GANDHINAGAR : નવા પ્રધાનમંડળના સૌથી નાની વયના Harsh Sanghvi બન્યા નવા ગૃહરાજ્ય પ્રધાન

|

Sep 16, 2021 | 8:07 PM

Harsh Sanghvi : 8 જાન્યુઆરી 1985 ના રોજ સુરત ખાતે જન્મેલા હર્ષ સંઘવીએ મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે.

GANDHINAGAR :આજે 16 સપ્ટેમ્બરે રાજ્યના નવા પ્રધાનમંડળના 24 પ્રધાનોએ શપથ લીધા. રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રધાનમંડળના શપથગ્રહણમાં 10 કેબીનેટ પ્રધાન અને 5 રાજ્યકક્ષા અને 9 સ્વતંત્ર હવાલાના પ્રધાનોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. આ નવા પ્રધાનમંડળમાં એક ખાસ નામ મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી છે. શપથ ગ્રહણ સમારોહ બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના નવા પ્રધાનમંડળની પ્રથમ કેબીનેટ બેઠક મળી. જેમાં નવા પ્રધાનોને વિવિધ ખાતાની ફાળવણી કરવામાં આવી.

રાજ્યકક્ષાના પ્રધાન હર્ષ સંઘવીને ગૃહ વિભાગની જવાબદારો સોંપવામાં આવી છે. ગૃહ વિભાગ અંતર્ગત તેઓને રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતીક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપનની જવાબદારી સોંપવામાં આવી છે.

હર્ષ રમેશકુમાર સંઘવી 165 -મજૂરા મત વિભાગ (સુરત શહેર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. 8 જાન્યુઆરી 1985 ના રોજ સુરત ખાતે થયો છે. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેમનો મુખ્ય વ્યવસાય ડાયમંડ, જ્વેલરી મેન્યુફેક્ચરિંગનો છે. તેઓ રાહત દરે સ્ટુડન્ટ બૂક બેન્ક, રાહતદરે સાહિત્ય વેચાણ કેન્દ્ર, રોજગાર મેળા, વનવાસી વિસ્તારમાં કેમ્પ, સાત્વિક આહાર વિતરણ, રોજગાર તાલીમ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. ભા.જ.પ. રાષ્ટ્રીય યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સેવારત હર્ષ સંઘવી 13મી વિધાનસભાના પણ સભ્ય હતા. તેમને રમતગમત, સાહસિક પ્રવૃત્તિ, ભ્રમણ, જન-સંપર્કનો શોખ છે.

આ પણ વાંચો : સૌનો કાર્યકાળ યશસ્વી રહે! PM મોદી અને અમિત શાહે નવા મંત્રીમંડળને પાઠવી શુભેચ્છાઓ

Published On - 7:08 pm, Thu, 16 September 21

Next Video