GANDHINAGAR : કેન્દ્રીય ગૃહપ્રધાન તેમજ દેશના પ્રથમ સહકારિતા પ્રધાન અમિત શાહ રાજ્યના પ્રવાસે છે. ગૃહપ્રધાન શાહે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર મહિલા સ્વ-સહાય જૂથના ટી-સ્ટોલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે માટીની કુલડીમાં ચા પીધી હતી.
મહિલા સ્વ-સહાય જૂથના ટી-સ્ટોલ પર ચા પીધા બાદ ગૃહપ્રધાન અમિત શાહે મહિલા સ્વ-સહાય જૂથની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં સ્વ-સહાય જૂથની મહિલાએ કહ્યું કે તેઓ 13 બહેનોનું જૂથ છે જેમણે મહિલા સ્વ-સહાય જૂથ યોજના અંતર્ગત માટીની કુલડી બનવવાની તાલીમ લીધી અને આ ટી-સ્ટોલ માટે માટીની કુલડી બનાવી છે.
ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે પ્રદુષણ અટકાવવા પ્લાસ્ટિક કપમાં ચા પીવાનું બંધ કરવા કરતા પ્લાસ્ટિકના ચાના કપ બનાવવાનું જ બંધ કરી દેવું જોઈએ. ગૃહપ્રધાન શાહે ગાંધીનગર મત વિસ્તારની અન્ય મહિલાઓ માટે જાહેરાત કરતા કહ્યું કે જે મહિલાઓએ માટીના ચાના કપ એટલે કે કુલડી બનાવવા માટે ચાકડાની જરૂર હોય તે ગાંધીનગર જિલ્લા કલેકટરને અરજી કરે. આ સાથે જ તેમણે ગાંધીનગર જિલ્લા કલેકટરને અરજી કરનાર તમામ મહિલાઓને ચાકડા આપવાનું કહ્યું છે.
ગૃહપ્રધાન શાહે મહિલા સ્વ-સહાય જૂથની મહિલાઓને પણ કહ્યું કે તમાર પરિચયમાં હોય એવા લોકોને પણ ચાકડા માટે અરજી કરવાનું કહેવાનું જણાવ્યું છે.