વરિષ્ઠ નાગરિકો માટે ખુશખબર છે. રાજ્ય સરકારે (Gujarat Government) શ્રવણતીર્થ દર્શન યોજનાના (Shravanatirtha Darshan Yojana) નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. બસ ભાડામાં 75 ટકા સહાય ચૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને યાત્રાધામોના (Pilgrimage) બે રાત્રિ અને ત્રણ દિવસ સુધીના પ્રવાસની મર્યાદામાં વધારો કરી ત્રણ રાત્રિ અને ત્રણ દિવસની જોગવાઈ કરવામાં આવી છે. 70 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેઓની સાથે એક 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના એટેન્ડન્ટને લઈ જઈ શકશે.
અગાઉ ગુજરાતના યાત્રાધામોના 2 રાત્રિ અને 3 દિવસ (60 કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ આપવામાં આવતો હતો, જેના બદલે હવે 3 રાત્રિ અને 3 દિવસ (72 કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. આ ઉપરાંત 75 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેમની સાથે એક અટેન્ડન્ટ (સહાયક)ને તે 60 વર્ષથી નીચેની ઉંમરના હોય તો પણ લઈ શકતા હતાં, તેમાં સુધારો કરીને હવે 70 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેઓની સાથે એક 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના અટેન્ડન્ટ (સહાયક)ને લઈ જઈ શકશે.
આ યોજનાનો લાભ વધુ વરિષ્ઠ નાગરિકો મેળવી શકે તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. આ યોજના હેઠળ હાલમાં STની સુપર બસ (Non AC) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (Non AC)નું ભાડું અથવા ખાનગી બસનું ભાડુ બે માંથી જે ઓછું હોય તેની 50 % રકમ સહાય આપવામાં આવતી હતી, તેના બદલે હવે એસ.ટી. ની સુપર બસ (Non AC) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (Non AC), એ.સી. કોચ, સ્લીપર કોચનું ભાડુ અથવા ખાનગી બસનું ભાડુ બે માંથી જે ઓછું હોય તેની 75 % રકમની સહાય અપાશે.
આ યોજનાના સરળીકરણ તથા રોજગારીના સર્જન માટે નિગમની 16 વિભાગીય કચેરીઓમાં બોર્ડના એક-એક પ્રોજેક્ટ આસિસ્ટન્ટની નિમણૂંક કરાશે. રાજ્ય સરકારે વરિષ્ઠ નાગરિકોને તીર્થધામોના દેવદર્શન કરાવવાની વિશિષ્ટ સેવાઓ પૂરી પાડવા ગુજરાત ગૌરવ દિવસથી આ યોજનાનો શુભારંભ કરાવ્યો છે.