
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાજીનું નિધન થયું છે. વડાપ્રધાને ખુદ આ અંગે ટ્વિટ કરીને માહિતિ આપી હતી. જણાવવું રહ્યું કે બુધવારે વહેલી સવારે તેમની છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ યુ.એન. મહેતામાં એડમિટ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે હીરાબા મોદી આજે વહેલી સવારે 3.30 વાગે સારવાર દરમિયાન દેવલોક પામ્યા. હીરા બા યુ.એન.મેહતા હોસ્પિટલ ખાતે દાખલ હતા અને ત્યાંજ તેમની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલ દ્વારા આ અંગે સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામા આવી હતી. વડાપ્રધાને ટ્વીટમાં લખ્યુ છે કે, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં વિરાજે છે. મામાં મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા છે, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક છે અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ દિલ્લી જવા રવાના થયા છે પીએમ ગાંધીનગર રાયસણ પહોંચ્યા હતા જ્યાં તેઓ ભાઈ પંકજ મોદીના ઘરે પહોંચ્યા હતા.
નરેન્દ્ર મોદી હંમેશા માતા હીરાબાને પોતાના જીવનના સૌથી મોટા ગુરૂ અને પ્રેરણાસ્ત્રોત ગણાવતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાયસણ પહોંચ્યા છે જ્યાં તેઓ ભાઈ પંકજ મોદીના ઘરે પહોંચ્યા છે.
દામોદરદાસ મોદીના લગ્ન હીરાબેન સાથે થયા હતા. બંનેના મોટા પુત્રનું નામ સોમભાઈ મોદી છે. બીજા નંબરે અમૃતભાઈ મોદી, તેમના ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. PM નરેન્દ્ર મોદી કરતા નાના તેમના ભાઈ પ્રહલાદ મોદી છે, પછી માત્ર બહેન વાસંતીબેન અને સૌથી નાના ભાઈ પંકજ મોદી છે.
માતા હીરા બાના નિધનના સમાચાર મળતાની સાથે સમગ્ર વડનગર હિબકે ચડ્યું હતું. જે ઘરમાં માતા હીરા બાએ જીવનના દુખ-સુખના દિવસો જોયા છે. તે ઘરની આસપાસ રહેતા સ્વજનોની આંખોના આંસુ સુકાતા ન હતા. માતા હીરા બાના સખી શકરી બાએ રામ…રામ…નું રટણ કરીને બાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ દુખદ સમાચારે સખી શકરી બાએ હીરા બા સાથે સંસ્મરણોને વાગોળ્યા હતા. હીરા બાના સ્વભાવના વખાણ કરતા શકરી બાના આંખુ ભીની થઇ ગઇ હતી. હીરા બાએ ભૂતકાળમાં કેવા દુખ અને સુખના દિવસો વિતાવ્યા છે તેને શકરી બાએ યાદ કર્યા હતા. શકરી બાએ ભગવાનની ભક્તિમાં લીન રહેતા હીરા બાની જીવનશૈલીના વખાણ કર્યા હતા.
PM મોદીના કૌટુંબિક ભાઇ શ્યામળદાસ મોદીએ જણાવ્યું કે, આજે મે મારી મા જ ગુમાવી છે, અમે હીરા બા પાસે જ મોટા થયા છીએ, શ્યામળદાસ મોદીની દોઢ વર્ષની ઉંમરે તેમના સગી માતાનું અવસાન થયું હતું. માતા વગરના શ્યામળદાસ મોદીના હીરા બા જ માતા બની ગયા હતા. આપને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી અને શ્યામળદાસ કૌટુંબિક ભાઈ છે.
હીરાબા ભોજનમાં મોટાભાગે ઘરનું બનાવેલું ભોજન લેતા હતા. તેઓ ખીચડી, દાળ, ભાત જેવી વસ્તુઓ ખાવાનું વધુ પસંદ કરતા હતા. તેમને લાપસી ખૂબ ભાવતી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ લેવા આવે ત્યારે તેમનું મોં પણ ખાંડ અને લાપસીથી મીઠુ કરાવતા હતા. જ્યારે પણ વડાપ્રધાન હીરાબા સાથે ભોજન કરતા ત્યારે રોટલી, શાક, દાળ, ભાત અને સલાડ જેવો સાદો ખોરાક ખાતા હતા.
હીરાબાના સંઘર્ષના દિવસોની વાત કરીએ હીરાબાએ કપરી સ્થિતિમાં ઘર ચલાવી દુઃખ સહન કરી બાળકોને મોટા કર્યા હતા. તેમને શાળા તો જોઈ ન હતી પણ બાળકોની ભણાવવાની જિજ્ઞાસાવૃત્તિ તેમનામાં હતી. હીરાબાનાં પાડોશમાં રહેતાં 95 વર્ષીય શકરીબેન પટેલે જણાવ્યું હતું કે હીરાબાએ ખૂબ કષ્ટ વેઠીને તેમના પરિવાર તેમજ તેમના કુટુંબીજનોને સાચવ્યા છે. એની હું સાક્ષી છુ. સવારે ઘરે ઘરે ફરી દૂધ ઉઘરાવી તેમની ચા ની દુકાને દૂધ આપવાનો તેમનો નિત્યક્રમ હતો બધા જ કામ જાતે કરતા હતા.
સુરતમાં બાળકોએ પણ હીરા બા ની આત્માની શાંતિ માટે મૌન પાળી શ્રધાંજલિ અપર્ણ કરી હતી ત્યારે સુરતમાં સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા હીરા બા ને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી હતી. તમામ નર્સિંગ સ્ટાફના લોકો એકઠા થયા હતા અને હીરા બા ને મૌન પાળી શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. તેમજ હીરા બાને ઈશ્વર શાંતિ અર્પે તે માટે તમામ લોકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
સુરતના લીંબાયત સ્થિત કમરૂ નગર ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પક્ષીવિદ ડો. સલીમ અલી ઉર્દૂ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૩૧માં વિદ્યાર્થીઓએ પ્રાર્થના સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાને બે મિનીટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. દરેક વિદ્યાર્થીઓ પોતાના હાથમાં હીરા બાની તસવીરને લઈને પ્રાર્થનામાં ઉભા હતા અને ઈશ્વર હીરા બા ની આત્માને શાંતિ અર્પે તે માટે પ્રાર્થના કરી શ્રધાંજલિ અર્પણ કરી હતી.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “માતાને ગુમાવવાથી મોટી ખોટ કોઈ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની માતાના નિધન પર મારી સંવેદના.
આધ્યાત્મિક નેતા બાબા રામદેવે પીએમ મોદીના માતા હીરાબા મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો.
જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ પીએમ મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો.
રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકમાં સંબોધન કરતા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદીના માતા હીરા બાના નિધન પર દુખ વ્યક્ત કર્યુ હતુ. તમારા માતાનું નિધન એ મોટી ક્ષતિ છે. દુખના આ સમયમાં તમને શક્તિ મળે. સમજાઇ નથી રહ્યુ કે કયા શબ્દોમાં હું દુખ વ્યક્ત કરુ.
રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન મોદી જોડાયા છે. માતાના અગ્નિ સંસ્કાર કર્યા બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગરના રાજભવન પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને હીરા બાના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
નરેન્દ્ર મોદી હંમેશા માતા હીરાબાને પોતાના જીવનના સૌથી મોટા ગુરૂ અને પ્રેરણાસ્ત્રોત ગણાવતા. એ હીરાબા જ હતા કે જેમણે નરેન્દ્ર મોદીને જાહેર જીવનમાં લોકોની નિસ્વાર્થ સેવા કરવા માટે પ્રેરિત કર્યા. આથી જ મોદી જ્યારે પહેલી સીએમ અને પછી પીએમ બન્યા ત્યારે ભારત હોય કે વિશ્વનો કોઇ પણ દેશ હોય. જાહેર મંચ પરથી અનેક વખત માતા હીરાબાનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. એટલું જ નહીં માતા હીરાબાએ કેવા કપરા સંજોગો વચ્ચે તેનો ઉછેર કર્યો તેની વાત કરતી વખતે મોદી રીતસર રડી પણ પડ્યા હતા.
હીરા બાને અંતિમ વિદાય આપીને PM મોદી ગાંધીનગરના રાજભવન ખાતે પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરા બાના અગ્નિ સંસ્કાર કર્યા બાદ સ્મશાન ગૃહથી રવાના થયા છે. PM મોદી આજે રાત્રિરોકાણ ગાંધીનગરમાં રાજભવન ખાતે જ કરશે. વડાપ્રધાન થોડી વારમાં પશ્ચિમ બંગાળના એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપવાના છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હીરા બાના નિધનને ખૂબ જ દુ:ખદ ઘટના ગણાવી છે. તેમણે ટ્વીટ કરીને હીરા બાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીરા બાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી છે. આ સાથે જ હીરા બા પંચમહાભૂતમાં વિલીન થયા છે.
હીરા બાના અંતિમ ક્રિયા સમયે પૂર્વ CM શંકરસિંહ વાઘેલા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને હીરા બાના પાર્થિવ દેહ પર પોત ઓઢાળ્યુ હતુ. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળીને સંવેદના વ્યક્ત કરી હતી.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
મોદી પરિવારે નાગરીકોને પોતાનું કાર્ય યથાવત રાખવા અપીલ કરી છે. બાને શ્રદ્ધાંજલિ આપતા પોતાનું કાર્ય યથાવત રાખવા મોદી પરિવારે અપીલ કરી છે. મોદી પરિવારે જણાવ્યુ છે કે અગાઉથી નક્કી આપનું કાર્ય યથાવત રાખશો એ જ હીરાબાને સાચી શ્રદ્ધાંજલિ છે.
હીરાબાના નિધનને લઈ વડનગર શોકમગ્ન છે. વડનગરના વેપારીઓ હીરાબાના સ્વયંભૂ બંધ પાળશે. વડનગરવાસીઓ બજાર બંધ રાખી હીરાબાને શ્રધાંજલિ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)તેમની માતા હીરાબાના 100માં જન્મદિવસે તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીએ તેમની ઓફિશિયલ વેબસાઈટ પર ‘મા’ માટે બ્લોગ પણ લખ્યો હતો. પીએમ મોદીએ બ્લોગમાં લખ્યું હતુ કે મારી માતા જેટલી સરળ છે તેટલી બધી માતાઓની જેમ અસાધારણ પણ છે.
PM મોદીના આજના નિર્ધારિત કાર્યક્રમો યથાવત રહેશે. PMO તરફથી મળતી માહિતી મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. આ કાર્યક્રમોમાં મુખ્ય કનેક્ટિવિટી-સંબંધિત પ્રોજેક્ટ્સ અને રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલની બેઠકનો સમાવેશ થાય છે.
હીરા બાના નિધન પર તેમના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે હીરા બાના પિયર પક્ષના અને સાસરી પક્ષના સ્વજનો હાજર છે. તમામ સ્વજનો સ્તુતિ કરીને હીરા બાને અંતિમ વિદાય આપી રહ્યા છે.
PM મોદીના માતા હીરા બાની અંતિમ ક્રિયા શરુ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીરા બાના પાર્થિવ દેહને કાંધ આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના રાયસણમાં પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચ્યા છે. રાયસણમાં પંકજ મોદીના નિવાસસ્થાને હીરા બાના અંતિમ દર્શન કરવા આવનાર તમામને ફરજીયાત માસ્ક પહેરીને જ પ્રવેશ આપવામાં આવશે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
PMની માતા હીરા બાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થશે. અંતિમ યાત્રા સવારે 8.00 વાગ્યે રાયસણમાં પુત્ર પંકજ મોદીના ઘરથી શરૂ થશે અને સેક્ટર 30 સ્મશાનગૃહ સુધી પહોંચશે.
મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણે હીરા બાના નિધન પર એક લાગણીસભર ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ છે.
PM મોદીના બા હીરાબાનું નિધન થયુ છે. ત્યારે રાયસણ સ્થિત નિવાસસ્થાને તેમનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી રાયસણ સ્થિત PMના ભાઇ પંકજ મોદીના નિવાસસ્થાને હાજર છે. થોડીવારમાં PM મોદી પણ અહીં પહોંચશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરા બાના અંતિમ દર્શન કરવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. PM મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. PM મોદી અમદાવાદ એરપોર્ટથી રાયસણ જવા રવાના થયા છે.
Published On - 7:24 am, Fri, 30 December 22