન બોલાવ્યો. તેની અધિકારીઓ દ્વારા લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
Ahmedabad : કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદની સામાન્ય વરસાદે (Rain) જ પોલ ખોલી નાખી છે. વરસાદ બાદ અમદાવાદના રોડ પર નીકળવું એટલે જોખમથી ઓછું નથી. જ્યાં સુધી તમે ઘરની બહાર છો ત્યાં સુધી તમારા જીવ પર ખતરો જ છે. નારોલ વિસ્તારમાં વરસાદ બાદ રસ્તાની એવી હાલત થઇ છે કે તમને ત્યાં ગયા પછી એવો અનુભવ થાય કે આ કોઇ સ્માર્ટ સિટીના નહીં પણ કોઇ ગામડાના રસ્તા હશે. નારોલના હાઇફાઇ વિસ્તારમાં (hifi area) મસમોટા ખાડા પડ્યાં છે. રસ્તા પર ખાડો છે કે ખાડામાં રસ્તો તે કહેવું પણ મુશ્કેલ બન્યું છે.
નારોલના હાઇફાઇ વિસ્તારમાં રસ્તા પર એક બે નહીં પરંતુ 20 ફૂટ પહોંળા અને 10 ફૂટ લાંબા ખાડા પડી ગયા છે. જેને કારણે સ્થાનિકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સામાન્ય વરસાદમાં જ રસ્તાની ખસ્તા હાલત થતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો અકસ્માતનો પણ ભોગ બની રહ્યાં છે.
રાજ્યસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઇ ચૂક્યું છે અને વિદેશ પ્રધાન એસ. જયશંકરે (S. Jaishankar) પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ગુજરાતની (Gujarat) રાજ્યસભાની 3 બેઠકો માટે ભાજપ (BJP) વતીથી વિદેશ પ્રધાન એસ.જયશંકરે ફોર્મ ભર્યું છે. વિધાનસભા ખાતે સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ સહિત 10 ટેકેદારોની હાજરીમાં જયશંકરે ઉમેદવારી નોંધાવી. પત્રકારો સાથેની વાતચીતમાં જયશંકરે ફરીવાર ગુજરાતમાંથી ઉમેદવારી કરવાની તક મળવા બદલ, પીએમ મોદીનો આભાર માન્યો હતો.
આ સાથે જ ગુજરાત સાથે જોડાયેલા રહેવાનું સૌભાગ્ય મળ્યાની પણ વાત કરી હતી. જયશંકરે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, પાછલા 4 વર્ષમાં ગુજરાત પાસેથી ઘણુ શીખવા મળ્યું છે અને ગુજરાતના વિકાસની માત્ર દેશમાં નહીં વિશ્વમાં પણ ચર્ચા છે. તેમણે કહ્યુ કે, વિદેશ મંત્રી ગુજરાતમાંથી સંસદ સભ્ય હોય તો તેના માટે એક પ્લસ પોઈન્ટ બની જાય છે.
સંસદના ચોમાસુ સત્ર પહેલા NDAની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 19 જુલાઈએ NDAના તમામ નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે. NDA ફ્લોર લીડર્સની બેઠક 19 જુલાઈના રોજ સાંજે 5:30 કલાકે સંસદ ભવનમાં યોજાશે. તે પહેલા સંસદીય કાર્ય મંત્રીએ સરકાર વતી બપોરે 3 વાગે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
આજે સોમવારે વહેલી સવારથી રાજ્યમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે. જો કે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આજે ગુજરાતના માત્ર ત્રણ જિલ્લામા ઓરેન્જ એલર્ટ અપાયું છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર એમ ત્રણ જિલ્લામાં જ ઓરેન્જ એલર્ટ અપાયુ છે. ઓરેન્જ એલર્ટ અપાયેલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ,પાટણમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાતના જળાશયોમાં સગ્રંહાયેલા પાણીની સ્થિતિની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતના 15 જળાશયો કુલ સંગ્રહના 52.85 ટકા પાણી ભરાયેલુ છે. તો મધ્ય ગુજરાતના 17 જળાશયો 29.78 ટકા ભરાયા છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમ પાણીથી 35.57 ટકા ભરાયા છે. જેમાંથી એક ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાઇ ગયો છે. કચ્છના 20 જળાશયો 63.70 ટકા ભરાઇ ગયા છે. જેમાંથી 7 ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે. સૌરાષ્ટ્ર 141 જળાશયો 57.56 ટકા પાણીથી ભરાયા છે. જેમાંથી 18 ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે. સરદાર સરોવર નર્મદા ડેમની વાત કરીએ તો તે તેની જળ ક્ષમતાના 58.08 ટકા ભરાયો છે.
રામબન ખાતે જમ્મુ-શ્રીનગર હાઈવેના એક ભાગને ભારે નુકસાન થવાને કારણે જમ્મુથી આગળ અમરનાથ યાત્રા સોમવારે સતત ત્રીજા દિવસે સ્થગિત રહી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પમાં 6,000 થી વધુ યાત્રાળુઓ ફસાયેલા છે, જ્યારે 5,000 થી વધુ યાત્રાળુઓ રામબન જિલ્લાના ચંદ્રકોટ બેઝ કેમ્પમાં ફસાયેલા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ એક અધિકારીને ટાંકિને અહેવાલમાં જણાવ્યું છે કે, ‘હાઈવે પર ખરાબ સ્થિતિને કારણે જમ્મુથી આગળની યાત્રા સ્થગિત કરવામાં આવી છે. કાશ્મીર માટે જમ્મુ બેઝ કેમ્પમાંથી આજે કોઈ નવી બેચને જવા દેવામાં આવી નથી.
હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમા વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા, હિંમતનગરના પાલિકા રોડ, ટાવર રોડ, કાંકણોલ રોડ, મહાવીરનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. તો અરવલ્લીમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. અરવલ્લીના ધનસુરા અને બાયડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસામાં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.
સમગ્ર ઉતર ગુજરાતમાં સારો અને નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદ વરસ્યો હતો. જેના કારણે અંબાજીના બજારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. અંબાજીમાં વરસેલા વરસાદને પગલે, પાલનપુર હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે વાહનચાલકો સહીતના લોકોને પારાવાર મુશ્કેલી અનુભવવી પડી હતી.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે, સાબરકાંઠા વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદે ક્યાક તબાહી મચાવી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થવા પામ્યા હતા. સાબરકાંઠાના તલોદ પથંકમાં પોણા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.
ઈસ્લામિક સ્ટેટના અલ-મુહાજિર પર અમેરિકાએ ડ્રોનથી હુમલો કર્યો છે. અમેરિકાને મળેલ ચોક્કસ બાતમીના આધારે, શનિવારે અમેરિકાએ ઈસ્લામિક સ્ટેટના અલ-મુહાજિર ઉપર ડ્રોન વડે હુમલો કરીને તેનો ખાત્મો બોલાવી દીધો છે. આ અગાઉ અમેરિકાએ ઈસ્લામિક સ્ટેટના બે વડાઓને પણ ડ્રોન હુમલાથી મારી નાખ્યાં હતા.
અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં વરસાદને કારણે 3 માળનું જૂનુ મકાન ધરાશાયી થયું છે. મકાનના કાટમાળમાં ચાર વ્યક્તિઓ દટાયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જેમાંથી ત્રણ વ્યક્તિઓને બચાવી લેવાયા હોવાનું કહેવાય છે. હજુ પણ એક વ્યક્તિ કાટમાળમાં દટાયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે.
ગુજરાતમાં રવિવાર સવારના 6 વાગ્યાથી સોમવાર સવારના 6 વાગ્યા સુધીમાં 33 જિલ્લાના 245 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસેલા સાર્વત્રિક વરસાદથી વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં 43.77 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં 112 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ઉતર ગુજરાતમાં 45 ટકા, પૂર્વ ગુજરાતમાં 30 ટકા, સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. દર વર્ષે ચોમાસામાં જ્યા સૌથી વધુ વરસાદ વરસે છે તેવા દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 32 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
જમ્મુ કાશ્મીરના ડોડામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 4.9ની નોંધાઈ હતી. જમ્મુ કાશ્મીરમાં આજે વહેલી સવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો બીજો આંચકો ચિનાબની ખીણ પ્રદેશમાં અનુભવાયો હતો. ભૂકંપના કારણે જાનમાલને નુકસાનના કોઈ અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી.
ઉત્તર-મધ્ય નાઇજિરીયાના અંતરિયાળ વિસ્તારમાં, બંદૂકધારીઓએ 24 ગ્રામવાસીઓને ગોળી મારીને મારી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. બેનુ રાજ્યના ગવર્નરના પ્રવક્તા તેરસુ કુલાના જણાવ્યા અનુસાર, બંદૂકધારીઓ શનિવારે બેનુ રાજ્યના ઉકુમ જિલ્લાના અકપુના ગામમાં પહોંચ્યા અને ગ્રામજનોને ગોળી મારીને ભાગી ગયા હતા. પોલીસે આ હિચકારા હુમલા માટે “મિલિશિયા ગેંગ”ને જવાબદાર ઠેરવી છે. “મિલિશિયા ગેંગ્સ” નાઇજીરીયાના ઉત્તરપશ્ચિમ અને મધ્ય નાઇજીરીયાના પ્રદેશોમાં કાર્યરત સશસ્ત્ર જૂથ છે. ગયા વર્ષે આ વિસ્તારોમાં સશસ્ત્ર હિંસામાં હજારો લોકો માર્યા ગયા હતા.
ગુજરાતમાંથી ખાલી પડેલી રાજ્યસભાની ત્રણ બેઠક માટેની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી માટે વિદેશ પ્રધાન એસ જયશંકર આજે ગુજરાત વિધાનસભા ખાતે તેમની ઉમેદવારી નોંધાવશે. એસ. જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા છે. તેઓ બીજીવાર ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય બનશે. રાજ્યસભાના ત્રણ સભ્યો માટે જાહેર થયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના ઉમેદવારીપત્ર માન્ય ઠરવાની સાથે જ બિનહરીફ વિજેતા જાહેર થશે, કારણ કે કોંગ્રેસ પાસે રાજ્યસભાની ચૂંટણીમાં જીત માટે જરૂરી મત નથી. ગુજાત વિધાનસભામાં કોંગ્રેસના માત્ર 15 જ ધારાસભ્યો વિજેતા બન્યા હોવાથી તેમના ઉમેદવાર જીતી શકે તેમ ના હોવાથી રાજ્યસભામાં કોંગ્રેસ ઉમેદવારી નોંધાવવાનો ઈન્કાર કર્યો છે.
Published On - 6:42 am, Mon, 10 July 23