Gir Somnath : વેરાવળના ભાલકાતીર્થમાં FM ટ્રાન્સમીટરનું પીએમ મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ

આ એફએમ સ્ટેશન દ્વારા સવારે 6.00 કલાકથી બપોરના 3.00 કલાક તેમજ સાંજના 5.00 કલાકથી રાત્રીના 11.00 કલાક સુધી આકાશવાણી દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવશે.

Gir Somnath : વેરાવળના ભાલકાતીર્થમાં FM ટ્રાન્સમીટરનું પીએમ મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ
Veraval FM Transmission
| Edited By: | Updated on: Apr 28, 2023 | 6:11 PM

રેડિયોના માધ્યમથી શ્રોતાઓ અને સ્થાનિક જનતા મનોરંજન, માહિતી, સમાચાર તથા સૂચનાઓનો મહતમ લાભ મેળવી શકે તેવા હેતુથી સમગ્ર ભારતમાં અંદાજે 100 વોટના કુલ 91 એફ.એમ ટ્રાન્સમીટર્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં ભાલકાતીર્થ ખાતે 100.10 Mhz ફ્રિકવન્સી ધરાવતા એફએમ ટ્રાન્સમીટરનો પણ સમાવેશ થાય છે.

જ્ઞાનવર્ધક કાર્યક્રમો સહિત સરકારની વિવિધ યોજનાની માહિતી પણ મેળવી શકશે

આ વર્ચ્યુઅલ લોકાર્પણમાં પ્રસાર ભારતી અને આકાશવાણી દ્વારા નેશનલ બ્રોડકાસ્ટર તરીકે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, વેરાવળ અને ખંભાળિયાને એફ. એમ ટ્રાન્સમીટર્સની ભેટ મળી છે. જેમાં વેરાવળમાં 100.10 Mhz ફ્રિકવન્સી દ્વારા સ્થાનિક શ્રોતાઓ લોકસંસ્કૃતિ, સંવાદ, વાર્તાલાપ સહિતના મનોરંજક અને જ્ઞાનવર્ધક કાર્યક્રમો સહિત સરકારની વિવિધ યોજનાની માહિતી પણ મેળવી શકશે.

આકાશવાણી દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવશે

આ એફએમ સ્ટેશન દ્વારા સવારે 6.00 કલાકથી બપોરના 3.00 કલાક તેમજ સાંજના 5.00 કલાકથી રાત્રીના 11.00 કલાક સુધી આકાશવાણી દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવશે. જેનો સ્થાનિક શ્રોતાઓને લાભ મળશે.આ તકે, સાંસદ રાજેશ ચુડાસમા, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી સહિત અગ્રણીઓ અને આકાશવાણી રાજકોટ સહાયક નિર્દેશક રાજેશ વ્યાસ, સહિત સ્થાનિક શહેરીજનોએ પણ એફએમ રિલે કેન્દ્રના લોકાર્પણના સમગ્ર સમારોહનું જીવંત પ્રસારણ નિહાળ્યુ હતું.

(With Input, Yogesh Joshi, Gir Somnath)