
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ગ્રોથની નેમ સાથે નેટ ઝીરો કાર્બન ઈમિશન અને ગ્રીન ક્લીન એનર્જી માટે કરેલા આહવાનને ગુજરાત ઝીલી લેવા સજ્જ બન્યું છે. ત્યારે આ દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પગલુ ભર્યુ છે. CM ભૂપેન્દ્ર પટેલ અને ઊદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગ અને ઓકિઓર એનર્જી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં MoU થયા છે.
આ MoU કચ્છ જિલ્લામાં 1 મિલિયન ટન પ્રતિવર્ષની ઉત્પાદન ક્ષમતાના ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન એમોનિયા પ્રોજેક્ટના વિકાસ માટે કરવામાં આવ્યા છે. રૂપિયા 40 હજાર કરોડના કુલ રોકાણ સાથે આ સૂચિત પ્રોજેક્ટ બે તબક્કામાં 2030 સુધીમાં પૂર્ણ કરવાનું અને તેના દ્વારા અંદાજે 10,400 જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીના સર્જનનું લક્ષ્ય છે.
ઊદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં આ MoU કરતાં વિકાસકાર ઊદ્યોગજૂથ ઓકિઓર એનર્જીના સી.ઈ.ઓ. રણજિત ગુપ્તાએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેઈક ઈન ઈન્ડિયા-મેઈક ફોર ધ વર્લ્ડની સંકલ્પના સાકાર કરીને પ્લાન્ટમાં ઉત્પાદિત થનાર એમોનિયાને ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય સ્થળોએ પણ મોકલી શકાશે.
ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દાયાનીએ તથા ઓકિઓર એનર્જીના સી.ઈ.ઓ. રણજિત ગુપ્તા એ MoU પર હસ્તાક્ષર કરીને આપ-લે કરી હતી. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ઓકિઓર એ ADGM, અબુધાબીમાં શરૂ થયેલી ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા ક્ષેત્રની અગ્રણી કંપની છે. સમગ્ર ભારત, મધ્ય પૂર્વ તથા ઉત્તરી આફ્રિકા(MENA) પ્રદેશમાં 4 GW ક્ષમતાના ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ્સ વિકસાવવા અને બનાવવાનું લક્ષ્ય આ કંપની ધરાવે છે. પોતાનો આવો જ વધુ એક પ્રોજેક્ટ શરૂ કરવા તેમણે ગુજરાતની પસંદગી કરી છે.
મહત્વનું છે કે ગાંધીનગરમાં ઊદ્યોગ વિભાગ અને ઓકિઓર એનર્જી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે MoU થયા તે દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઊદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
Published On - 3:00 pm, Mon, 27 February 23