
ગીરસોમનાથ: ગાંધીનગરમાં રાજભવનમાં મળેલી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પીએમ મોદીએ રામનામ મંત્ર લેખન કરી લેખન યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટના રામ મંદિરે મંત્ર લેખન યજ્ઞ યોજાશે. જેમા સવારે 7.30 થી રાત્રે 8 વાગ્યા સુધી રામનામ લેખન કરવામાં આવશે. આ રામનામ લેખન કરનારા તમામ ભક્તો 22 જાન્યુઆરી 2024ના શુભ દિવસે રામનામ અયોધ્યા નિજ મંદિરમાં રામલલા બિરાજમાન થવાના ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનશે. તેમજ ટ્રસ્ટ દ્વારા રામ નામ લખનાર દરેક ભક્ત માટે ભોજનની પ્રસાદની વ્યવસ્થઆ કરવામાં આવી છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને અયોધ્યામાં રામ મંદિર ઐતિહાસિક મહત્વ અને સામ્યતા ધરાવે છે. સદીઓના ખંડન બાદ પુનઃસર્જનની અદ્વિતિય ગાથા સોમનાથ અને અયોધ્યાના રામ મંદિરને એક તાંતણે જોડે છે. સોમનાથની ભૂમિ પરથી જ શ્રીરામ મંદિર પુનઃ નિર્માણના ઉદાહરણ સંકલ્પનો પ્રારંભ થયો હતો. અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર નિર્માણ પૂર્ણ થયે પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સોમનાથ ખાતે ભક્તો દ્વારા લખાયેલા રામનામ ગ્રંથો અયોધ્યા અર્પણ કરવાનું ઉત્કૃષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. જેને “સોમનાથથી અયોધ્યા શ્રી રામ નામ મંત્ર લેખન મહાયજ્ઞ” નામ આપવામાં આવ્યું છે.
સોમનાથ શ્રીરામ નામ મંત્ર લેખનનો વિશેષ મહિમા એટલા માટે છે, કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે, જ્યાં ભગવાન કૃષ્ણએ પોતાની માનવલીલાને વિરામ આપ્યો, એવી પ્રભાસની ભૂમી પર રામના આગમનનો પણ સ્કંદ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. ત્યારે સોમનાથ તીર્થમાં શ્રી રામ મંદિર ખાતે ભગવાન શ્રીરામના સાનિધ્યમાં સવારે 7:30 વાગ્યા થી સાંજે 8:00 વાગ્યા સુધી આ મંત્ર લેખન મહાયજ્ઞ ચાલશે. દેશ વિદેશમાંથી આવનારા ભક્તો શ્રી રામ મંદિર ખાતે સભા મંડપમાં બેસીને શ્રી રામ નામ મંત્ર લેખન સેવા કરીને અયોધ્યા શ્રી રામ મંદિર પુનનિર્માણના ધન્ય ક્ષણના સાક્ષી બનશે.
મોટી સંખ્યામાં ભક્તોને રામ નામ મંત્ર લેખન યજ્ઞનો લાભ મળે તે માટે સોમનાથ મંદિરથી સમયાંતરે એક બસ ભકતોને રામ મંદિર સુધી લઈ જશે. ભકતો માટે રામ મંદિરમાં રામ નામ લખવા માટે તૈયાર કરાયેલા વિશેષ પુસ્તકો અને લેખનીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પણ ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખન મહાયજ્ઞ માટે તમામ આનુસંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રામનામ મંત્ર લેખન યજ્ઞમાં લેખન સેવા આપનાર દરેક ભક્તને ભગવાનના પ્રસાદ સ્વરૂપે ભોજન પ્રસાદ કરાવવા માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
Input Credit- Yogesh Joshi- Gir Somnath
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો