
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં અવકાશ ક્ષેત્રને નવી દિશા આપવાની તૈયારીઓ શરૂ થઈ છે. કોડીનાર નજીક નવું અવકાશ પ્રક્ષેપણ સ્ટેશન એટલે કે સ્પેસપોર્ટ સ્થાપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ 21 ઓગસ્ટે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ત્રણ દિવસીય અવકાશ મહોત્સવના ઉદ્ઘાટન દરમિયાન આ જાહેરાત કરી હતી.
કોડીનાર નજીક સ્પેસપોર્ટ સ્થાપવાનું કામ હાલ પ્રારંભિક તબક્કામાં છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) સાથે સહયોગમાં સ્થળનું ટેકનિકલ મૂલ્યાંકન ચાલી રહ્યું છે. સ્થળ નક્કી થયા બાદ પ્રોજેક્ટને આગળ વધારવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
કોડીનાર અને ગીર વચ્ચેનો દરિયાકાંઠાનો વિસ્તાર અવકાશ સંબંધિત પ્રવૃત્તિઓ માટે સંભવિત સ્થળ તરીકે અગાઉ પણ ચર્ચામાં રહ્યો છે. યોગ્ય ભૌગોલિક પરિસ્થિતિ અને દરિયાઈ વિસ્તારને કારણે અહીંથી રોકેટ લોન્ચિંગ માટેની સંભાવનાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જોકે, અંતિમ સ્થળ અને પ્રોજેક્ટની ટેકનિકલ વિગતો હજુ નક્કી થવાની બાકી છે.
હાલ ભારતનું મુખ્ય સ્પેસપોર્ટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં છે, જ્યારે તમિલનાડુના કુલશેખરપટ્ટીનમમાં બીજા સ્પેસપોર્ટનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં કોડીનાર નજીક પ્રસ્તાવિત લોન્ચ સેન્ટર શરૂ થાય તો રાજ્ય દેશના વિકસતા ખાનગી અને વ્યાવસાયિક અવકાશ ક્ષેત્ર સાથે વધુ મજબૂતીથી જોડાઈ શકે છે.
રાજ્યમાં સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ સહિત અવકાશ ક્ષેત્રની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ખાસ પહેલ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં IN-SPACeનું મુખ્ય મથક પણ આવેલું છે. આ ઉપરાંત, અમદાવાદ નજીક ખોરજમાં સ્પેસ ટેકનોલોજી માટે ખાસ ઝોન વિકસાવવાની દિશામાં પણ કામગીરી થઈ રહી છે.
ગુજરાતમાં ખાનગી ક્ષેત્રની અવકાશ પ્રવૃત્તિઓ પણ વધી રહી છે. આ વર્ષની શરૂઆતમાં ધોલેરામાં એક સ્ટાર્ટઅપ દ્વારા તેનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 20થી વધુ સ્ટાર્ટઅપ્સ અને સંસ્થાઓ સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત હોવાનો અંદાજ છે.
23 ઓગસ્ટે ભારત રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરે છે. 2023માં ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરના ચંદ્રના દક્ષિણ ધ્રુવીય વિસ્તારમાં સફળ ઉતરાણની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય અવકાશ દિવસની પૂર્વસંધ્યાએ ગુજરાતમાં સ્પેસપોર્ટની જાહેરાત રાજ્યની અવકાશ ક્ષેત્રે વધતી મહત્વાકાંક્ષાઓને વધુ વેગ આપનારી બની શકે છે.
આ પણ વાંચો- Breaking News : દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના, વણાંકબારા નજીક માછીમારોનો આબાદ બચાવ