થાઈલેન્ડમાં યોજાયેલી એશિયન કિક બોક્સિંગ ચેમ્પિયન શીપમાં ગીરસોમનાથ જિલ્લાની મનિષા વાળાએ દેશ, રાજ્ય અને તેમના જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. મનિષાએ કિક બોક્સિંગ ચેમ્પિયન શીપમાં ઉઝબેકિસ્તાન, ઈરાન અને થાઈલેન્ડના હરીફોને ધૂળ ચટાડી બે બ્રોન્ઝ જીત્યા છે અને ભારતનું ગૌરવ વધાર્યુ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત તરફથી કિક બોક્સિંગમાં વિજય પતાકા લહેરાવનાર પ્રથમ મહિલા ખેલાડી મનિષા વાળા અને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વતની છે.
મનીષાએ 10થી 19 ડિસેમ્બર 2022 દરમિયાન થાઈલેન્ડના બેંગકોકમાં યોજાયેલ એશિયન કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઈવેન્ટમાં 20 દેશોના 500 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં તેમણે ઈરાન, ઉઝબેકિસ્તાન અને થાઈલેન્ડના ખેલાડીઓને ધૂળ ચટાડી 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.
ગુજરાતના ખેલાડીઓની સુષુપ્ત શક્તિઓ વિકસે અને તેમને રમતગમત ક્ષેત્રે વધુ મોકળું મેદાન મળે તે માટે ગુજરાત સરકાર પણ ‘ખેલ મહાકુંભ’ જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે. મનિષા વાળાએ પણ ખેલ મહાકુંભમાં ખો-ખો, કબડ્ડી, હાઈ જમ્પ વગેરે જેવી એથ્લેટિક્સ સ્પોર્ટ્સમાં ભાગ લેતાં હતાં. જે પછી કિક બોક્સિંગમાં પોતાનું હીર ઝળકાવ્યું અને હવે તેઓ ઓલિમ્પિક માટે તનતોડ તૈયારી કરી રહ્યા છે.
મનિષાવાળાએ પોતાની આ જીતનો શ્રેય માતા પ્રાચીબહેન અને પિતા જગદીશભાઈને આપ્યો હતો. જેમણે આકરા સંઘર્ષમાં પણ રમત પ્રત્યે જુસ્સો ટકાવી રાખ્યો હતો. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, સરકારનું કામ રમતગમત ક્ષેત્રમાં પણ સારૂ રહ્યું છે. ખેલ મહાકુંભ જેવા પ્લેટફોર્મના માધ્યમથી જેમનામાં રમતગમતની પ્રતિભા રહેલી છે તેમને સરકાર એક ઉત્તમ તક પૂરી પાડે છે. જેથી ખેલાડીઓમાં કૌશલ્ય નીખરે છે અને રમતગમત ક્ષેત્રે પોતાનું આગવું કૌવત બતાવી પોતાની પ્રતિભાને નિખારી શકે છે.
નોંધનીય છે કે, મનિષા વાળાએ અગાઉ 2થી6 નવેમ્બર 2022 દરમિયાન દિલ્હીના તાલકટોરા ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલ 2જી ઈન્ડિયન ઓપન ઈન્ટરનેશનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મનિષાને ગુજરાત માનવ રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે.