PAPER LEAK : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો યુ-ટર્ન, કેમ હવે વિદ્યાર્થી નેતાએ સરકારી રાગ આલાપ્યો ?

|

Dec 21, 2021 | 5:07 PM

ગાંધીનગર અખબાર ભવન ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં યુવરાજસિંહે સરકારના વખાણ કર્યા હતા. હર્ષ સંઘવીની જાહેરાતને સહર્ષ સ્વીકરતા હોય તેમ તપાસ મામલે પણ તેણે સંતોષ માન્યો હતો.

PAPER LEAK : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કના પેપર લીકના પૂરાવા રજૂ કરનાર યુવરાજસિંહે પોતાનો રાગ બદલ્યો છે. હવે તેણે સરકારી રાગ આલાપવાનું શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓ માટે હીરો બનવા નીકળેલો યુવરાજસિંહ 72 કલાકનું આપેલા અલ્ટીમેટમનું હવે સુરસુરીયુ થઇ ગયું છે. પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની હકાલપટ્ટીની માગ કરનાર યુવરાજસિંહે એકાએક ફેરવી તોડયું છે.

એટલું જ નહીં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે  તપાસ કામગીરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની કાર્યશૈલીના વખાણ કર્યા હતા. તેમજ તપાસ નિષ્પક્ષ હોવાનું પણ યુવરાજસિંહે ઉમેર્યું હતું. હેડ ક્લાર્કના પેપર લીકના મામલે પૂરાવા આપીને તપાસની માગણી કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છેલ્લા કેટલાક દિવસથી ગૃહરાજય મંત્રી સાથે સીધી મુલાકાત પણ યોજી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમની સાથેની બેઠક બાદ આ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે તપાસ નિષ્પક્ષ અને અસરકારક થશે તેવો રાગ આલાપ્યો હતો. જેને પગલે આજે ગૃહ રાજ્યમંત્રીએ આજે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતાં જ યુવરાજસિંહ 72 કલાક બાદ જાહેરમાં દેખાયા હતા.

ગાંધીનગર અખબાર ભવન ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં યુવરાજસિંહે સરકારના વખાણ કર્યા હતા. હર્ષ સંઘવીની જાહેરાતને સહર્ષ સ્વીકરતા હોય તેમ તપાસ મામલે પણ તેણે સંતોષ માન્યો હતો. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીને પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સાહેબથી સંબોધન કર્યું હતું. ગૌણ સેવા પસંદગીના ચેરમેન સામે પગલાં ભરવાની વાતને પણ તેમણે હળવાશથી લઈને તપાસમાં જે જવાબદાર નીકળે તેની સામે કડક પગલાં ભરવા જોઈએ તેવી માગ કરી હતી.

 

 

Next Video