આગામી શ્રાવણ માસ પૂર્વે સોમનાથ (Somnath)મંદિર પરિસરમાં અધ્યતન રાવટીઓ કાર્યરત કરવામાં આવી છે. આ રાવટી (tant)ઓમાં લોકો શાંતિથી બેસી શકે તેમજ ઉભા રહી શકશે. વરસાદ તેમજ ગરમીની પરિસ્થિતિમાં શ્રદ્ધાળુઓ શાંતિથી વિરામ કરી શકે તે માટે સોમનાથ મંદિરના પરિસરની બહાર 20 રાવટીઓ ઉભી કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે દર્શનાર્થીઓની સંખ્યા ઓછી હતી, પરંતુ આ વર્ષે આ પ્રમાણ વધે તેવી શકયતાઓ છે. સાથે જ સૌરાષ્ટ્રમાં રજાઓ દરમિયાન પણ સોમનાથમાં ભક્તજનો ઉમટી પડતાય હોય છે તો શ્રાવણ મહિનામાં તો દેશ વિદેશના ભક્તજનો આ પવિત્ર જ્યોર્તિલિંગના દર્શને આવતા હોય છે. ત્યારે મંદિર તંત્ર દ્વારા સતત લોકોને સુવિધા મળે તેવા પ્રયત્નો થતા હોય છે.
કોરોના મહામારી બાદ સોમનાથ તીર્થમાં ભારે માત્રામાં ભાવિકોની સંખ્યા વધી રહી છે અને હાલમાં પણ ભારે માત્રામાં સોમનાથમાં ભાવિકો ઉમટે છે ત્યારે તહેવારોમાં દર્શન કરવા માટે લાંબી કતારો લાગતી હોય છે તો શ્રાવણ મહિનામાં હજી પણ આ ધસારો વધશે, લોકો દર્શન માટે કતારમાં ઊભા હોય ત્યારે વરસાદ કે તડકો ભાવિકોને ન નડે તે માટે અધ્યતન પ્રકારની ફાઈબરની 20થી વધુ રાવટીઓ સોમનાથમાં કાર્યરત કરવામાં આવી છે જેથી આવનારા ભાવિકો તડકો અને વરસાદથી બચી શકે અને શાંતિથી સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે. સોમનાથ તીર્થમાં આગામી શ્રાવણ માસ પૂર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રવેશથી લઈ અને મંદિર પરિસર સુધી અધ્યતન પ્રકારની 20થી વધુ રાવટીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટેન્ટ લાંબી લાઇનોમાં ઉભા રહેવાની પરિસ્થિતિમાં યાત્રિકો માટે રાહતરૂપ બની રહેશે.
સોમનાથ મંદિર ખાતે પ્રવાસન વિભાગ દ્વારા પણ અદ્યતન સુવિધા તેમજ આકર્ષણમાં સતત વધારો કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિરે દર્શને આવતા યાત્રિકો તેમજ પ્રવાસીઓ સોમનાથ ખાતે બનેલા વોક વે ને પણ પસંદ કરી રહ્યા છે અને દરિયાકાંઠે ફરવાનો આનંદ માણતા હોય છે.