
સરકારે રાજકીય પક્ષોને દાન આપવા માટે ઈશ્યુ કરવામાં આવતા ઈલેક્ટોરલ બોન્ડના 30મા હપ્તાને મંજૂરી આપી છે. બોન્ડનું વેચાણ મંગળવારથી શરૂ થશે. રાજકીય દાનમાં પારદર્શિતા લાવવા માટે રાજકીય પક્ષોને રોકડ દાનના વિકલ્પ તરીકે આ બોન્ડ રજૂ કરવામાં આવ્યા છે.
ચૂંટણી બોન્ડનો 30મો હપ્તો ઈશ્યુ કરવામાં આવી રહ્યો છે. આ નિર્ણય એ અર્થમાં મહત્વપૂર્ણ છે કે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ પૂરો થવામાં હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. ચૂંટણી બોન્ડનો પ્રથમ હપ્તો માર્ચ 2018માં બહાર પાડવામાં આવ્યો હતો.
નાણા મંત્રાલયે સોમવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વેચાણના 30મા તબક્કામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને 2 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી તેની 29 અધિકૃત શાખાઓ દ્વારા ચૂંટણી બોન્ડ ઈશ્યુ કરવા અને રોકડ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.”
લાયક રાજકીય પક્ષ દ્વારા અધિકૃત બેંક સાથેના તેના બેંક ખાતા દ્વારા જ ઈલેક્ટોરલ બોન્ડ્સ કેશ કરવામાં આવે છે. ચૂંટણી બોન્ડ્સ માટે SBI એકમાત્ર અધિકૃત બેંક છે. ચૂંટણી બોન્ડના વેચાણ માટેની તેની અધિકૃત શાખાઓમાં બેંગલુરુ, લખનૌ, શિમલા, દેહરાદૂન, કોલકાતા, ગુવાહાટી, ચેન્નાઈ, પટના, નવી દિલ્હી, ચંદીગઢ, શ્રીનગર, ગાંધીનગર, ભોપાલ, રાયપુર અને મુંબઈનો સમાવેશ થાય છે.
નાણા મંત્રાલયે કહ્યું કે ચૂંટણી બોન્ડ ઇશ્યુ થયાની તારીખથી 15 દિવસ માટે માન્ય રહેશે. જો બોન્ડ માન્યતા અવધિની સમાપ્તિ પછી સબમિટ કરવામાં આવે છે તો પક્ષને કોઈ ચુકવણી કરવામાં આવશે નહીં. નિવેદન અનુસાર લાયક રાજકીય પક્ષ દ્વારા તેના ખાતામાં જમા કરાયેલ ચૂંટણી બોન્ડ તે જ દિવસે જમા કરવામાં આવશે.
ઈલેક્ટોરલ બોન્ડ ભારતીય નાગરિકો અથવા દેશમાં સ્થાપિત કંપનીઓ અને સંસ્થાઓ દ્વારા ખરીદી શકાય છે. રજિસ્ટર્ડ રાજકીય પક્ષો કે જેમણે છેલ્લી લોકસભા અથવા વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછા એક ટકા મત મેળવ્યા હોય તેઓ ચૂંટણી બોન્ડ દ્વારા પોતે દાન લઈ શકે છે.
આ પણ વાંચો : ડુંગળીના ભાવ આંખમાં આસું ન લાવે તે માટે સરકારે મોટું પગલું ભર્યું, કિંમતો કાબુમાં રાખવા મહત્વના નિર્ણય લેવાયા