Narendra Modi Gujarat Visit : “મારી માતાને મા નો પ્રેમ મળ્યો ન હતો ” PM MODIએ બ્લોગમાં હીરા બાના દુ:ખની વ્યથા વ્યક્ત કરી

Narendra Modi Gujarat Visit : મારા માતા પણ માને છે કે, ઈશ્વરને ગમ્યું એ ખરું. પણ પોતાની બાલ્યાવસ્થામાં માતાને ગુમાવવી, પોતાની માતાનો ચહેરો જોવાનું પણ નસીબમાં ન હોવું એ હકીકતનું આજે પણ તેમને દુઃખ છે.

Narendra Modi Gujarat Visit : મારી માતાને મા નો પ્રેમ મળ્યો ન હતો  PM MODIએ બ્લોગમાં હીરા બાના દુ:ખની વ્યથા વ્યક્ત કરી
PM MODI-HIRA BA (ફાઇલ ફોટો)
| Edited By: | Updated on: Jun 18, 2022 | 9:33 AM

Narendra Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Hira BA) માતા હીરાબાની 100માં જન્મદિવસ (BIRTHDAY) નિમિતે ગુજરાત પ્રવાસે છે. ત્યારે પીએમ મોદીએ માતા હીરાબાના જીવનસંઘર્ષ અને પોતાના બાળપણની સાથે પરિવારજનોની વ્યથા એક બ્લોગમાં લખી છે. નરેન્દ્ર મોદીએ માતાના જન્મદિવસે અત્યારસુધીનો સૌથી લાંબો બ્લોગ લખ્યો છે. જેમાં મોદીએ પોતાની માતાની દુ:ખ સાથે પરિવારની સ્થિતિના દરેક મુદ્દાઓને વર્ણવ્યા છે.

વડાપ્રધાન મોદીએ પોતાના બ્લોગમાં શું લખ્યું ? માતાના દુ:ખની વ્યથા દર્શાવી

મારી માતાનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે મારા વતન વડનગરની નિકટ છે. તેમને તેમની પોતાની માતાનો પ્રેમ મળ્યો નહોતો. નાની વયે તેમણે મારા નાનીને સ્પેનિશ ફ્લૂ મહામારીમાં ગુમાવી દીધા હતા. તેમને મારી નાનીનો ચહેરો પણ યાદ નથી. તેમની પાસે મારી નાનીમાના ખોળામાં પસાર થયેલી બાળપણની યાદો પણ નથી. મારા માતાએ તેમનું સંપૂર્ણ બાળપણ તેમની માતા વિના પસાર કર્યું હતું. આપણા બધાને જે લાડકોડ મળ્યાં છે, તેનો અનુભવ મારી માતા મેળવી શકી નહોતી. જેમ આપણે આપણી માતાના ખોળામાં નિશ્ચિંત થઈને સૂતાં હતાં, તેમ મારી માતા તેમની માતાના ખોળામાં એ દૈવી અહેસાસ મેળવી શક્યાં નહોતાં. મારી માતા શાળામાં અભ્યાસ માટે પણ જઈ શક્યાં નહોતા એટલે સ્વભાવિક છે કે, તેમને લખતાં-વાચતાં આવડ્યું નથી. તેમનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું અને તમામ પ્રકારના સુખભોગ કે લાડકોડથી વંચિત રહ્યાં હતાં.

આજની સરખામણીમાં મારી માતાનું બાળપણ બહુ જટિલ સ્થિતિસંજોગોમાં પસાર થયું હતું. કદાચ, કુદરતે તેમની આ જ નિયતિ ઘડી હતી. મારા માતા પણ માને છે કે, ઈશ્વરને ગમ્યું એ ખરું. પણ પોતાની બાલ્યાવસ્થામાં માતાને ગુમાવવી, પોતાની માતાનો ચહેરો જોવાનું પણ નસીબમાં ન હોવું એ હકીકતનું આજે પણ તેમને દુઃખ છે.

આ પ્રકારના સંઘર્ષ અને જટિલ સ્થિતિસંજોગોને કારણે મારી માતાને બાળપણ માણવા મળ્યું જ નહોતું – તેમને ઉંમર કરતાં વધારે પરિપક્વ થવાની ફરજ પડી હતી. તેમના પરિવારમાં તેઓ સૌથી મોટું સંતાન હતાં અને લગ્ન પછી અમારા પરિવારમાં તેઓ સૌથી મોટી વહૂ બન્યાં હતાં. પોતાના બાળપણમાં તેમણે સંપૂર્ણ પરિવારની જવાબદારી ઉઠાવી હતી અને તમામ પ્રકારની કામગીરી સારી રીતે પાર પાડતાં શીખી ગયા હતા. લગ્ન પછી પણ તેમણે અમારા પરિવારમાં તમામ જવાબદારીઓ ઉઠાવી લીધી હતી. ઘણી જવાબદારીઓ અને રોજિંદા સંઘર્ષો હોવા છતાં મારી માતાએ ધીરજ અને મક્કમ મનોબળ સાથે સંપૂર્ણ પરિવારને એકતાંતણે જોડી રાખ્યો છે.

અમારું કુટુંબ વડનગરમાં એક નાનાં ઘરમાં રહેતું હતું, જેમાં એક બારી પણ નહોતી. શૌચાલય કે બાથરૂમ જેવી સુખસુવિધાની વાત જ કેવી રીતે થાય! અમે અમારા ઘરને એક-રૂમનું ટેનામેન્ટ કહેતાં હતાં, જેમાં માટીની દિવાલો હતી અને છત પર નળિયા હતાં. એવું હતું અમારું ઘર. તેમાં અમે બધા – મારા માતાપિતા, મારા ભાઈબહેનો અને હું રહેતાં હતાં.

Published On - 9:33 am, Sat, 18 June 22