Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા (Talala) તાલુકાના સેમરવાવ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા અંદાજે રૂપિયા 72 કરોડના ખર્ચે જિલ્લા જેલના રહેણાંક અને બિન રહેણાંક આવાસોનું અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટ કે.એલ.એન.રાવના હસ્તે ખાતમુહૂર્ત તેમજ તક્તી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાન બારડ પણ હાજર રહ્યા હતા.
સરકાર દ્વારા સકારાત્મક અભિગમને અનુલક્ષીને ગીરસોમનાથ જિલ્લા જેલના નિર્માણ માટે તાલાળા તાલુકાના સેમરવાવ ખાતે 16 એકર જમીન ફાળવવામાં આવી હતી. રૂ.72 કરોડથી વધુના ખર્ચે બનનાર આધુનિક જિલ્લા જેલમાં 480 પુરુષ તેમજ 60 મહિલા સહિત 550થી વધુ કેદીઓ તેમજ 24 પુરૂષ બેરેક અને 03 મહિલા બેરેકની વ્યવસ્થા કરવામાં આવશે. ભવિષ્યમાં 1000 કેદીની ક્ષમતા સુધી વધારી શકાય તે રીતે બાંધકામનુ આયોજન કરવામાં આવશે. ઉપરાંત કર્મયારી અને અધિકારીઓ માટે B કક્ષાના 28, C કક્ષાના 24 અને D કક્ષાના 02 આવાસ સહિત કુલ 54 આવાસનું બાંધકામ કરવામાં આવશે.
કેદીઓના સુધારાઓ માટે અવકાશ મળે એવા હેતુસર આ આધુનિક જેલમાં મેડિકેશન હોલ, 60 બેડની હોસ્પિટલ, આર.ઓ.પ્લાન્ટ, ટ્રેનિંગ સેન્ટર, કોર્ટરૂમ, ફાયર ફાઈટર સિસ્ટમ, નાગરિક સુવિધા કેન્દ્ર સહિત પાંચ વોચ ટાવર અને વેલફેર ઓફિસ તેમજ એડ્વોકેટ રૂમની પણ સુવ્યવસ્થા ધરાવતી ગુજરાતની અત્યાધુનિક સુવિધા સાથેની સુરક્ષિત જેલ નિર્માણ પામશે. આ રીતે ગીર સોમનાથ જિલ્લા જેલ કાર્યરત થતા જુનાગઢ જિલ્લા જેલનું 50% જેટલુ ભારણ ઓછુ થશે.
જિલ્લા જેલના ખાતમુહૂર્ત પ્રસંગે શિક્ષણવિદ્ ડૉ.ઈંદુબહેન રાવ, જુનાગઢ જિલ્લા જેલ અધિક્ષક નાસિરૂદ્દીન.એસ.એલ, સેમરવાવ સરપંચ હારૂનભાઈ ચોરવાડી સહિત પોલીસ કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો પણ ઉપસ્થિતિ રહ્યા હતા.
(ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી, ગીર-સોમનાથ)
ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો