પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આગામી 100 દિવસમાંજ જુનિયર ક્લાર્કની પરીક્ષા ફરી યોજવાની જાહેરાત કરી છે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરશે. મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/ હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.
#Juniorclerk exams will be held within 100 days. 15 accused nabbed so far: GPSSB chairman Sandeep Kumar #paperleak #Gujarat #TV9News pic.twitter.com/w51H3WARMh
— Tv9 Gujarati (@tv9gujarati) January 29, 2023
ગુજરાતમાં જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જેના પગલે પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 9 લાખ 53 હજાર વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પહોંચી ગયા હતા. જે સમયે પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ પોલીસને બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી. આ બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આ પરત્વે માત્ર બે જ કલાકમાં અસરકારક પગલા લઇ તાકીદની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જુનિયર ક્લાર્કના પેપર લીક મામલે ગુજરાત ATSએ તપાસ તેજ કરી છે. અત્યાર સુધીમાં 15 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી પાંચ આરોપી ગુજરાતના છે અને અન્ય 10 આરોપી અન્ય રાજ્યના છે. આ પૈકી બે આરોપીની વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી એક ઓડિશાનો હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે ATSની એક ટીમે ઓડિશામાં ધામા નાખ્યા છે. મુખ્ય આરોપી પ્રદીપ નાયક ઓડિશાનો રહેવાસી છે. જે હૈદરાબાદના પ્રિંટિંગ પ્રેસમાંથી છપાયેલુ પેપર લઇને વડોદરા આવ્યો હતો.
મહત્વનું છે કે સવારે 11થી 12 કલાક દરમિયાન પરીક્ષા યોજાવાની હતી. 9.53 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા, પરંતુ તેમની આશાઓ પર નિરાશાનું મોજું ફરી વળ્યું છે. 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રો પર તૈયારીનો ખર્ચ માથે પડ્યો છે. 7 હજાર 500 પોલીસકર્મી સહિત 70 હજારથી વધુનો સ્ટાફ છતા પેપર ફૂટતા સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે.