
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નગડીયા ગામે આવેલી આંગણવાડીમાં મધ્યાહન ભોજન માટે આવેલી તુવેરદાળમાં ફૂગ મળી આવતા બાળકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઉભું થયું છે. પશુઓ પણ ન ખાઈ શકે તેવી ફૂગજન્ય દાળ બાળકો માટે મોકલાતા વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાએ પુરવઠા વિભાગની બેદરકારી અને મધ્યાહન ભોજનની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ગ્રામજનો અને વાલીઓએ તાત્કાલિક સીડીપીઓ (બાળ વિકાસ યોજના અધિકારી) અને પુરવઠા વિભાગને આ અંગે જાણ કરી હતી. વાલીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ ફૂગવાળી દાળ બાળકોને ખવડાવવામાં આવે તો તેમના આરોગ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. આટલી હદે ગુણવત્તા વિહોણી દાળ આંગણવાડી સુધી કેવી રીતે પહોંચી તે એક મોટો પ્રશ્ન છે. આ જથ્થો મોકલતા પહેલા કોઈ પણ પ્રકારની તપાસ કરાઈ હતી ખરી કે કેમ તે અંગે પણ સવાલો ઉઠ્યા છે.
સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરની કચેરીએ આદેશ આપ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. નાયબ મામલતદાર સહિતની એક ટીમ તપાસ માટે નગડીયા ગામની આંગણવાડીએ પહોંચી હતી. ટીમના અધિકારીઓએ જણાવ્યું કે, કચેરીના વડાની સૂચના મળતા તેઓ તપાસ માટે આવ્યા છે અને સંબંધિત સંચાલક, આચાર્ય, દુકાનદાર અને દાળના જથ્થા બાબતે નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જોકે, આ સમગ્ર ઘટના બાદ નગડીયા ગામના વાલીઓ અને સ્થાનિક અગ્રણીઓ આકરા પાણીએ છે. તેઓએ જવાબદારો સામે કડક પગલાં ન લેવાય ત્યાં સુધી પોતાના બાળકોને શાળાએ ન મોકલવાની ચીમકી ઉચ્ચારી છે. એક સ્થાનિક અગ્રણીએ તો મામલતદાર સાથે માથાકૂટ પણ કરી હતી અને જણાવ્યું હતું કે, “અમે કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ નથી, પરંતુ આમાં જે કોઈ જવાબદારી છે, નબળો જથ્થો આવ્યો છે તે ક્યાંથી આવ્યો તેની તપાસ તમારી કરવી ફરજ બને છે. એમાં જવાબદાર જે કોઈ બેદરકાર અધિકારી કે કર્મચારી હોય તેના ઉપર કાયદાકીય કાર્યવાહી અને શિક્ષાત્મક પગલાં ન લેવાય ત્યાં સુધી અમે અમારા બાળકોને શાળાએ મોકલશું નહીં.”
ચિંતાજનક રીતે, આ અંગે ગોડાઉન મેનેજર સાથે વાત કરતા તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, “અમે અમારી રૂબરૂમાં આ બધા સ્ટોકનું લેબ પરીક્ષણ કરીને પછી જ મોકલ્યું છે. તમારે આરટીઆઈથી માહિતી જોઈતી હોય તો માંગી લેજો.” ગોડાઉન મેનેજરના આ નિવેદનથી વાલીઓનો રોષ વધુ ભડક્યો હતો, કારણ કે સ્પષ્ટપણે ફૂગવાળી દાળ મળી આવી હોવા છતાં જવાબદારી સ્વીકારવાના બદલે આરટીઆઈનો હવાલો આપવામાં આવ્યો હતો.
આ સ્થિતિને કારણે બાળકોને નિયમ મુજબ ભોજન મળવામાં પણ મુશ્કેલી પડશે, કારણ કે આ ફૂગવાળો જથ્થો વાપરી શકાય તેમ નથી. મધ્યાહન ભોજન યોજના પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, છતાં ગુણવત્તાનું ધ્યાન કેમ રાખવામાં આવતું નથી તે મોટો સવાલ છે. પુરવઠા વિભાગને આ અંગે જાણ કરી દેવાઈ છે, પરંતુ હવે આ મામલે તપાસ ક્યાં સુધી પહોંચશે અને જવાબદારો સામે ક્યાં સુધીમાં કાર્યવાહી થશે તે જોવું રહ્યું.
નવસારી મહાનગરપાલિકા બની પણ કામની ગુણવત્તા ‘ઢ’… શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