GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસ (CORONA)ના કેસો અને સાથે જ કોરોના વાયરસના ઓમિક્રોન (OMICRON) વેરીએન્ટના કેસો વધતાની સાથે હવે સરકાર સતર્ક બની ગઈ છે. રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસો 11 હજાર નજીક પહોચી ગયા છે ત્યારે હવે ગુજરાત સરકારે એક પછી એક મોટા કાર્યક્રમો મુલતવી રાખવા તેમજ રદ્દ કરવાની શરૂઆત કરી દીધી છે. આજે 10મો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પાછી ઠેલાવવાની જાહેરાત કરવામાં આવી છે, તો સાથે જ પતંગ મહોત્સવ અને ફ્લાવર શો પણ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
કોરોનાના વધતા કેસો અંગે ગુજરાત સરકાર નવી કોરોના ગાઈડલાઈન (Corona Guidelines in Gujarat) જાહેર કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગાઈડલાઈનમાં ઘણા ફેરફારો કરવામાં આવી શકે છે અને હાલ જે પ્રતિબંધો લાગુ છે એમાં વધારો કરવામાં આવી શકે એમ છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના નિયંત્રણોની સમય મર્યાદા આવતીકાલે પૂર્ણ થાય છે, માટે આવતીકાલે 7 જાન્યુઆરીના દિવસે જ નવા નિયંત્રણો જાહેર થવાની પૂરી સંભાવના છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM BHUPENDRA PATEL)ની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળશે, જેમાં નવા પ્રતિબંધો અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નવી કોરોના ગાઈડલાઈનમાં માસ્ક ફરજિયાત પહેરવા પર ભાર મુકવામાં આવશે તેમજ માસ્ક ન પહેરવા પર દંડની જોગવાઈનો કડક અમલ કરવામાં આવશે. હોટલ, રેસ્ટોરન્ટ, જિમ કાર્યરત રહેશે, જો કે તેમાં ક્ષમતા અંગે નિર્ણય લેવાઈ શકે છે. સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડામાં છુટછાટ ઘટી શકે છે, હાલ આવા કાર્યક્રમોમાં 400 લોકોની છૂટ છે તેને સરકાર ઘટાડી શકે છે. તો આ સાથે જ રાત્રિ કરફ્યૂના સમયમાં પણ ફેરફાર થઈ શકે છે. રાત્રિ કર્ફ્યું 10 વાગ્યા બાદ અમલી બની શકે છે.
આ પણ વાંચો : AHMEDABAD : NSUIના કાર્યકરોએ PPE કીટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું, જાણો શું છે મામલો
આ પણ વાંચો : સલૂન અને બ્યુટી પાર્લરને 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખવા નિર્ણય, હેર સલુન ધારકોની સરકારને રજૂઆત