ગિરની ગર્જનાથી 891 સિંહોની ગૌરવગાથા સુધી… પરિમલ નથવાણીની યાદોમાં સિંહો

ચાર દાયકાથી ગીરના સિંહો સાથેના મારા અતૂટ નાતાનું આલેખન. 1987માં 200 સિંહોથી શરૂ થયેલી સફર આજે 891 સિંહો સુધી પહોંચી છે, જે વૈશ્વિક સંરક્ષણની ગાથા છે.

ગિરની ગર્જનાથી 891 સિંહોની ગૌરવગાથા સુધી… પરિમલ નથવાણીની યાદોમાં સિંહો
| Updated on: Aug 09, 2026 | 5:56 PM

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીનું કહેવું છે કે, ગિર અને સિંહો સાથેનો મારો નાતો ચાર દાયકાથી પણ જૂનો છે. ગિર અને સિંહો મારી સમગ્ર ચેતનામાં એવી રીતે વણાઈ ગયાં છે કે જાણે મારી નસોમાં ફરી રહ્યાં હોય અને હૃદયમાં ધબકી રહ્યાં હોય. ગિરને અને સિંહોને મેં અસંખ્ય વખત જોયાં છે, માણ્યાં છે. ગિરની છટા મેં દરેક ઋતુમાં જોઈ છે. વહેલી સવારે, ભરબપોરે અને સમીસાંજે. આજે તો સમગ્ર ગિર ઇકોસિસ્ટમનો જાણે હું એક અભિન્ન હિસ્સો બની ગયો છું.

તેમણે કહ્યું કે, ગિરની મુલાકાત જેટલી વાર લઉં, તેટલી વાર નવી તાજગી અને નવી ઊર્જાનો અનુભવ થાય છે. ત્યાંથી પાછા ફરું ત્યાં સુધીમાં જ ફરી ગિર જવાની તાલાવેલી શરૂ થઈ જાય છે. ઘણી વખત તો એવું લાગે છે કે ગિર જાણે મારી રાહ જોઈ રહ્યું છે અને મને ફરી બોલાવી રહ્યું છે. કદાચ એટલા માટે જ ગિર વિશેની મારી કૉફી ટેબલ બુકનું નામ મેં ‘કૉલ ઑફ ધ ગિર’ રાખ્યું છે. ગિર અને સિંહો વિશે મારા મનમાં રહેલા ભાવો અને અનુભૂતિનું વર્ણન કરવા માટે ઘણી વાર શબ્દો પણ ઓછા પડે છે.

સાસણની પહેલી મુલાકાત અને બદલાતું ગિર

લગભગ 1987માં પહેલી વખત જ્યારે મેં સાસણમાં પગ મૂક્યો હતો, ત્યારે એશિયાઈ સિંહોની સંખ્યા આશરે 200 જેટલી હતી. તે સમયે સાસણ અને ગિરનાં અન્ય ગામડાં જાણે જંગલનો જ એક ભાગ હોય એવું લાગતું. નાનાં, રળિયામણાં અને પરમ શાંતિનો અનુભવ કરાવતાં આ ગામોમાં સિંહોની હાજરી એક અલગ જ રોમાંચ પેદા કરતી. દરેક સિંહનું દર્શન આહલાદક લાગતું અને દરેક સિંહબાળ એક નવી આશા જગાવતું.

આજે જ્યારે બૃહદ ગિરના વિશાળ ભૂભાગમાં સિંહો મુક્તપણે વિચરતા થયા છે ત્યારે ગર્વની સાથે સંતોષની લાગણી પણ થાય છે. સિંહોની સંખ્યા 891 સુધી પહોંચવી કોઈ નાની સિદ્ધિ નથી. માત્ર ભારત માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ આ વન્યજીવ સંરક્ષણની એક સફળ અને ગૌરવપૂર્ણ ગાથા છે.

આ સિદ્ધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને સતત સક્રિય માર્ગદર્શનનો મહત્વનો ફાળો છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. સાથે જ આ સફળતાનો શ્રેય વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, સિંહપ્રેમી નિષ્ણાતો, પશુચિકિત્સકો, સ્થાનિક ગ્રામજનો તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી આવતા અનેક નિષ્ઠાવાન લોકોની અથાગ મહેનતને પણ જાય છે.

સિંહ સંરક્ષણ માટેની સતત કામગીરી

ગિર અને સિંહોના વર્તમાન તેમજ ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ગુજરાત વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓથી લઈને ફ્રન્ટલાઇન સોલ્જર્સ તરીકે કામ કરતા વનરક્ષકો અને ટ્રેકર્સ સુધી અનેક લોકો વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે. ગિર અને સિંહપ્રેમીઓ તેમજ સ્થાનિક લોકોની આ નિષ્ઠાનો હું લાંબા સમયથી સાક્ષી રહ્યો છું.

ગિર અને સિંહોને લગતી વિવિધ સમસ્યાઓના નિવારણ માટે મેં પણ વ્યક્તિગત રીતે તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કૉર્પોરેટ વડા તરીકે અનેક પહેલ કરી છે. ખુલ્લા કૂવામાં પડીને અથવા રેલવે ટ્રેક પર અકસ્માતનો ભોગ બનીને સિંહો ઇજાગ્રસ્ત ન થાય કે તેમનું મૃત્યુ ન થાય તે માટે સઘન કાળજી અને સુરક્ષાત્મક પગલાં લેવામાં યથાશક્તિ યોગદાન આપ્યું છે.

