
આજે 06 નવેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
મોરબીના પીપળી રોડ પર પાવર સ્ટેશનમાં આગ ભભૂકી ઉઠી છે. ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા વિકરાળ આગ લાગી. પીપળી રોડ તેમજ આજુબાજુના મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ફાયર ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કરાયા છે. આગને કારણે મોરબીના 66 કેવીના મોટાભાગના ટ્રાન્સફોર્મર બંધ થયા છે.
સુરત જિલ્લાના વન વિભાગના મહિલા અધિકારીને ગોળી વાગી છે. જો કે એક વાત એવી પણ સામે આવી છે કે, મહિલા RFO એ આપઘાતનો પ્રયાસ કર્યા હતો. કામરેજ જોખા રોડ ઉપર RFO સોનલ બેન સોલંકીને ગોળી વાગતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ગોળી કઈ રીતે વાગી તેને લઈને પોલીસ શંકા સેવી રહી છે. ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ સ્થળ પર દોડી ગઈ છે. RFO સોનલ બેન સોલંકી એ, બે દિવસ અગાઉ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી હતી. પતિ પત્ની વચ્ચે છેલ્લા લાંબા સમયથી તકરાર ચાલતી હતી. સોનલ બેનનો પતિ પાલ RTO ઇસ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.
જૂનાગઢ ભારતી આશ્રમના હરિહરાનંદ બાપુએ જાહેર કર્યું છે કે, મહાદેવ ભારતીબાપુને તમામ હોદ્દાઓ ઉપરથી દૂર કરવામાં આવ્યા છે. મારા માટે તમામ શિષ્યો એક સમાન હોવાનું હરિહરાનંદબાપુએ જણાવ્યું છે. એ મને ગુરુ તરીકે સ્વીકારે કે ન સ્વીકારે તેને હું શિષ્ય તરીકે સ્વીકારું. મેં તેમને હાલ લઘુમહંત હોદા ઉપરથી દૂર કર્યા છે. કોઈ શિષ્યોને દુઃખના થાય તે માટે મેં પગલું ભર્યું છે. મહામંડલેશ્વર પદ ઉપરથી અખાડા પરિષદ દૂર કરી શકે. મારા તમામ આશ્રમ ના નિર્ણય હું લઈશ, કોઈ શિષ્ય નહીં લઈ શકે. ત્રણ દિવસથી વધારે મારા આશ્રમમાં કોઈ શિષ્યએ રોકાવાનું નહીં. સરખેજ સનાથલ આશ્રમનું વીલ મારા નામનુ છે. મહાદેવ ભારતી સાથે મારે કોઈ વાત થઈ નથી, ગુમ થવા ના મામલે મને કઈ ખબર નથી, તેમ હરિહરાનંદે જણાવ્યું હતું.
અમદાવાદમાં રોજબરોજ ડોગ બાઈટનાં વધતા જતા કિસ્સાને ધ્યાને લઇને મહાનગરપાલિકાએ કુતરાઓ માટે 2 હોસ્ટેલ ઊભી કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે પણ કુતરા કરડવાનો બનાવ બને ત્યારે આ હોસ્ટેલમાં તે કુતરાને 15 દિવસ રાખવામાં આવશે. 15 દિવસ દરમિયાન કૂતરાને સારવાર આપીને નોર્મલ થાય ત્યાર બાદ જે તે સ્થળે પરત છોડવામાં આવશે. તો બીજી તરફ UHC – CHCમાં પણ ડોગ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અમરેલીમાં પાક નિષ્ફળ જવાના મુદ્દે કોંગ્રેસે યોજેલ કાર્યક્રમમાં સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુઘાતે, ધારાસભ્ય મહેશ કસવાલાને ખુલ્લી ચેતવણી આપી. સાવરકુંડલા કોંગ્રેસદ્વારા આયોજીત પ્રતીક ધરણા સભામાં પ્રતાપ દૂધાતે હુંકાર કર્યો છે. સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાળાને ચેતવણી સાથે પડકાર ફેક્યો છે. લીલીયા કોંગ્રેસ સભામાં આવેલ વ્યક્તિ સાથે મહેશ કસવાળાનું રેકોર્ડિંગ પ્રતાપ દુધાતએ જાહેર કર્યું. જાહેર સભામાં પ્રતાપ દુધાત દ્વારા સોશ્યલ મીડિયામાં માઇક મારફતે સંભળાવ્યું છે. મહેશ કસવાળા તમે સાંભળી લેજો તમે મારા માણસોને દબાવવાનું શરૂ કર્યું છે મને એમ હતું તમે સુધરી ગયા હશો પણ તમે નહીં સુધારો.
બિહારમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 60.13% મતદાન નોંધાયું છે. બેગુસરાયમાં 67.32 ટકા, ભોજપુરમાં 53.24 ટકા, બક્સરમાં 55.10 ટકા, દરભંગામાં 58.38 ટકા, ગોપાલગંજમાં 64.96 ટકા, ખાગરિયામાં 60.65 ટકા, લખીસરાયમાં 62.76 ટકા, મધેપુરામાં 65.74 ટકા, મુંગેરમાં 54.90 ટકા, મુઝફ્ફરપુરમાં 64.63 ટકા, નાલંદામાં 57.58 ટકા, પટણામાં 55.02 ટકા, સહરસામાં 62.65 ટકા, સમસ્તીપુરમાં 66.65 ટકા, સારણમાં 60.90 ટકા, શેખપુરામાં 52.36 ટકા, સિવાનમાં 57.41 ટકા, વૈશાલી જિલ્લામાં 59.45 ટકા મતદાન થયું છે.
અમરેલીમાં કમોસમી વરસાદ કારણે ખેડૂતોનો પાક નિષ્ફ્ળ ગયા બાદ કોંગ્રેસ આક્રમણ બન્યું છે. સાવરકુંડલા કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણા યોજવા સાથે જાહેર સભા યોજી સરકારને ઘેરી હતી. વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહીત નેતાઓ ધરણામાં જોડાયા હતા. સાવરકુંડલા ભાજપના ગઢમાં ખેડૂતોની સૌથી મોટી સંખ્યામાં જોડાયા હોવાનો દાવો પણ કરાયો છે. બળદગાડામાં કપાસ ભરીને અનોખી રીતે વિરોધ દર્શાવ્યો. બળદગાડામાં બેસી પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી કોંગ્રેસ નેતાઓ આવેદન પત્ર આપવા પહોચ્યા હતા.
પાટણના સાંસદ ગેનીબેન ઠાકોરના એક નિવેદને ભારે વિવાદ સર્જયો છે. ગેનીબેન ઠાકોરે, ઠાકોર સમાજના એક કાર્યક્રમમાં એવુ નિવેદન કર્યું હતું કે, લુખ્ખાઓને સ્ટેજ પર સ્થાન નહીં આપવું. છાત્રાલયના ભુમિ પૂજન કાર્યક્રમમાં હાજર રહેલ સાંસદ ગેનીબેન ઠાકોરે, સમાજના ટીકાકાર નેતાઓને ટાંકીને આ નિવેદન કર્યુ હતુ. ભૂમિ પૂજન કાર્યક્રમમાં ઠાકોર સમાજના તમામ પક્ષોના આગેવાનો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, ભાજપ જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ સહિતના નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. ભૂમિ પૂજન કાર્યક્રમમાં ઠાકોર સમાજના કેટલાક નેતાઓની સૂચક ગેરહાજરીથી રાજકારણ ગરમાયું હતું. ગેરહાજર રહેલા સમાજના નેતાઓને ટાંકીને ગેનીબેનનું વિવાદાસ્પદ નિવેદન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અબડાસાના સણોસરા પાસે ભુજ નલિયા રૂટની એસટી બસને અકસ્માત નડ્યો છે. ભુજ નલિયા રૂટની બસ પલટી મારી ગઈ છે. એસટી બસ પલટી જતા 5 લોકો ઘવાયા હતા. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
નવસારીના ડાભેલ ખાતે કુખ્યાત સલમાન લસ્સી પકડાયા છે. જો કે, તેને પકડવા ગયેલ પોલીસ પર સલમાને હુમલો કર્યો હતો. સુરતના હત્યા સહિતના ગુનામાં વોન્ટેડ રીઢો ગુનેગાર સલમાન લસ્સીએ પકડવા આવેલ સુરત DCB ના PI પી. કે. સોઢા ઉપર ચપ્પુથી કર્યો હતો હુમલો. બચાવમાં PI પી. કે. સોઢાએ સલમાનના પગમાં ફાયરિંગ કરી દબોચ્યો હતો. સલમાન લસ્સી દ્વારા પોલીસ ઉપર કરવામાં આવેલા હુમલામાં નવસારીના મરોલીમાં પોલીસ મથકે નોંધાયો ગુનો. પોલીસે સલમાન ઉર્ફે લસ્સી સલીમ મિર્ઝા સામે હત્યાના પ્રયાસનો નોંધ્યો ગુનો. આરોપી સલમાન લસ્સીની સારવાર બાદ નવસારી પોલીસ તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરશે.
જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં ચોરી કરવાનો પ્રયાસ કરનારા તસ્કરોને સ્થાનિક લોકોએ ચતુરાઈથી પકડી પાડ્યા. માહિતી મુજબ, મોડી રાત્રે ત્રિપુટી તસ્કર મકાનમાં ઘૂસવાના પ્રયાસમાં હતા, ત્યારે પાડોશીઓને શંકા જતા તેમણે તાત્કાલિક એકત્ર થઈ કાર્યવાહી કરી. ત્રણમાંથી એક તસ્કરને લોકોએ દબોચી લીધો અને તેને છોડવા બદલે “મેથીપાક” ચખાડીને પોલીસના હવાલે કર્યો. બાકી બે તસ્કર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા. હાલ પોલીસે ફરાર તસ્કરોની શોધખોળ શરૂ કરી છે અને CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોની સતર્કતાથી મોટી ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો.
રાજકોટઃ માવઠાથી પાક નુકસાનીનો સરવે પૂર્ણ કરાયો. કલેક્ટરની અધ્યક્ષતામાં 102 ટીમો દ્વારા કામગીરી શરૂ કરાઇ હતી. વહીવટી તંત્રએ સરવે પૂર્ણ કરી સરકારમાં રિપોર્ટ મોકલ્યો. રિપોર્ટના આધારે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરશે.
અમદાવાદ: રાણીપમાં જ્વેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. લૂંટ કરવા મહિલાએ જ્વેલરના માલિકની આંખમાં મરચુ ફેક્યું. જ્વેલરના માલિકે મહિલાને પકડીને લાફા ઝીંકી થતા ફરાર થઈ.
ખરીદી કરવા બહાને આવી હતી મહિલા, ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે મહિલાની શોધખોળ શરૂ કરી.
જામનગર: સિક્કામાં ઓઈલ મીલ ધરાવતા ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. મહિલાને ઠંડા પીણામાં નશીલો પદાર્થ ભેળવી બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ છે. દુષ્કર્મ આચરીને વીડિયો બનાવી મહિલાને બ્લેકમેલ કરતો હોવાનો પણ આરોપ છે. વારંવાર દુષ્કર્મ આચરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનો પણ દાવો છે. ફાઇનાન્સ કંપનીમાં કામ કરતી મહિલાએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોતાની કારમાં એક વિલામાં લઈ જઈ કુકર્મ આચર્યું હોવાનો મહિલાનો આરોપ છે.
વલસાડ: ભાજપ અને કોંગેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઇ. મનપા દ્વારા આયોજીત ખાતમુહૂર્તના કાર્યક્રમમાં બબાલ થઇ. મોગવાડી ખાતે રસ્તાના ખાતમુહૂર્ત દરમિયાન ઝપાઝપી થઇ. ખાતમુહૂર્ત દરમિયાન કોંગ્રેસે સવાલ પૂછતા વિવાદ વકર્યો. 12 મીટરનો રસ્તો મંજૂર છતાં 9 મીટરના રસ્તાનું કામ થવા અંગે સવાલ પૂછ્યો. કોંગ્રેસના સવાલો બાદ પ્રમુખે ચાલતી પકડતા વિવાદ વકર્યો
જેતપુર-પોરબંદર હાઇવે પર ગુંદાળા નજીક એક એસટી બસ પલટી જવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, ડ્રાઇવરને અચાનક ચક્કર આવતાં બસ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ પુલની રેલિંગ તોડી નીચે ખાબકી હતી. ઢાંક-જેતપુર રૂટ પર દોડતી આ બસમાં લગભગ 17 મુસાફરો સવાર હતા. અકસ્માતમાં કુલ 13 મુસાફરોને ઇજા પહોંચી છે. જેમાંથી 6 ઇજાગ્રસ્તોને ધોરાજી હોસ્પિટલમાં અને 7 ઇજાગ્રસ્તોને જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી. હાલ ઇજાગ્રસ્તોને તબીબી સારવાર આપવામાં આવી રહી છે અને બસ ડ્રાઇવરનાં સ્વાસ્થ્ય અંગે પણ તપાસ ચાલી રહી છે.
