વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમિયાન સસ્તા અનાજમાં થતી ગેરરીતિ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં સરકાર તરફથી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યુ કે રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં સસ્તા અનાજને બારોબાર સગેવગે કરવાની 21 ગેરરીતિ પકડાઈ છે. જેમા પાંચ દુકાનદારો સામે PBM હેઠળ કેસ કરાયો છે. જ્યારે બે દુકાનદારોના પરવાના રદ કરાયા છે. ગેરરીતિ આચરનારા તત્વોને 7 લાખ 32 હજાર 800નો દંડ કરાયો છે.
જ્યારે પોરબંદરના બે તાલુકાઓમાંથી સસ્તા અનાજનો મોટો જથ્થો બારોબાર વેચાયો હોવાની સરકારે કબુલાત કરી હતી. રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં છેલ્લા બે વર્ષમાં સરકારી અનાજનું કૌભાંડ થયુ હોવાનો સરકારે સ્વીકાર કરતા જણાવ્યુ કે બંને તાલુકાની દુકાનોમાંથી કુલ 22,737નો 10393 કિલો ઘઉંનો જથ્થો બારોબાર વેચી દેવાયો હતો. જ્યારે બંને તાલુકાની 32 દુકાનોમાંથી કુલ 14,418નો 3406 કિલો ચોખાનો જથ્થો બારોબાર વેચી દેવાયો હતો.
વધુમાં અન્ન નાગરિક પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યુ કે જાન્યુઆરી 2023માં 4066 મેટ્રિક ટન જથ્થાનું વિતરણ કરવામાં આવ્યુ છે. હાલ ગાંધીનગર જિલ્લામાં 8 ગોડાઉનમાં 9700 મેટ્રિક ટન અનાજનો જથ્થો ઉપલબ્ધ છે.
ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ તારીખ 31.01.2023ની સ્થિતિએ એક વર્ષમાં ફેબ્રુઆરી 2022થી ડિસેમ્બર 2022 દરમિયાન 43,511 મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ જાન્યુઆરી 2023માં 4066 મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ કરાયુ છે. અંત્યોદય યોજના હેઠળ તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિદીઠ 3.50 કિલો ઘઉં અને 1.50 કિલો ચોખા તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને એક કિલોગ્રામ ઘઉં અને ચાર કિલો ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરાયુ છે.
આ પણ વાંચો: Gujarat માં શ્રી અન્નના ઉત્પાદક ખેડૂતો માટેની પ્રોત્સાહક વ્યવસ્થાઓથી નાના ખેડૂતોને લાભ થશે : આચાર્ય દેવવ્રત
જાન્યુઆરી 2023માં એ. એ. વાય. યોજના હેઠળ કાર્ડ દીઠ 15 કિલોગ્રામ ઘઉં અને 20 કિલોગ્રામ ચોખા કાર્ડ દીઠ તેમજ અગ્રતા ધરાવતા કુટુંબો માટે વ્યક્તિદીઠ 2 કિલોગ્રામ ઘઉં અને 3 કિલોગ્રામ ચોખા કાર્ડ દીઠ વિનામૂલ્યે વિતરણ કરાયું છે. આ બંને કાર્ડ ધારકોને બાયોમેટ્રિક પદ્ધતિથી વિતરણ કરાય છે. ગાંધીનગર જિલ્લામાં અન્ન પુરવઠા નિગમના આઠ ગોડાઉન છે. જેમાં 9700 મેટ્રિક ટન અનાજનો જથ્થો ઉપલબ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- ગાંધીનગર