
Gandhinagar: દેશ અને દુનિયામાં બાળ શોષણના બનાવો બની રહ્યા છે ત્યારે આ પ્રકારના બનાવોનું આધુનિક નિવેડો આઇઆઇટી ગાંધીનગરના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ આપ્યો છે. વિદ્યાર્થીઓએ સેન્સર બેઝ ટેકનોલોજીથી કપડા, ડિવાઇસ અને એપ્લિકેશન તૈયાર કરી છે. જેમાં બાળકોને અણછાજતો સ્પર્શ થતાં જ એની માહિતી બાળકના વાલી સુધી પહોંચી જશે. ધી ગાર્ડિયન્સ નામની એપ્લિકેશન વિદ્યાર્થીઓએ તૈયાર કરી છે.
TOI ના એક અહેવાલ મુજબ દેશના 50 ટકા કરતા વધારે બાળકો ક્યારેકને ક્યારેક માનસિક કે શારીરિક શોષણનો ભોગ બન્યા જ હોય છે. બાળ શોષણના કિસ્સાઓની તરત જાણ થાય એ માટે IIT ગાંધીનગરના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ વિશેષ ડિવાઇસ તૈયાર કર્યું છે. IIT માં પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્લ્ડ ઓફ એન્જીનીયરીંગ માં પ્રેક્ટિકલ જ્ઞાન મળે એ માટે પ્રોજેકટ તૈયાર કરવાના હોય છે.
જેમાં સામાજિક સમસ્યા શોધી એના પર કામ કરવાનું કહેવાયું હતું. બાળ શોષણના કિસ્સામાં બાળકો તેમના માતાપિતાને વાત નથી કરતા હોતા અને અંદરોઅંદર મૂંઝવણ અનુભવતા હોય છે. આ એક વિચાર સાથે વિદ્યાર્થીઓ નિષ્ણાત પ્રોફેસર પાસે પહોંચ્યા. વિદ્યાર્થીઓનો આઈડિયા અને નિષ્ણાત પ્રોફેસરના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓએ 6 અઠવાડિયામાં પ્રોજેકટ તૈયાર કર્યો છે.
ડિવાઇસની વાત કરવામાં આવે તો આ એક એવા પ્રકારનું ડિવાઇસ છે કે જેને બાળકોના આંતરવસ્ત્રો સાથે સેટ કરવામાં આવશે. સેન્સર ટેકનોલોજી આધારિત ડિવાઇસને બાળકોના આંતરવસ્ત્રોમાં રાખવામાં આવ્યું છે અને એ મોબાઈલ એપ્લિકેશન સાથે કનેક્ટ છે. કોઈ વ્યક્તિ બાળકને અણછાજતો સ્પર્શ કરશે તો એની જાણકારી બાળકના માતાપિતા સુધી પહોંચશે. જેમાં બાળકનું લોકેશન, તે સુરક્ષીત છે કે નહીં એ પણ માતાપિતાને તુરંત જ જાણ થશે. આ સિવાય તેમાં બાળકની મનોસ્થિતિને જાણવા પ્રશ્નોતરી પણ રાખવામાં આવી છે.
આ પણ વાંચો : Ahmedabad : રિડેવલપમેન્ટમાં ગયેલા ફ્લેટધારકો પાસે સ્ટેમ્પ ડ્યુટી ન માગવા ક્રેડાઈ – ગાહેડની સરકાર સમક્ષ રજૂઆત
દરેક લોકો બાળ શોષણની સમસ્યાથી વાકેફ છે પરંતુ એના સમાધાનને લઈ પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યારે IIT ના વિદ્યાર્થીઓ આગળ આવ્યા અને સમાધાન માટે પ્રયત્નો શરૂ કર્યા. વિદ્યાર્થી દેવોજિત દાસ જણાવે છે કે શરૂઆતમાં વિચારને પ્રોડક્ટ સુધી લઈ જવું અઘરું હતું પરંતુ સેન્સર ટેક્નોલોજીના પ્રોફેસરે ગાઈડ કર્યા બાદ નહીં ગમતા ટચ ને શોધવા શું શું કરી શકાય ?
કપડાં સાથે ઇન્ટીગ્રેટ કરી શકાય અને એપ્લિકેશનમાં એને કનેક્ટ કરી શકાય અને પછી પ્રયત્નો શરૂ કરાયા અને 29 લોકોની ટીમે 6 અઠવાડિયામાં ટાસ્ક પૂર્ણ કર્યો. આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં તમામ ટીમે સંશોધન કર્યું. વિદ્યાર્થીઓ ડિવાઇસને ભવિષ્યમાં વધારે સુદૃઢ બનાવશે અને તેને બજાર સુધી લઈ જવાશે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યારે આ ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થશે ત્યારે 3 હજાર સુધીની કિંમતમાં મળશે. જે મોટાભાગના માતાપિતા તેમના બાળકો માટે ખર્ચી શકે.
Published On - 4:33 pm, Mon, 10 July 23