ગીર-સોમનાથઃ સોમનાથથી દ્વારકા સુધી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા. આક્રોશ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસ આગેવાન જોડાયા.આજથી શરૂ થયેલી આક્રોશ યાત્રા 13 નવેમ્બર સુધી ચાલશે. 10 જિલ્લાને આવરી લઈને 900 કિમીના રૂટ પર ખેડૂત આક્રોશ યાત્રા ચાલશે.ટેકાના ભાવે ખરીદી, રાહત પેકેજ સહિતના મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન. ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા કોંગ્રેસની માગણી છે.
સુરતના સૈયદપુરા વિસ્તારમાં એક હૃદયવિદારક ઘટના સામે આવી છે. શ્વાનના ટોળાએ એક યુવક પર હુમલો કર્યો હતો. શ્વાનોથી બચવા યુવકે દોડ લગાવી, પરંતુ દોડતી વખતે તે પડી ગયો અને ગંભીર રીતે ઘાયલ થયો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને આક્રોશ ફેલાવ્યો છે. સ્થાનિક લોકો તંત્રને શ્વાનના ત્રાસથી મુક્તિ માટે પગલાં લેવા માંગ કરી રહ્યા છે.
ભાવનગરની હવાઈ સેવા બંધ થવાના કારણે નાગરિકો અને વેપારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. 9 જૂનથી કોઈ આગોતરા આયોજન વિના એર કનેક્ટિવિટી બંધ થતા ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સે આક્રોશ વ્યક્ત કર્યો છે. ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારને રૂબરૂ અને પત્ર દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ પરિણામલક્ષી પગલા લેવાયા નથી. મુંબઈ અને પૂણે માટેની ફ્લાઈટ્સ અચાનક બંધ થતા વેપાર અને ઉદ્યોગકારો સહિત આશરે 20 લાખ જેટલા લોકોને હાલાકી ભોગવવવી પડી રહી છે.
અમદાવાદ: પાલતુ શ્વાનનો માસૂમ બાળક પર હુમલો. શ્વાન બાળકને કરડી જતા શ્વાન માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ. ન્યૂ મણિનગરના શરણમ એલીગન્સનો આ બનાવ છે. સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થયો. રામોલ પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી.
અમરેલી: બાબરાના ફુલઝર ગામે જૂથ અથડામણમાં 1નું મોત, 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફુલઝર ગામ હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. હત્યા અને હત્યાના પ્રયાસ સહિતની ફરિયાદ દાખલ થશે. આરોપીઓને ઝડપવા માટે તજવીજ હાથ ધરાઈ. લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવા મામલે બબાલ થઈ હતી. SP અને DySPના કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
જુનાગઢ: કેશોદ શહેરમાં સેન્ટ્રલ જીએસટી ટીમે દરોડા પાડ્યા છે. અલગ-અલગ પેઢીઓ પર જીએસટી ટીમે દરોડા પાડ્યા છે. પાનના ગલ્લા અને કરિયાણાની હોલસેલ પેઢીઓ પર તપાસ હાથ ધરાઈ. અન્ય રાજ્યોમાંથી આવતી સોપારીના સ્ટોકને લઈ તપાસ કરાઈ. સ્ટોકનું વેરીફિકેશન કરવામાં આવતું હોવાનું અધિકારીનું નિવેદન છે.
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 121 વિધાનસભા બેઠકો માટે ગુરુવારે મતદાન શરૂ થયું. મતદાન શરૂ થયાના થોડા સમય પછી, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, તેમની પત્ની રાજશ્રી યાદવ અને તેમના સમગ્ર પરિવાર સાથે, પટનાના એક મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી પણ હાજર હતા.
#WATCH | Patna: Former Bihar CM and RJD Supremo Lalu Prasad Yadav, his wife and former CM Rabri Devi, RJD leader and Mahagathbandhan’s CM face Tejashwi Yadav, his wife, Rajshree Yadav, RJD leaders Misa Bharti and Rohini Acharya show their inked fingers after casting their votes… pic.twitter.com/gs4MdDN4k1
— ANI (@ANI) November 6, 2025
સુરત ગ્રામ્યમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છે. ધુમ્મસની ચાદર પથરાતા વાહનચાલકોને હાલાકી થઇ રહી છે. સમગ્ર સુરત જિલ્લામાં ધુમ્મસ છવાયું છે. વાહનચાલકોએ હેડલાઇટ શરૂ કરી જવાની નોબત આવી. ધુમ્મસથી વિઝીબિલીટી ઓછી થતાં અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.