આ પ્રયાસોના ભાગરૂપે આશરે 2,828 ખુલ્લા કૂવાઓ પર પેરાપેટ કઠેડા બનાવવામાં આવ્યા છે. સિંહો રેલવે લાઇન પર ન ચડે તે માટે તેમના અવરજવરના અનેક માર્ગો પર જાળીદાર ફેન્સિંગ કરવામાં આવે તેમજ ટ્રેનોની ગતિ નિયંત્રિત કરવા યોગ્ય પગલાં લેવાય તે માટે પણ મેં સતત પ્રયત્નો કર્યા છે.

આ પ્રકારની કામગીરીમાં સહભાગી બનવાની તક મળી તે મારા માટે આનંદ અને સંતોષની બાબત છે. ગિર અને સિંહોને લગતા અનેક પ્રશ્નો મેં સમયાંતરે સંસદ સહિત વિવિધ સરકારી અને બિનસરકારી મંચો પર પણ ઉઠાવ્યા છે.

બીમારી સામે પણ સિંહોને બચાવવાના પ્રયાસો

સિંહોમાં બેબિસિયોસિસ અથવા કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસના કેસ સામે આવ્યા ત્યારે તેમના યોગ્ય નિદાન અને સારવાર માટે વનતારાના નિષ્ણાતોની મદદ તાત્કાલિક લેવામાં આવી હતી. આ બીમારીઓનો વધુ ફેલાવો ન થાય તે માટે પણ જરૂરી પગલાં લેવામાં આવ્યા.

સિંહોની આંતરિક વર્ચસ્વની લડાઈમાં ગંભીર રીતે ઘવાયેલા સિંહદ્વય જય અને વીરુને બચાવવા માટે પણ ભરપૂર પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, સિંહોની આ દંતકથારૂપ જોડીને બચાવી ન શકવાનો વસવસો મને જીવનભર રહેશે.

વધતું પ્રવાસન અને સિંહો સામેના નવા પડકારો

આજે સિંહોની વસ્તી ધરાવતા વિસ્તારોમાં નાના-મોટા રિસોર્ટ અને હોમસ્ટેની સંખ્યા વધી રહી છે. તેના કારણે ધ્વનિ અને પ્રકાશનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે, જે સિંહો સહિત અન્ય વન્યજીવો માટે નુકસાનકારક બની શકે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે મેં સરકારને અપીલ કરી છે અને ભવિષ્યમાં પણ આ મુદ્દો સતત ઉઠાવતો રહીશ.

ચાર દાયકા પહેલાંનું ગિર અને આજનું ગિર ઘણું અલગ છે. સિંહોએ બદલાતી પરિસ્થિતિને સ્વીકારી છે, પરંતુ તેમની આસપાસનું પર્યાવરણ તેનાથી પણ વધુ ઝડપથી બદલાઈ રહ્યું છે.

આજે વધુને વધુ સિંહો અભયારણ્યની બહાર આવેલા નાના-મોટા આરક્ષિત જંગલોના ટુકડાઓમાં, ગાંડાબાવળની કાંટમાં, માનવ વસાહતોની નજીક આવેલા નદી-નાળાની ઝાડીઓમાં તેમજ ખેતી અને ઔદ્યોગિક વિસ્તારોની આસપાસ પણ જોવા મળે છે. આ તેમની અદ્ભુત અનુકૂલન ક્ષમતાનું પ્રતીક છે.

તાજેતરમાં આપણે જોયું કે સિંહોએ જાતે જ બરડાને પોતાના બીજા રહેઠાણ તરીકે પસંદ કર્યું છે. પરંતુ સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ માટે માત્ર નવા રહેઠાણો પૂરતા નથી. તેમને સુરક્ષિત વન્યજીવ કોરિડોર, પૂરતો કુદરતી શિકાર, માનવ પજવણીથી મુક્ત વાતાવરણ અને લાંબા સમય સુધી ટકી શકે તેવા પરસ્પર જોડાયેલા કુદરતી આવાસોની જરૂર છે.

ગિર અને સિંહો સાથેનો ભાવનાત્મક સંબંધ

આ ચાર દાયકાઓ દરમિયાન ગિર અને સિંહો સાથેનું મારું ભાવનાત્મક જોડાણ સતત ગાઢ બનતું ગયું છે. મારા માટે ગિર અને સિંહ એકબીજાના પૂરક છે. એકનું અસ્તિત્વ બીજા વિના અધૂરું છે.

વિશ્વ સિંહ દિવસના અવસરે આપણે સૌએ ઓછામાં ઓછો એક સંકલ્પ જરૂર લેવો જોઈએ—ગિરને ગંદું કે પ્રદૂષિત ન કરીએ અને સિંહોને પજવીએ નહીં કે તેમના કુદરતી જીવનમાં કોઈ રીતે નડતરરૂપ ન બનીએ.

સિંહ માત્ર ગુજરાતની ઓળખ નથી, પરંતુ આપણી કુદરતી વિરાસતનો અમૂલ્ય હિસ્સો છે. આવનારી પેઢીઓ પણ ગિરના જંગલમાં મુક્તપણે વિચરતા સિંહોને જોઈ શકે તે માટે આજથી જ તેમની સાથેના આપણા સંબંધને વધુ જવાબદારીપૂર્વક નિભાવવાની જરૂર છે.

નોંધ: આ લેખ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના વિશ્વ સિંહ દિવસ નિમિત્તેના વિશેષ લેખના આધારે ભાષાકીય રીતે સંપાદિત કરવામાં આવ્યો છે. નથવાણી સિંહપ્રેમી તરીકે જાણીતા છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કૉર્પોરેટ અફેર્સ વિભાગમાં ડિરેક્ટર છે.

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન બબાલ, પથ્થરમારો થતાં તંગદિલી

Follow Us
Loading...
Unable to load recommendations.