રાજ્ય સરકાર (State Government) આજે વિધાનસભા (Assembly) માં શહેરી વિસ્તારોમાં રસ્તા પર રખડતા પશુઓ (stray cattle) માટેનો કાયદો રજૂ કરવાની છે ત્યારે આ કાયદો બને તે પહેલાં જ માલધારી સમાજે તેનો વિરોધ કરવાનું શરૂ કરી દીધો છે. જેના પગલે ગાંધીનગર (Gandhinagar) માં માલધારી સમાજ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમની ચેતવણી આપવામાં આવી છે. જોકે માલધારીઓના આ કાર્યક્રમની જાહેરાતને પગલે પોલીસને સતર્ક કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં આજે સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. બિલની જોગવાઇ મુજબ કાયદો અમલમાં આવ્યા બાદ શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પર પ્રતિબંધ જાહેર કરાશે.
ઉલ્લેખનીય છે આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર થયો ત્યારથી માલધારી સમાજે તેનો વિરોધ કરી રહ્યો છે અને ગઈ કાલે કાયદાના વિરોધમાં અમદાવાદ કલેકટર ઓફિસ ખાતે 50 જેટલા માલધારી સમાજના આગેવાનો અને લોકોએ કલેકટર સંદીપ સાગલેને આવેદનપત્ર આપ્યું હતું. કલેકટર દ્વારા આવેદનપત્ર સ્વીકારી અને આ મામલે ગાંધીનગરમાં યોગ્ય રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
માલધારી આગેવાનોએ જણાવ્યું કે સરકાર દ્વારા રખડતા ઢોર માટે જે કાયદા લાવવામાં આવી રહ્યો છે એ કાળો કાયદો છે. 2022 વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકાર અને ભાજપ લોકોને ગેરમાર્ગે દોરી રહી હોવાનો માલધારીઓએ આક્ષેપ કર્યો છે. સરકાર પોતાનું વલણ મક્કમ રાખશે તો ગાંધીનગરમાં પણ માલધારી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થઇને કાયદાનો વિરોધ કરશે. માલધારી સમાજના ધર્મગુરુઓને આગેવાનો સાથે ચર્ચા કર્યા સિવાય જો વિધાયક લવાશે તો 2022 વિધાનસભાની ચૂંટણીમાં એના પરિણામ જોવા મળશે. રાજ્ય સરકાર ઉદ્યોગપતિઓ માટે જ કામ કરતી હોવાનો માલધારી સમાજના લોકોનો આક્ષેપ છે.
માલધારી સમાજની માંગણીઓ છે કે કોર્પોરેશન દ્વારા પકડાયેલા ઢોરોને મુકત કરવા ડબાદંડ અને ખોરાકીના દરમાં ઘટાડો કરવામાં આવે, પકડાયેલા પશુઓને છોડાવવા માટે ૯૦-અ મુજબ ભરવામાં આવતી પોલીસ ચાર્જશીટ રદ કરવામાં આવે, અગાઉની માફક શહેરની બહાર માલધારી વસાહતો બનાવી તેમાં ગાયો રાખવાના વાડાઓ તેમજ પશુ દવાખાના ખાણદાણની દુકાન, દૂધમંડળી તેમજ માલધારીઓના બાળકો માટેની સ્કુલો, દવાખાનાઓ, જેવી જરૂરી સુવિધાઓ આપવામાં આવે, જે તે શહેરમાં દબાણ થયેલ ગૌચરો નામદાર કોર્ટના હુકમ મુજબ ખાલી કરાવી તેમાં આવી વસાહતો બનાવી માલધારી શહેર બહાર વસવાટ કરે તેવી વૈકલ્પિક વ્યવસ્થાઓ તૈયાર કરાવામાં આવે. જ્યાં સુધી આ માગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કાયદાનો વિરોધ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ મોંઘવારીનો ફરી માર !! આજે ફરી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો ઝીંકાયો
આ પણ વાંચોઃ ગુજરાતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની 100 ટકા હાજરી મુદ્દે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે આપ્યું આ નિવેદન