ક્રાઈમબ્રાન્ચને બાતમી મળી હતી કે ભેસ્તાન હત્યા પ્રકરણમાં સંડોવાયેલો સલામન લસ્સી નવસારીના મરોલીમાં છૂપાયેલો છે, એ બાતમીના આધેર ક્રાઈમબ્રાન્ચની વેસ્મા ગામના આસિયાના ફળિયામાં પહોંચી હતી. ત્યારે ધરપકડથી બચવા આરોપીએ ક્રાઈમબ્રાન્ચના જવાન પર ચપ્પુ વડે હુમલો કર્યો, ત્યારબાદ પીઆઈએ સ્વબચાવમાં આરોપીને પગે ગોળી મારી હતી. આ આરોપી ડીંડોલી, લિંબાયત અને ભેસ્તાન વિસ્તારમાં આંતકનો પર્યાય બની ગયો હતો.
વડોદરાની સૌથી મોટી SSG હોસ્પિટલમાં બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના તાત્કાલિક વોર્ડમાં વીજ વિક્ષેપથી પરેશાની થઇ રહી છે. દર્દીઓની સુવિધા માટે નવો 16 બેડનો તાત્કાલિક વોર્ડ શરૂ કરાયો હતો. જનરેટરના અભાવે વીજ પુરવઠો ખોરવાતા દર્દીઓને હાલાકી થઇ રહી છે. બેટરીના સહારે તબીબો સારવાર કરવા મજબૂર બન્યા છે.
અમરેલી: બાબરાના ફુલઝર ગામે જૂથ અથડામણમાં એકનું મોત થયુ છે. લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેકટર અડી જવાના બાબતે બબાલ થઇ. બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે અલગ અલગ જ્ઞાતિના જૂથ બાખડ્યા. જૂથ અથડામણમાં 9 થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તો ગોંડલ અને બાબરા અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. SP સંજય ખરાત અને DySP ચિરાગ દેસાઈ સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતા ફુલઝર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. બંને જૂથો વચ્ચેની સામ સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ થઇ.
પ્રથમ તબક્કામાં અનેક દિગ્ગજો ચૂંટણી મેદાનમાં છે. તારાપુરથી નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, લખીસરાયથી નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા, રાઘોપુરથી તેજસ્વી યાદવ, મહુઆથી તેજ પ્રતાપ યાદવ ચૂંટણી મેદાનમાં છે..અલીનગરથી મૈથિલી ઠાકુર ચૂંટણી લડી રહ્યા છે તો મહનારથી JDU પ્રદેશ પ્રમુખ ઉમેશસિંહ કુશવાહ પણ ચૂંટણી મેદાનમાં છે..બક્સરથી ભૂતપૂર્વ IPS અધિકારી આનંદ મિશ્રા પણ ચૂંટણીના મેદાનમાં છે તો બિહાર સરકારના 14 મંત્રીઓ પણ ચૂંટણી લડી રહ્યા છે.. આ તમામ દિગ્ગજોનું ભાવિ આજે EVMમાં સિલ થશે.
બિહાર વિધાનસભાની ચૂંટણીના જંગમાં આજે પ્રથમ તબક્કાના મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે..સવારે 7 કલાકે મતદાનો પ્રારંભ થયો છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે..પ્રથમ તબક્કામાં 121 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે..જેમાં કુલ 1,314 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે..પ્રથમ તબક્કામાં કુલ 3.75 કરોડથી વધુ મતદારો નોંધાયા છે જે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે…એનડીએ તરફથી ભાજપના 48, જનતાદળયૂના 57, લોક જનશક્તિ પાર્ટીના 14 અને રાષ્ટ્રીય લોક મોરચાના 2 ઉમેદવારો ચૂટણી મેદાનમાં છે તો બીજી તરફ મહાગઠબંધન તરફથી પ્રથમ તબક્કામાં આરજેડીના 73, કોંગ્રેસના 24 અને એ ઉપરાંત અન્ય પક્ષોના ઉમેદવારો મેદાનમાં છે.
Published On - 7:15 am, Thu, 6 November 25