સોમનાથમા ચૈત્રસુદ નવમીએ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવનું તીર્થ આમ તો હરી અને હર ની ભૂમિ કહેવામાં આવે છે. પરંતુ પુરાતન પુસ્તકો અનુસાર શ્રીરામ પ્રભાસ તીર્થમાં પધાર્યા હતા જેથી અહીં સોમનાથ મહાદેવ અને શ્રીકૃષ્ણની સાથે સાથે શ્રીરામ નું પણ અનેરૂ માહત્મ્ય છે. આજે ચૈત્ર સુદ નવમી એટલે કે શ્રી રામ નવમી ના પાવન અવસર પર સોમનાથ તીર્થ ઉત્સાહ અને ઉમંગથી છલકાયું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્મિત નૂતન રામ મંદિર ખાતે દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા હતા.
સોમનાથ ટ્રસ્ટના નૂતન રામ મંદિર ખાતે વહેલી સવારે પ્રાતઃ આરતી થી લઈને સાંજ સુધી દર્શનાર્થી શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરત રહ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી રામ પ્રભુની મહાપૂજા કરવામાં આવી હતી. મહાપૂજા પશ્ચાત ઢોલ અને શરણાઈ સાથે શ્રીરામ જન્મોત્સવની ભવ્ય આરતી કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી છલકાયું હતું. શ્રી રામ નામના રટણ સાથે શ્રદ્ધાળુઓએ ભાવવિભોર થઈ શ્રી રામ લલ્લાના જન્મને વધાવ્યો હતો. શ્રી રામ પ્રભુનું પારણું બાંધવામાં આવ્યું હતું જેને શ્રદ્ધા અને આસ્થાની સાથે શ્રી બાલ રામ સ્વરૂપે શ્રદ્ધાળુ દ્વારા ઝુલાવવામાં આવ્યું હતું.
શ્રી રામ પ્રભુના ગુણોનું વર્ણન કરતા અને શ્રી રામાયણનો રસસાર સમજાવતા સુંદરકાંડના પાઠનું શ્રી રામ મંદિર ખાતે સાંજના સમયે સંગીત સાથે લાઘવ યુક્ત પઠન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ સુંદરકાંડ પાઠનું શ્રવણ અને પઠન કરી ધન્ય બન્યા હતા. સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી રામ જન્મોત્સવના અવસર પર વિશેષ અન્નકૂટ ભોગ શ્રીરામને અર્પણ કર્યો હતો. વિશેષ અન્નકૂટ શૃંગારના દર્શન પણ શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. મંદિર પરિસરમાં આવનારા શ્રદ્ધાળુઓને શ્રી રામ જન્મોત્સવ નો ઉલ્લાસ ઉજવવા બુંદી અને ગાંઠિયાના પ્રસાદ સાથે મો મીઠું કરાવવામાં આવ્યું હતું. સાંજના સમયે શ્રી રામ પ્રભુની મહા આરતી કરવામાં આવી હતી. જેમાં બહારથી આવનાર શ્રદ્ધાળુઓ અને સ્થાનીય ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ સાથે જ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મંદિરમાં પણ સાયં આરતી સમયે સોમનાથ મહાદેવને શ્રી રામ દર્શન શણગાર કરવામાં આવ્યો હતો. સેતુ નિર્માણ વખતે શ્રી રામે એક સુંદર શ્લોક બોલી પોતાનો અને શિવજીનો સંબંધ વર્ણવ્યો હતો શ્રી રામે કહ્યું હતું કે रामस्य ईश्वरः यः सः रामेश्वरम् અર્થાત્ રામના જે ઈશ્વર છે એ જ રામેશ્વર છે. શિવજી જ્યારે માતા પાર્વતીને આ શ્લોક કહે છે ત્યારે કહે છે કે रामः ईश्वरः यस्य सः रामेश्वरम् અર્થાત્ કે રામ ઈશ્વર છે તેમની આરાધનાથી તેઓ(શિવજી) રામેશ્વર છે.
રામેશ્વર નો અર્થ આજે પણ શાસ્ત્રો અને લખાણમાં શ્રીરામ અને શિવજી થાય છે. ત્યારે શ્રીરામ અને શિવજીની પરસ્પર અનુકંપા ના દર્શન કરાવતો શ્રી રામ દર્શન શૃંગાર સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો હતો. જેમાં ભસ્મ ચંદન દ્વારા જ્યોતિર્લિંગ પર શ્રીરામની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. દેવાધિદેવ મહાદેવ અને તેમાં શ્રીરામની છબી જોઈ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.
(With Input, Yogesh Joshi, Gir Somnath )
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 11:54 pm, Thu, 30 March 23